• શનિવાર, 13 જૂન, 2026

અલ નીનો કન્ફર્મ : ઓછા વરસાદની આશંકા

ચોમાસા દરમિયાન અલ નીનોની સ્થિતિ વધુ મજબૂત બનશે : પ્રશાંત મહાસાગરનું તાપમાન અલ નીનો માટે નક્કી માપને ઓળંગ્યું

 

નવી દિલ્હી, તા. 12 : હવામાન વિભાગે આખરે અલ નીનો પહોંચી ગયું હોવાની ઘોષણા કરી દીધી છે. છેલ્લા અમુક દિવસથી અલ નીનોની અસરનો અંદાજ લગાડવામાં આવી રહ્યો હતો પણ આઈએમડી (હવામાન વિભાગ) દ્વારા પુષ્ટિ કરવામાં આવી રહી નહોતી. છેલ્લા લાંબા સમયથી સામે આવતી ચેતવણી અને વિશ્વની પ્રમુખ હવામાન એજન્સીઓ દ્વારા અલ નીનોના આગમનની ઘોષણા બાદ, ભારતીય હવામાન વિભાગ દ્વારા સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી છે કે પ્રશાંત મહાસાગરમાં અલ નીનોની સ્થિતિ વિકસિત થઈ છે અને વર્તમાન નૈઋઍત્યના ચોમાસામાં વધુ મજબૂત થવાની સંભાવના છે.

આઈએમડી દ્વારા એક બુલેટીનમાં કહેવામાં આવ્યું હતું કે મધ્ય અને પુર્વી પ્રશાંત મહાસાગરમાં સમુદ્રની સપાટીનું તાપમાન એવી સીમાને ઓળંગી ગયું છે, જે જળવાયુ ઘટનાને અલ નીનોના રૂપમાં વર્ગીકૃત કરવા માટે જરૂરી છે. આ વિકાસ વૈશ્વિક હવામાન પેટર્નમાં એક મહત્વપુર્ણ બદલાવનો સંકેત આપે છે અને ભારતના મહત્વપુર્ણ એવા ચોમાસાના દિવસો ઉપર સંભવિત પ્રભાવ અંગે સવાલ ઉભા કરે છે. આઈએમડીએ કહ્યું હતું કે, વર્તમાન સમયે પ્રશાંત મહાસાગરમાં અલ નીનોની સ્થિતિ છે અને નૈઋઍત્યના ચોમાસા દરમિયાન વધુ મજબુત થવાની આશંકા છે.

અલ નીનોની સાથે હવે હવાઓની દિશા બદલી રહી છે. વાયુમંડળમાં સમુદ્રી ગરમીની અસર શરૂ થઈ છે. જેનો સીધો અર્થ એવો બની રહ્યો છે કે વાયુમંડળની પુરી સિસ્ટમ અલ નીનોના ભરડામાં છે. સરળ શબ્દોમાં કહેવામાં આવે તો અલ નીનો એક પ્રાકૃતિક મોસમી બદલાવ છે. જેમાં પ્રશાંત મહાસાગરની સપાટીનું પાણી સામાન્ય કરતા વધુ ગરમ બને છે. ભારતમાં ચોમાસા માટે આ સ્થિતિ સારી માનવામાં આવતી નથી. ઈતિહાસ સાક્ષી છે કે જ્યારે જ્યારે અલ નીનો આવ્યો છે ત્યારે ભારતમાં ચોમાસું નબળું પડયું છે.

અલ નીનોના કારણે દેશમાં ચોમાસા દરમિયાન વરસાદ ઓછો પડે છે. ગરમી વધે છે. ઘણા રાજ્યોમાં લાંબો સમય  દુષ્કાળની સ્થિતિ બને છે. જો કે હવામાન વિભાગના કહેવા પ્રમાણે ભારતીય  ચોમાસુ માત્ર અલ નીનોના ભરોસે નથી. અન્ય સિસ્ટમ પણ વરસાદ માટે કારક બને છે. આ દરમિયાન જાપાનની હવામાન એજન્સીએ એક રાહતના અહેવાલ આપ્યા હતા. જેમાં કહેવામાં આવ્યું હતું કે જુલાઈ મહિનામાં હિંદ મહાસાગરમાં એક સકારાત્મક ‘ઈન્ડિયન ઓશન ડિપોલ’ (આઈઓડી) બની શકે છે. જો જુલાઈમાં આઈઓડી બનશે તો આ સિસ્ટમમાં અલ નીનોનો નકારાત્મક પ્રભાવ ધોવાઈ જશે. જો કે ભારતીય હવામાન વિભાગનું અનુમાન થોડું અલગ છે. આઈએમડી અનુસાર અત્યારે પણ હિંદ મહાસાગરમાં આઈઓડીની સ્થિતિ છે પણ તે વરસાદ ઉપર કોઈ અસર છોડશે નહી.

 

ચોમાસું આગળ વધવા માંડયું છે; બિહારમાં વીજળી પડતાં 10ના મૃત્યુ

નવી દિલ્હી, તા. 12 : દેશમાં ચોમાસું આગળ વધતું જઈ રહ્યું છે, ત્યારે બિહારના 12 જિલ્લામાં તોફાની વરસાદ વચ્ચે વીજળી પડતાં 10 લોકોનાં મોત થઈ ગયાં હતાં. રાજધાની દિલ્હીમાં મોડી રાતે કલાકના 70 કિલોમીટરની ગતિ સાથે તોફાની પવન ફૂંકાતાં ધૂળની ડમરીઓ ઊડી હતી. ચોથી જૂનના કેરળનો કાંઠો ભીંજવ્યા પછીથી આઠ દિવસમાં ચોમાસું દેશના 17 રાજ્યોમાં પહોંચી ચૂક્યું છે. દેશના મોસમ વિજ્ઞાન વિભાગે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, કાશ્મીર, ઉત્તરાખંડ,  હિમાચલ પ્રદેશ અને પંજાબ સહિત 22 રાજ્યોમાં તોફાન, વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક