• શનિવાર, 13 જૂન, 2026

સમાધાન હાથવેંતમાં હોવાનો ટ્રમ્પનો દાવો: ઈરાનનો નનૈયો

ઈરાન ઉપર ભીષણ હુમલાની ચેતવણી ફેરવી તોળતા ટ્રમ્પે સમજૂતી લગભગ તૈયાર હોવાનો કરેલો દાવો : ઈરાને ફક્ત અટકળો ગણાવીને કહ્યું, હજી કંઈ નક્કી નથી થયું

 

નવીદિલ્હી, તા.12: ઈરાન સામે યુદ્ધનો અંત ઢૂંકડો હોવાની આશાને બળવતર બનાવતા અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે, બન્ને દેશ વચ્ચે બહુ જલ્દી સમજૂતી થવાની સંભાવના છે. જો કે ટ્રમ્પનાં આ દાવાને ફરી એકવાર ખારિજ કરી નાખતા ઈરાને ચોખવટ કરી દીધી હતી કે, આ ઘર્ષણ રોકવા માટે કોઈ સમજૂતી માટે અંતિમ નિર્ણય લેવાયો નથી. આ પહેલા ગુરુવારે ટ્રમ્પે ઈરાન ઉપર ભીષણ હુમલો બોલાવવાની ચેતવણી આપ્યા પછી ફેરવી તોળતા કહ્યું હતું કે, વિષ્ટિકારો વચ્ચે સારું સમાધાન હાથવેંતમાં હોવાનાં કારણે ઈરાન ઉપર હુમલો કરવાનું ટાળી દેવામાં આવ્યું છે. ટ્રમ્પે કહ્યું હતું કે, સમજૂતીનાં દસ્તાવેજો  ઉપર આગામી થોડા દિવસોમાં જ યુરોપમાં હસ્તાક્ષર માટે કાર્યક્રમ યોજાઈ શકે છે. જો કે ઈરાનનાં વિદેશ મંત્રાલયે સમજૂતીનાં અહેવાલો અટકળોથી વધારે કશું ન હોવાની ચોખવટ કરી દીધી હતી અને કહ્યું હતું કે, હજી કંઈ જ નક્કી થયું નથી. ઈરાન તરફથી કહેવામાં આવ્યું હતું કે, સમજૂતીનો મુખ્ય હિસ્સો તો લગભગ નક્કી જેવો છે પણ અમેરિકાની માગણી અને લાલચ વધતા જાય છે.

દરમિયાન સમજૂતીની શરતો વિશે ઈરાનનાં મીડિયામાં વહેતા થયેલા અહેવાલોથી પણ ટ્રમ્પ ભડકી ગયા હતાં અને કહ્યું હતું કે, જે શરતો વિશે જે અહેવાલો આવી રહ્યાં છે તે મનઘડંત છે અને તેને અસલ સમજૂતી સાથે કોઈ નિસ્બત નથી. મીડિયામાં ફેલાવવામાં આવતી વાતો સદંતર જૂઠી છે.

 

 

ભારતીય જહાજો ઉપર હુમલા નામંજૂર : ટ્રમ્પ

 

 

અમેરિકી દૂતને તલબ કરીને વાંધો નોંધાવ્યો : ભારતીય ક્રૂની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી

 

નવી દિલ્હી, તા. 12 : ભારતીય જહાજો ઉપર હુમલા પછી ભારતે પોતાની નારાજગી અમેરિકા વ્યક્ત કરવા સાથે આકરું વલણ અપનાવ્યું છે તો બીજીબાજુ અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો ખુલાસો કરતાં દાવો કર્યો હતો કે, ગત રાતે હોર્મુઝમાંથી નીકળતા ભારતીય જહાજો ઉપર ઈરાને પણ ડ્રોનથી હુમલો કર્યો હતો. જો કે આ હુમલાને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યો હતો. ટ્રમ્પે ઈરાનની આ સૈન્ય કાર્યવાહી સામે સખત વાંધો લીધો છે અને આવી કોઈપણ હરકત અસ્વીકાર્ય છે. અમેરિકા આવું કંઈપણ સાંખી લેશે નહીં.

ઓમાન તટ પાસે કોમર્શિયલ જહાજો ઉપર સતત થઈ રહેલા હુમલા અંગે ભારત સરકાર દ્વારા આકરું વલણ અપનાવવામાં આવી રહ્યું છે. વિદેશ મંત્રાલયે શુક્રવારે અમેરિકી મિશનના કાર્યકારી પ્રમુખ જેસન મીક્સને  તલબ કર્યા હતા અને વ્યાપારિક જહાજો ઉપર અમેરિકા દ્વારા થઈ રહેલા હુમલા અંગે વિરોધ નોંધાવ્યો હતો.

ગત ગુરૂવારે વધુ એક જહાજ નિશાને લેવાયું હતું, જેમાં 20 ભારતીય ક્રૂ સવાર હતા. આંતરરાષ્ટ્રીય સમુદ્રી રસ્તે ભારતીયોની સુરક્ષા અંગે ભારતે પોતાની ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. વિદેશ મંત્રાલયના એડિશનલ સેક્રેટરીએ અમેરિકી દૂતને બોલાવીને ભારત તરફથી વાંધો નોંધાવ્યો હતો. આ રીતે અઠવાડિયામાં બીજી વખત અમેરિકી દૂત તલબ કરવામાં આવ્યા હતા. અગાઉ બુધવારે સેટેબેલો નામના જહાજ ઉપર હુમલો થયો હતો. જેમાં ત્રણ ભારતીયના મૃત્યુ થયા હતા. અમેરિકાએ બે જહાજ ઉપર હુમલો કર્યાની વાત સ્વીકારી હતી અને જહાજો નિયમોનું પાલન કરતા ન હોવાનું બહાનું આપ્યું હતું.

 

ઇ-પેપરના નવા શુલ્ક