• ગુરુવાર, 01 ઑક્ટોબર, 2026

આસારામને હાઈકોર્ટનો ઝટકો, પત્નીને મળવા 20 દિવસની હંગામી જામીન અરજી ફગાવી

વીડિયો કોન્ફરન્સિંગથી પત્ની સાથે વાતચીત કરવાની મંજૂરી મેળવવા જેલ સુપરિન્ટેન્ડેન્ટનો સંપર્ક કરવા કોર્ટે છૂટ આપી

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.30: ગુજરાત હાઈકોર્ટે બળાત્કારના કેસમાં જેલની સજા કાપી રહેલા આસારામને પત્નીને મળવા માટે 20 દિવસની હંગામી જામીન આપવાનો ઇનકાર કર્યો છે. 86 વર્ષીય આસારામે માનવતાના ધોરણે અસ્થાયી જામીનની માગ કરી હતી. તેમની 83 વર્ષીય પત્ની હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાથી તેમને મળવા માટે મુક્તિ માગતી અરજી હાઈકોર્ટ કરવામાં આવી હતી. અગાઉ કોર્ટે આસારામની પત્નીની તબિયત અંગે સ્થાનિક પોલીસને તપાસ કરી રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો હતો. એસીપી, એસઆઈટી/મહિલા ક્રાઈમ સેલ દ્વારા હોસ્પિટલના સંદેશા અને સારવાર કરી રહેલા બે તબીબોના નિવેદન સાથે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો.

આસારામ તરફથી તેમના વકીલ આશિષ ડગલીએ દલીલ કરી હતી કે આસારામની ઉંમર હાલમાં 86 વર્ષ છે, જ્યારે તેમની પત્નીની ઉંમર 83 વર્ષ છે. પત્નીની તબિયતને લઈને તેઓ ચિંતિત છે અને આવી સ્થિતિમાં તેમને પત્નીને મળવાની તક મળવી જોઈએ તેવી રજૂઆત કરવામાં આવી હતી. બીજી તરફ સરકારી વકીલે હંગામી જામીનનો વિરોધ કરતા તબીબોના નિવેદનનો હવાલો આપ્યો હતો. આસારામની પત્નીએ સારવારને સારો પ્રતિસાદ આપ્યો છે અને હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાની દલીલ કોર્ટમાં કરવામાં આવી હતી. કોર્ટે પોલીસ રિપોર્ટ અને બંને તબીબોના અભિપ્રાયની નોંધ લીધી હતી. પત્નીની સારવારને સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાનું અને બે-ત્રણ દિવસમાં ડિસ્ચાર્જ થવાની શક્યતા હોવાનું ધ્યાનમાં લેતા કોર્ટે આસારામને અસ્થાયી જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે આસારામને આંશિક રાહત આપતા તેમને પત્ની સાથે વિડિયો કોન્ફરન્સિંગ મારફતે વાતચીત કરવાની મંજૂરી મેળવવા જેલ સુપરિન્ટેન્ડન્ટનો સંપર્ક કરવાની છૂટ આપી છે.

ઇ-પેપરના નવા શુલ્ક