• શુક્રવાર, 28 માર્ચ, 2025

મગજમાં પહોંચી ગયું માઈક્રો પ્લાસ્ટિક !

સ્ટ્રોક અને મૃત્યુનું જોખમ 4.5 ગણું વધ્યું : ચોંકાવતો અભ્યાસ

મુંબઈ, તા.14: માનવ શરીરમાં ખાસ કરીને મગજમાં માઈક્રો પ્લાસ્ટિક્સનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. આ વધારો ગંભીર સ્વાસ્થ્ય જોખમ તરફ ઈશારો કરે છે. મગજમાં લીવર અને કિડની કરતા ઘણી વધારે માત્રામાં સૂક્ષ્મ પ્લાસ્ટિકના કણો એકઠા થઈ રહ્યા છે. પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય જર્નલ નેચર મેડિસિનમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં આ માહિતી પ્રકાશમાં આવી છે. માઈક્રો પ્લાસ્ટિક્સ મગજના મૂળભૂત માળખામાં પરિવર્તન લાવી રહ્યા હોવાથી, હૃદયરોગનો હુમલો, સ્ટ્રોક અને મૃત્યુનું જોખમ 4.5 ગણું વધી જાય છે. અભ્યાસ મુજબ, 1997 અને 2024 વચ્ચે હાથ ધરાયેલા અનેક પોસ્ટમોર્ટમ દરમિયાન મગજના પેશીઓમાં સૂક્ષ્મ અને નેનો પ્લાસ્ટિકના સ્તરમાં વધારો જોવા મળ્યો હતો. તેવી જ રીતે, લીવર અને કિડનીના પેશીઓમાં પણ સૂક્ષ્મ પ્લાસ્ટિકના કણો મળી આવ્યા હતા. લીવર, કિડની અને મગજના નમૂનાઓનું વિશ્લેષણ કરવા માટે આધુનિક તકનીકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કુલ 52 મગજના નમૂનાઓની તપાસ કરવામાં આવી હતી, જેમાં 2016ના 28 નમૂના અને 2024ના 24 નમૂનાનો સમાવેશ થાય છે. બધા નમૂનાઓમાં પ્લાસ્ટિકની હાજરીના પુરાવા મળ્યા છે. સંશોધનમાં માનવ રક્ત, માતાના દૂધ, પ્લેસેન્ટા અને શરીરના અન્ય ભાગોમાં માઈક્રો પ્લાસ્ટિક્સના પુરાવા પણ મળ્યા છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક