• શનિવાર, 17 જાન્યુઆરી, 2026

બાંગલાદેશમાં હિન્દુ શિક્ષકનું ઘર સળગાવાયું

શિક્ષક પરિવારનો બચાવ, પરંતુ મકાન-સામાન થયો ભસ્મીભૂત

નવી દિલ્હી, તા.16 : બાંગલાદેશમાં ધાર્મિક લઘુમતીઓ સામે હિંસાની ઘટના સતત વધી રહી છે. સિલહટ જિલ્લામાં ગોબાઈંગઘાટમાં એક હિન્દુ શિક્ષકના ઘરને આગ ચાંપવામાં આવી હતી. ઘટના બાદ વિસ્તારના હિન્દુઓમાં ભય અને અસલામતીની લાગણી વ્યાપી છે.

જે ઘરને આગ ચાંપવામાં આવી તે વીરેન્દ્રકુમાર ડેનું હતું જે સ્થાનિકે શિક્ષક છે અને લોકો વચ્ચે ‘ઝુનૂ સર’ તરીકે ઓળખાતા હતા. અહેવાલો મુજબ અજ્ઞાત લોકોએ રાતના સમયે તેમના મકાનને આગને હવાલે કર્યું હતું. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે ઘરમાં મોજૂદ પરિવારના સભ્યો માંડ ઘરની બહાર નીકળી શક્યા હતા જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ આખું મકાન તેમાં રાખેલા સામાન સહિત ભસ્મીભૂત થઈ ગયું હતું.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો જેમાં ઘરમાં લાગેલી આગ અને ભાગતા પરિવારજનો નજરે પડે છે. વીડિયો સામે આવ્યા બાદ સ્થાનિક લોકો, સામાજિક સંગઠનો અને માનવાધિકાર કાર્યકર્તાઓએ ઘટના અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને દોષિતો સામે કડક પગલાંની માંગ કરી હતી. આ ઘટનાએ બાંગલાદેશમાં લઘુમતીઓની સુરક્ષા સામે ફરી એક વખત સવાલો સર્જાયા છે.

ઇ-પેપરના નવા શુલ્ક