સેંસેક્સમાં 900 અંકનો કડાકો: કારોબારના અંતિમ કલાકમાં અચાનક મંદીનો સકંજો: ચાર સત્રમાં વિદેશી રોકાણકારોએ 32,000 કરોડ રૂપિયા ઉપાડયા, ચીન તરફ વલણ
નવી
દિલ્હી, તા. 4 : શેરબજારમાં શુક્રવારે ફરી એક વખત મંદી જોવા મળી હતી. જો કે સપ્તાહના
અંતિમ દિવસ શેરમાર્કેટની ચાલ થોડી બદલાયેલી હતી. કારોબાર શરૂ થતા સેંસેક્સ 300 અંક
તુટી ગયો હતો. જો કે થોડા સમયમાં ઉછળીને પ્લસમાં આવ્યો હતો. જો કે કારોબારના અંતિમ
કલાકમાં અચાનક મોટો કડાકો આવ્યો હતો અને સેંસેક્સ 900 પોઈન્ટ તુટયો હતો. માર્કેટ બંધ
થવા ઉપર ઘટાડામાં સુધારો આવ્યો હતો અને સેંસેક્સ 80865 અંકના ઘટાડા સાથે 81688.45એ
બંધ આવ્યો હતો. કહેવાય છે કે છેલ્લા ચાર કારોબારી સત્રમાં વિદેશી રોકાણકારોએ 32000 કરોડ રૂપિયા કાઢ્યા છે અને આ રોકાણકારો ચીન
તરફ વળ્યા છે.
આ અગાઉ
ગુરૂવારે મોટા કડાકા બાદ શેરમાર્કેટે શુક્રવારે સુસ્તી સાથે શરુઆત કરી હતી. બપોરે
12 વાગ્યા આસપાસ ઘટાડો તેજીમાં બદલ્યો હતો અને સેંસેક્સ 83368ના લેવલે પહોંચ્યું હતું.
જો કે દિવસના હાઈ સુધી પહોંચ્યા બાદ બજારની ચાલ અચાનક બદલી હતી. કારોબારના અંતિમ કલાકમાં
સેંસેક્સ એવું તુટયું કે થંભવાનું નામ લીધું નહોતું. બાદમાં નિફટી 235.50 અંકના ઘટાડા
સાથે 25014.60એ, બેંક નિફ્ટી 383.15 અંકના ઘટાડા સાથે 51462.05એ અને સેંસેક્સ 808.65
અંકના ઘટાડા સાથે 81688.45 અંકે બંધ થયા હતા.
આ દરમિયાન
રિપોર્ટ સામે આવ્યો છે કે વિદેશી રોકાણકારોએ માત્ર ચાર કારોબારી સત્રમાં ભારતીય બજારથી
32,000 કરોડ રૂપિયા કાઢ્યા છે. જેના કારણે સેંસેક્સમાં 3300થી વધારે અંકનો કડાકો આવ્યો
છે. વિદેશી રોકાણકારો ચીન તરફ વળી રહ્યા છે કારણ કે ચીનના માર્કેટમાં સસ્તા શેર મળી
રહ્યા છે. જેના કારણે ચીન અને હોંગકેંગના બજારોમાં તેજી આવી છે. જો કે ઘરેલુ રોકાણકારો
ભારતના માર્કેટમાં તકનો લાભ લેવા માટે પૈસા હાથમાં રાખીને બેઠા છે.