નિયમિત ચેકીંગના અભાવે અથવા અધિકારીઓની રહેમ તળે ખાનગી હોર્ડિંગ સાઇટ્સ મનપાના રેકર્ડ ઉપર નોંધાયા વિના જ ધમધમે છે
મનપા પાસે 210 ટેન્ડર સાઈટ અને રજિસ્ટર્ડ હોય તેવી ખાનગી 334 સાઈટ : વાર્ષિક આવક ફક્ત રૂ.826.75 લાખ
રાજકોટ, તા.24 : શહેરમાં જાહેરાતના ઘણા હોર્ડિંગ-બોર્ડ મંજુરી વગર લટકી રહ્યા છે, જે અકસ્માત નોતરે તેવી રીતે પડયા હોવાથી લોકો તેમજ વાહનચાલકો પર જોખમ તોળાયેલું રહે છે. રોડના ડિવાઇડરની વચ્ચેના સ્ટ્રીટ લાઈટના થાંભલા ઉપર કેટલીક પાર્ટીઓ દ્વારા કોઈપણ પ્રકારની મંજૂરી વિના પોતાની જાહેરાતના હોર્ડિગ લગાવી દેવામાં આવ્યા છે. રાહદારીઓ અથવા તો વાહન ચાલકોને આવા જાહેરાતના બોર્ડના કારણે અકસ્માતનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ છે. જો કે, આ સ્થિતિથી મનપા વાકેફ ન હોય તેવું જણાઈ આવે છે. કારણ કે, મનપાએ શહેરમાં માત્ર 544 હોર્ડિંગ-બોર્ડ હોવાનું જાહેર કર્યુ છે.
શહેરમાં કુલ કેટલા હોર્ડિંગ બોર્ડ છે અને તેની વાર્ષિક આવક કેટલી ? તે અંગે મહાપાલિકામાં તાજેતરમાં મળેલી જનરલ બોર્ડ માટિંગમાં વોર્ડ નં.1ના ભાજપના કોર્પોરેટર ખીમાણિયાએ પ્રશ્ન પૂછ્યો હતો. આ પ્રશ્ન ચર્ચામાં તો ન આવ્યો, પરંતુ તેનો લેખિત જવાબ તંત્રએ બાદમાં આપ્યો હતો. જેમાં જણાવ્યા મુજબ રાજકોટમાં કુલ 544 હોર્ડિંગ બોર્ડ છે અને તે પેટે મહાપાલિકાને ગત નાણાંકીય વર્ષમાં રૂ.826.75 લાખની આવક થઇ હતી.
પ્રત્યુત્તરમાં વિશેષમાં જણાવ્યા મુજબ મહાપાલિકાની ટેન્ડર સાઈટ મુજબના હોર્ડિંગ બોર્ડની સંખ્યા 210 છે અને ખાનગી મિલકતો ઉપરના હોર્ડિંગની સંખ્યા 334 છે. ટેન્ડર સાઇટ્સ, ખાનગી બોર્ડ તેમજ કિયોસ્ક સહિતની કુલ વાર્ષિક આવક ગત વર્ષ 2023-2024માં રૂ.826.75 લાખ થઇ હતી. જીડીસીઆરની જોગવાઈઓને આધિન ખાનગી હોર્ડિંગ બોર્ડ મંજુર કરવામાં આવે છે અને શહેરમાં અત્યારે 10 બાય 20, 20 બાય 10, 20 બાય 15, 30 બાય 15, 45 બાય 10 તેમજ 40 બાય 20 ચોરસ ફૂટ સહિતની સાઈઝના હોર્ડિંગ આવેલા છે. અહીં સવાલ એ છે કે શું ખરેખર રાજકોટમાં 544 હોર્ડિંગ બોર્ડ જ હશે ? રસ્તે જતા નજરે પડતા હોર્ડિંગ બોર્ડની સંખ્યા તો આથી અનેક ગણી વધુ હોવાનું સામાન્ય શહેરીજનો પણ અનુભવી શકે છે, પરંતુ નિયમિત ચેકીંગના અભાવે ખાનગી હોર્ડિંગ સાઇટ્સ મનપાના રેકર્ડ ઉપર નોંધાયા વિના જ ધમધમતી રહે છે.