• શનિવાર, 17 જાન્યુઆરી, 2026

ઈરાનમાં ફસાયેલા ભારતીયોને ઉગારવા ‘ઓપરેશન સ્વદેશ’

વિશેષ વિમાન મારફતે ભારત પરત લાવવાની પ્રક્રિયા શરૂ : વિદેશ મંત્રાલયે ફરી જાહેર કરી એડવાઈઝરી

નવી દિલ્હી, તા. 16 : પશ્ચિમ એશિયામાં યુદ્ધની આશંકા વચ્ચે ભારત સરકારે પોતાના નાગરિકોની સુરક્ષા માટે સૌથી મોટું બચાવ અભિયાન શરૂ કર્યું છે. ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવને ધ્યાને રાખીને વિદેશ મંત્રાલય દ્વારા ‘ઓપરેશન સ્વદેશ’ શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ પહેલા વિશેષ વિમાન મારફતે 220 ભારતીય નાગરીકો સુરક્ષિત દિલ્હી પહોંચ્યા છે. જ્યારે બીજું વિમાન (સી-17 ગ્લોબમાસ્ટર) ઈરાનના ઈમામ ખુમૈની એરપોર્ટથી રવાના થઈ ચુક્યું હતું અને શુક્રવારે મોડી રાત સુધીમાં ંિહંડન એરબેઝ પહોંચવાની સંભાવના હતી. આ દરમિયાન ભારતે ત્રીજી વખત એડવાઈઝરી જાહેર કરીને ભારતીયોને તાકીદે ઈરાન છોડવા સૂચના આપી હતી.

સત્તાવાર સંખ્યા અનુસાર ઈરાનમાં લગભગ 12થી 15 હજાર ભારતીય રહે છે. જેમાં મોટી સંખ્યામાં છાત્રો, આઈટી પ્રોફેશનલ્સ અને વેપારી સામેલ છે. વર્તમાન સમયે 4000 ભારતીય ઈરાનના એવા વિસ્તારમાં ફસાયેલા છે જ્યાં પ્રદર્શન અને સૈન્ય હલચલ સૌથી વધારે છે. વિદેશ મંત્રાલય તમામના સંપર્કમાં છે અને પ્રાથમિકતાના આધારે વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને પહેલા બહાર લાવવામાં આવી રહ્યા છે. ભારતનું વિદેશ મંત્રાલય વર્તમાન સમયે હાઈ એલર્ટ ઉપર છે. દિલ્હીમાં એક વિશેષ કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. વિદેશ મંત્રીએ સ્પષ્ટ કહ્યું છે કે ભારતની પ્રાથમિકતા પોતાના નાગરિકોના જીવ બચાવવાની છે. વિદેશ મંત્રાલય અનુસાર ઈરાનમાં વર્તમાન સુરક્ષા સ્થિતિ યોગ્ય નથી. આ માટે ભારત સરકારે પોતાના નાગરિકો માટે બેથી ત્રણ ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક