• ગુરુવાર, 01 ઑક્ટોબર, 2026

પોરબંદરમાં બેન્કે ગયેલા દંપતીના ઘરમાં 87 હજારની ચોરી

13 દિવસ બાદ પોલીસ ફરિયાદ : જાણભેદુ હોવાની આશંકા

પોરબંદર, તા.30 : શહેરના બોખીરા વિસ્તારમાં પતિ-પત્ની બેન્કમાં ગયા ત્યારે તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોનાના દાગીના અને રોકડ સહિત કુલ રૂ.87,176ની ચોરી કરી હતી. બનાવના 13 દિવસ બાદ ઉદ્યોગનગર પોલીસમથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

બોખીરામાં વાછરાડાડાના મંદિર પાછળ આવેલા મુરલીધર પાર્કમાં રહેતા અને દરજીકામ કરતા 30 વર્ષીય શુભમકુમાર ગોપાલભાઇ માંડલીયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.17 સપ્ટેમ્બરની સવારે તેમની પત્ની સુનીતાને બેન્કમાં ખાતું ખોલાવવાનું હોવાથી બંને મકાનના નીચેના દરવાજે તાળું મારી બેન્ક ઓફ બરોડા ગયા હતા. આધારકાર્ડ લીંકનો મેસેજ ન આવતાં ખાતું ખૂલ્યું ન હતું. ત્યારબાદ બંને બજારમાં ખરીદી કરવા ગયા અને બપોરે બે વાગ્યે ઘરે પરત ફર્યા હતા. થોડીવાર બાદ એક વર્ષના પુત્ર ક્રિશીવના કપડાં લેવા સુનીતા ઉપરના રૂમમાં ગઈ ત્યારે ચોરી થયાની જાણ થઈ હતી. તપાસ કરતાં કબાટમાંથી લગ્ન સમયે મળેલું 11 ગ્રામનું સોનાનું મંગળસૂત્ર (રૂ.60,876) તથા ત્રણ ગ્રામથી વધુ વજનની બે બુટી (રૂ.21,300) અને પાકીટમાંથી રૂ.5,000 મળી કુલ રૂ.87,176ની ચોરી થયેલી હોવાનું બહાર આવ્યું હતું. ફરિયાદીના સસરા બીમાર હોવાથી પરિવાર તાત્કાલિક ઉત્તરપ્રદેશ ગયો હતો. પરત આવ્યા બાદ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે અજાણ્યા તસ્કર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જાણભેદુ અથવા આસપાસની વ્યક્તિ સંડોવાયેલી હોવાની શક્યતા વચ્ચે આરોપી પોલીસના હાથવેતમાં હોવાની ચર્ચા છે.

ઇ-પેપરના નવા શુલ્ક