અશોક ગહલોતે નામ લીધા વિના કહ્યું, કોંગ્રેસમાંથી તૂટીને બનેલા પક્ષોએ ફરી વાપસી કરી લેવી જોઈએ
નવી દિલ્હી, તા. 12 : તૃણમૂલ
કોંગ્રેસમાં મચેલી ભાગદોડ વચ્ચે શું મમતા બેનરજી કોંગ્રેસમાં વિલય કરીને પોતાની પાર્ટીનું
અસ્તિત્વ ખતમ કરશે ? આ સવાલનો જવાબ આવવાનો બાકી છે પણ કોંગ્રેસ તરફથી હવે ખુલીને વિલયનો
પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. ગાંધી પરિવારના નજીકના માનવામાં આવતા અશોક ગહલોતે ટીએમસી
સહિત એવા તમામ દળોને પણ વિલયનું સૂચન આપ્યું છે, જે કોંગ્રેસમાંથી અલગ પડીને અસ્તિત્વમાં
આવ્યા છે. આ દરમિયાન એવી ચર્ચા પણ સામે આવી હતી કે શરદ પવારના નેતૃત્વની એનસીપી કોંગ્રેસમાં
વિલયનું મન બનાવી ચૂકી છે. જો કે આ મામલે સત્તાવાર રીતે કોઈ માહિતી સામે આવી નથી.
શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉત
તરફથી આપવામાં આવેલા વિલયના સૂચનનું સમર્થન કરતા અશોક ગહલોતે સીધી રીતે ટીએમસીનું નામ
લીધું નહોતું પણ કોંગ્રેસથી અલગ થઈને બનેલા દળોને ફરીથી પક્ષમાં વિલય કરવા અને રાહુલ
ગાંધીને દિલથી પોતાના નેતા સ્વીકાર કરી લેવાની વાત કરી હતી. ગહલોતે કહ્યું હતું કે
સંજય રાઉતની વાતમાં દમ છે. આ લોકતંત્ર બચાવવાની લડાઈ છે અને તેઓ યુદ્ધના મેદાનમાં છે.
જે પાર્ટી કોંગ્રેસમાંથી તૂટીને બની છે તેણે પરત સામેલ થઈ જવું જોઈએ અને રાહુલ ગાંધીને
નેતા સ્વીકારી લેવા જોઈએ. મુરા દેશમાંથી એક જ સંદેશ મળવો જોઈએ કે ઈન્ડિ ગઠબંધનના નેતા
રાહુલ ગાંધી છે. પછી જ જનતા સફળતા અપાવશે.
ગહલોતે કહ્યું હતું કે, શિવસેના,
સીપીએમ, સીપીઆઈ, સપા આ તમામ પાર્ટી અલગ છે, તેના ઉપર દાવો કરી શકાય નહી માત્ર આગ્રહ
જ થઈ શકે. જો કે કોંગ્રેસથી તુટીને બનેલા પક્ષોએ વિચાર કરવો જોઈએ. આ દરમિયાન એવી ચર્ચા
પણ શરૂ થઈ છે કે શરદ પવારની આગેવાનીની એનસીપી પણ કોંગ્રેસમાં વિલયનું મન બનાવી રહી
છે. જો કે હજી સુધી આ મામલે સ્થિતિ સ્પષ્ટ થઈ નથી.