મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ સરદાર પટેલનાં જન્મસ્થળની મુલાકાત લીધી
અમદાવાદ, તા.14 : ખેડા જિલ્લાનાં નડિયાદ ખાતેથી રાષ્ટ્રધ્વજ લહેરાવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 78મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીનું નેતૃત્વ કરશે. મુખ્યમંત્રી આજરોજ સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ આયોજિત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા નડિયાદ પહોંચ્યા હતા અને સૌ પ્રથમ સરદાર વલ્લભભાઈ પટેલનાં જન્મસ્થળની મુલાકાત લઈને સરદાર સાહેબને ભાવાંજલિ અર્પણ કરી તેમના નડિયાદ ખાતેના કાર્યક્રમોની શરૂઆત કરી હતી. ત્યારબાદ મુખ્યમંત્રીએ હિન્દુ અનાથ આશ્રમની મુલાકાત લીધી હતી. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હિન્દુ અનાથ આશ્રમના પ્રમુખ દિનશા પટેલ અને ટ્રસ્ટીઓએ મુખ્યમંત્રીને આશ્રમ ખાતે આવકાર્યા હતા.
મુખ્યમંત્રીએ હિંદુ અનાથ આશ્રમમાં ગાંધી સરદાર સ્મૃતિ ભવનની ગાંધી અને સરદાર પટેલની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી વંદન કર્યા હતા. તેમણે ભવનના મ્યુઝિયમની મુલાકાત લઈ ચિત્ર પ્રદર્શન નિહાળ્યું હતું. સાથે સાથે હિન્દુ અનાથ આશ્રમના ટ્રસ્ટીઓ અને સમિતિના સભ્યો સાથે આશ્રમનાં બાળકોના સર્વાંગી વિકાસ માટે વિચાર વિમર્શ કર્યો હતો. આશ્રમના સૌથી નાના બાળક દ્વારા મુખ્યમંત્રીનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ આશ્રમમાં વૃક્ષારોપણ કર્યું હતું.
દરમિયાન માનવ સેવા એ જ પ્રભુ સેવાની ભાવનાને વરેલા નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરની પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લઈ સંતરામ મહારાજની સમાધિ સ્થાનકના દર્શન કર્યા હતા અને અખંડ જ્યોત સમક્ષ મંગલ કામના કરી હતી. મંદિરના સંત નિર્ગુણ દાસ મહારાજે મુખ્યમંત્રીને આવકારી સમાધિ સ્થાન સુધી દોરી ગયા હતા અને સંતરામ મહારાજ અને મંદિરની સેવાકીય પ્રવૃત્તિ અંગે જાણકારી પ્રદાન કરી હતી.
અહીં નોંધવું ઘટે કે, 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી બનાસકાંઠા ખાતે ધ્વજવંદન કરાવશે જ્યારે રાજ્યના કેબિનેટ મંત્રી કનુ દેસાઈ સુરત, ઋષિકેશ પટેલ મહેસાણા, રાઘવજી પટેલ જૂનાગઢ, બલવંતાસિંહ રાજપૂત કચ્છ, કુંવરજી બાવળિયા અમરેલી, મૂળુભાઈ બેરા બોટાદ, કુબેર ડિંડોર સાબરકાંઠા, ભાનુબહેન બાબરિયા ગીર સોમનાથ, નાયબઅધ્યક્ષ-વિધાનસભા જેઠા આહીર (ભરવાડ) પંચમહાલમાં ધ્વજવંદન કરાવશે. આ ઉપરાંત રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા, જગદીશ વિશ્વકર્મા વલસાડ, પુરુષોત્તમ સોલંકી ભાવનગર, બચુ ખાબડ દાહોદ, મુકેશ પટેલ તાપી, પ્રફુલ પાનશેરિયા ડાંગ, ભીખાસિંહજી પરમાર દેવભૂમિ દ્વારકા, કુંવરજી હળપતિ નવસારીમાં ધ્વજવંદન કરાવશે.