• શનિવાર, 27 જુલાઈ, 2024

વડા પ્રધાન કાર્યાલય મોદીનું નહીં, લોકોનું છે PMOના અધિકારીઓને મોદીનું સંબોધન

આનંદ કે. વ્યાસ

નવી દિલ્હી, તા. 10 : સતત ત્રીજીવાર વડા પ્રધાન બન્યા બાદ વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ)ના અધિકારીઓ-કર્મચારીઓને પહેલી વાર સંબોધતા વડા પ્રધાન મોદીએ ક્હયું કે દસ વર્ષ પહેલાં આપણા દેશમાં એવી છાપ હતી કે વડા પ્રધાન કાર્યાલય સત્તાનું કેન્દ્ર છે, સૌથી મોટું સત્તા-શક્તિ કેન્દ્ર છે, પરંતુ હું સત્તા ભોગવવા પેદા થયો નથી અને સત્તા અર્જિત કરવાનું ક્યારેય વિચારતો નથી. વડા પ્રધાન કાર્યાલય સત્તાનું કેન્દ્ર બને, એવી મારી ઈચ્છા નથી અને મારો રસ્તો પણ નથી. 2014થી આપણે જે પગલાં લીધા છે, એમાં આપણે એને એક ઉત્પ્રેરક એજન્ટ (માધ્યમ) બનવાનો પ્રયત્ન ર્ક્યો છે. પીએમઓ પીપલ્સ (લોકોનું)-પીએમઓ હોવું જોઈએ, એ મોદીનું પીએમઓ ક્યારેય ન હોઈ શકે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક ત્રીજીવાર ભારતના વડા પ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો છે. સાઉથ બ્લોક-નવી દિલ્હીમાં વડા પ્રધાન કાર્યાલયમાં તેમનું ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું. વડા પ્રધાનને પરિસરમાં પ્રવેશ કરતાં જ પીએમઓના અધિકારીઓ-કર્મચારીઓએ તાળીઓથી વધાવી લીધા હતા.

વડા પ્રધાને તેમને કહ્યું કે, આ સરકારની ફક્ત મોદીની જ નથી, હજારો મગજ એની સાથે જોડાયેલા હોય છે, હજારો મસ્તક એની સાથે કામ કરતા હોય છે, હજારો હાથ એની સાથે કાર્યરત હોય છે-આ વિરાટ સ્વરૂપને પરિણામે સામાન્ય માનવી પણ એની ક્ષમતાઓથી પરિચિત થાય છે. આપણાં બધાંનું એક જ લક્ષ્ય છે-રાષ્ટ્ર પ્રથમ. ફક્ત એક જ લક્ષ્ય-2047માં  વિકસિત ભારત. મેં જાહેરમાં કહ્યું છે કે મારી પળેપળ દેશ માટે છે. મેં દેશને પણ વચન આપ્યું છે, 2047 માટે 24/7, મારી ટીમ કાર્યરત રહેશે, તમારી પાસે પણ એવી જ અપેક્ષા છે. જ્યાં કોઇ નથી પહોંચ્યું ત્યાં આપણા દેશને આપણે પહોંચાડવાનો છે.

આગામી દિવસોમાં કઠોર પરિશ્રમના સંકેત આપતાં તેમણે કહ્યું કે, આપણે એવા લોકો નથી જેમની અૉફિસ આ સમયે શરૂ થાય છે અને આ સમયે પૂરી થાય છે. આપણે એ લોકો નથી. આપણે સમય સાથે બંધાયેલા નથી, આપણા વિચારોને કોઈ સીમા નથી અને આપણા પ્રયાસો માટે કોઈ માપદંડ નથી. જે લોકો આનાથી પર છે, એ મારી ટીમ છે અને એ ટીમ પર દેશને ભરોસો છે.

વડા પ્રધાને અસ્થિર વિચારો અંગે સ્પષ્ટ વાત કરતાં કહ્યું કે, તમે તમારા વાસ્તવિક જીવનમાં એવા ઘણાં લોકોને મળશો જેમની ઈચ્છાઓ અસ્થિર હોય છે. ઈચ્છાઓ અસ્થિર હોય ત્યારે દુનિયાની નજરમાં એ તરંગ હોય છે... પરંતુ ઈચ્છાઓને સ્થિરતા મળી જાય તો એ સંકલ્પમાં બદલાઈ જાય છે. સંકલ્પમાં પરિશ્રમ ભળે તો સિદ્ધિ પ્રાપ્ત થાય છે, સફળતા મળે છે. સફળ વ્યક્તિ એ હોય છે જેની અંદરનો વિદ્યાર્થી કદી મરતો નથી.

પીએમઓના અધિકારીઓને વડા પ્રધાને કહ્યું કે આપણે કામ કરીએ ત્યારે ત્રણ બાબતો જરૂરી છે, આ ત્રણ બાબતો આપણી પાસે હોય તો મને લાગતું નથી કે આપણે નિષ્ફળતાનો સામનો કરવો પડે. આ ત્રણ બાબતો છે-વિચારોની સ્પષ્ટતા,  જ્યાં સુધી સરકારનો સવાલ છે, તો હું માનું છું કે કોઈ ભ્રમ નથી. એને ખબર છે કે આ રસ્તે જવાનું છે અને આ મેળવવાનું છે. વિચારોની આવી સ્પષ્ટતા કોઈ પણ કામમાં સફળતા માટે પહેલી જરૂર છે. બીજું દૃઢ વિશ્વાસ, હું જે કંઈ સાંભળી રહ્યો છું, જે મને જણાવવામાં આવી રહ્યું છે, મને એના પર અવિશ્વાસ નહીં હોવો જોઈએ. મારા વિચારો ભલે મળતા ન હોય, પરંતુ આ જ માર્ગ છે, તો આપણે આગળ વધીએ, પરંતુ એ પૂરતું નથી...કામ કરવા માટે ચરિત્રશુદ્ધિ, મારે મારા વ્યક્તિત્વને એ રીતે ઢાળવું પડશે. મારે એ કામને પ્રાથમિકતા આપવી પડશે અને મારા સમયનો મહત્તમ ઉપયોગ કરવો  પડશે, એવું તેમણે અધિકારીઓને જણાવ્યું.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024