• શનિવાર, 14 સપ્ટેમ્બર, 2024

સોનપરા ગામના લોકો જન્માષ્ટમીના દિવસે સામૂહિક વીજ મીટર જમા કરાવી રોષ ઠાલવશે

પીજીવીસએલ દ્વારા 60 હજારથી માંડી 75 હજાર સુધીના વીજ બિલ ફટકારાતા લોકોમાં આક્રોશ

ડોળાસા, તા.14 : ડોળાસા નજીક ના સોનપરા ગામના લોકો પીજીવીસીએલના ત્રાસથી ગળે આવી ગયા છે. આગામી તા.26ના રોજ (જન્માષ્ઠમીના દિવસે) ગામના તમામ વીજ ધારકો પોતાના વીજ મીટર છોડાવી વીજ કચેરી ઉના ખાતે જમા કરાવી વિરોધ કરશે.

ગીર ગઢડા તાલુકાના સોનપરા ગામે તાજેતર ઉના પીજીવીસીએલ દ્વારા વહેલી સવારે પાંચ વાગ્યે ઘરના દરવાજા ખોલાવી વીજ ચેકિંગ કર્યું હતું. લોકો કઈ સમજે તે પહેલા સાઈઠથી વધુ લોકોને તાતિંગ બિલ પકડાવી દીધા હતા. નવાઈની વાત તો એ છે કે જેના ઘરમાં એક લેમ્પ અને એક પાંખો છે. જેની સાયકલ લેવાની ક્ષમતા નથી. મજૂરી કરીને સાંજે બસ્સો રૂપિયા કમાઈ માંડ માંડ જીવન નિર્વાહ ચલાવે છે. તેના ઘરમાં પણ મીટર છે છતાં તેઓને 60 હજારથી માંડી 75 હજાર સુધીના વીજ બિલ ફટકારવામાં આવ્યા છે.

પીજીવીસીએલ ઉના દ્વારા આ લોકો પર વીજ ચોરીનો કેસ પણ દાખલ કરવામાં આવતા લોકો ભારે માનસિક ત્રાસનો ભોગ બન્યા છે પણ સોનપરા ગ્રામ પંચાયત અને ગામના લોકો વીજ કંપનીનો શિકાર બનેલા લોકોની સાથે ઉભા છે. આગામી તા.26 (શ્રી કૃષ્ણ જન્મોત્સવના દિવસે લોકો અંધારે જન્મોત્સવ ઉજવાશે) સોનપરા ગામના તમામ લોકો પોતાના વીજ મીટર ઉતરી ઉના કચેરીમાં જમા કરાવી અનોખી રીતે આક્રોશ વ્યક્ત કરશે.

સોનપરા ગામના સરપંચ ડો.ઉમેશભાઈ વાઢેર જણાવે છે કે તેમના ગામના લોકો વીજ તંત્રનો શિકાર બન્યા છે જેને સરકારે મફત ગેસ તો આપ્યો છે પણ બાટલો ભરવાના પૈસા તેઓની પાસે નથી. ગ્રામ પંચાયત અને ગામ લોકોની માગ છે કે આ તમામ લોકો સામે થયેલી વીજ ચોરીની ફરિયાદ પાછી ખેંચવામાં નહીં આવે તો ગામ લોકો વીજ તંત્રની બહિષ્કાર કરી પોતાના મીટર વીજ કંપનીની ઉના કચેરીમાં જમા કરાવી દેશે તેમ ચીમકી આપવામાં આવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ભાવનગર અને અમરેલી જિલ્લામાં કેફી પદાર્થના કારોબારનો પર્દાફાશ September 14, Sat, 2024