વૈભવ સૂર્યવંશી પર તમામની નજર: આજે ઞઅઊ ટીમ વિરૂધ્ધ ભારતની પહેલી ટક્કર
દુબઇ,
તા.11: અન્ડર-19 એશિયા કપ વન ડે ટૂર્નામેન્ટનો દુબઇ ખાતે 12 ડિસેમ્બરથી પ્રારંભ થઇ
રહ્યો છે. ટૂર્નામેન્ટનો ફાઇનલ મુકાબલો તા. 21 ડિસેમ્બરે રમાશે. સ્પર્ધાના પ્રારંભ
જ આવતીકાલ શુક્રવારે ભારતીય ટીમની ટકકર યૂએઇ સામે થશે. ત્યારે ફરી એકવાર તમામની નજર
14 વર્ષીય સનસની ક્રિકેટર વૈભવ સૂર્યવંશીની ફટકાબાજી પર રહેશે. તે અગાઉ દુબઇમાં રાઇજિંગ
એશિયા કપમાં ઇન્ડિયા એ ટીમ તરફથી આતશી સદી ફટકારી ચૂક્યો છે.
અન્ડર-19
એશિયા કપનો ભારત-પાકિસ્તાન વચ્ચેનો હાઇ વોલ્ટેજ મુકાબલો 14 ડિસેમ્બર-રવિવારે રમાશે.
ભારતીય ટીમની કપ્તાન મુંબઇનો 18 વર્ષીય ઓપનિંગ બેટર આયુષ મ્હાત્રે ફરી એકવાર સંભાળશે.
ભારતનો ત્રીજો લીગ મેચ 16 ડિસેમ્બરે મલેશિયા ટીમ વિરુદ્ધ રમાશે. ભારતીય ટીમ ગ્રુપ એમાં
સામેલ છે. ગ્રુપ બીમાં શ્રીલંકા, બાંગલાદેશ, અફઘાનિસ્તાન અને નેપાળ છે. બન્ને ગ્રુપની
ટોચની બે-બે ટીમ સેમિ ફાઇનલમાં પહોંચશે અને જેની વિજેતા ટીમ વચ્ચે ખિતાબી મુકાબલો રમાશે.
અન્ડર-19 એશિયા કપની ભારતની ટીમમાં સૌરાષ્ટ્રના બે ખેલાડી હરવંશ સિંઘ (વિકેટકીપર) અને
યુવરાજ ગોહિલ સામેલ છે. ભારતના ત્રણેય લીગ મેચ સવારે 10-30થી શરૂ થશે.
અન્ડર-19
એશિયા કપની ભારતીય ટીમ: આયુષ મ્હાત્રે (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, વિહાન મલ્હોત્રા,
વેદાંત ત્રિવેદી, અભિજ્ઞાન કુંડૂ (વિકેટકીપર), હરવંશ સિંઘ (વિકેટકીપર), યુવરાજ ગોહિલ,
કનિષ્ક ચૌહાણ, ખિલાન પટેલ, નમન પુષ્પક, ડી. દીપેશ, હેનિલ પટેલ, કિશન કુમાર, ઉધ્ધવ મોહન
અને આરોન જોર્જ.