• શનિવાર, 17 જાન્યુઆરી, 2026

ગુજરાતનું 2026-27નું બજેટ રૂ.4.25 લાખ કરોડ રહેવાની શક્યતા

17 ફેબ્રુઆરીએ ગૃહમાં નાણામંત્રી દ્વારા વાર્ષિક બજેટ રજૂ કરાશે

16 ફેબ્રુઆરીથી 25 માર્ચ સુધીના 38 દિવસમાં રજાઓને બાદ કરતાં 26 બેઠક યોજાશે

અમદાવાદ, તા.16 : ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 16 ફેબ્રુઆરીને સોમવારથી 25 માર્ચને બુધવાર સુધી ચાલશે. આ 38 દિવસિય બજેટ સત્રમાં 5 શનિવાર અને 5 રવિવાર મળીને કુલ 10 દિવસ રજા રહેશે. આ ઉપરાંત 4 માર્ચને બુધવારે ધૂળેટી, 19 માર્ચને ગુરુવારે ચેટીચાંદ એમ તહેવારોની બે રજા રહેશે. આ સત્ર દરમિયાન કુલ 26 બેઠક મળશે. પ્રથમ દિવસે જ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા વિધાનસભા ગૃહની બેઠકને સંબોધિત કરાશે. જેમાં તેઓ રાજ્ય સરકારની ઉપલબ્ધિઓનું વર્ણન કરશે. રાજ્યપાલના પ્રવચન બાદ થોડાક વિરામ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા  વિધાનસભાના સદ્ગત પૂર્વ ધારાસભ્યોને શોકાંજલિ જાશે. સત્રના બીજા દિવસે એટલે કે 17 ફેબ્રુઆરીને મંગળવારે નાણામંત્રી કનુભાઈ દેસાઈ સૌપ્રથમ વર્ષ 2025-26નું પૂરક બજેટ અને ત્યારબાદ વર્ષ 2026-27નું ગુજરાત સરકારનું વાર્ષિક બજેટ રજૂ કરશે. ગત વર્ષે 20 ફેબ્રઆરી-2025ના રોજ નાણામંત્રીએ કુલ 3,70,250 કરોડના કુલ કદ દર્શાવતું બજેટ રજૂ કર્યું હતું. જ્યારે આ વખતે નાણામંત્રી 17 ફેબ્રુઆરી-2026ના રોજ ગુજરાત સરકારનું વર્ષ 2026-27 માટે અંદાજિત કુલ 4.25 લાખ કરોડ સુધીનું કુલ કદ દર્શાવતું વાર્ષિક બજેટ રજૂ કરે તેવી શક્યતા છે.

આ સત્ર દરમિયાન બજેટ રજૂ કરાયાના બીજા દિવસથી રાજ્યપાલે વિધાનસભા ગૃહની બેઠકને કરેલા સંબોધન બદલ તેમનો આભારે વ્યક્ત કરતો પ્રસ્તાવ રજૂ થશે. જેના ઉપર 3 દિવસ સુધી સત્તાધારી અને વિપક્ષના સભ્યો દ્વારા હકારાત્મક અને નકારાત્મક ચર્ચા કરાશે. તે પછીના 2 દિવસ સુધી પૂરક માગણી એટલે કે વર્ષ 2025-26ના બજેટમાં સરકારે રજૂ કરેલી જોગવાઈઓ કરતાં કરાયેલા વધુ ખર્ચની મંજૂરી માગતાં પૂરક બજેટ ઉપર ચર્ચા કરાશે. આ પૂરક બજેટ વિધાનસભામાં મંજૂર થયા બાદના 4 દિવસ સુધી નાણામંત્રી દ્વારા ગૃહમાં રજૂ કરાયેલા ગુજરાત સરકારના વર્ષ 2026-27ના વાર્ષિક બજેટ ઉપર સામાન્ય ચર્ચા કરાશે. આ ચર્ચા દરમિયાન તમામ ધારાસભ્યો તમામ મુદ્દાઓ ઉપર ચર્ચા કરી શકશે.

આ ચર્ચાઓ પૂરી થયા બાદના સતત 12 દિવસ સુધી માગણીઓ પરની ચર્ચા એટલે કે સરકારના વિવિધ 28 વિભાગોના વિભાગવાર બજેટ રજૂ કરશે અને તેના ઉપર વિગતે ચર્ચા કરીને આ વિભાગવાર બજેટને પસાર કરાશે. 24 માર્ચને મંગળવારે ગુજરાત સરકારના વર્ષ 2026-27ના સમગ્ર બજેટમાં કરાયેલી જોગવાઈઓ અને રકમને ખર્ચવાની સરકારને સત્તા આપતું વિનિયોગ વિધેયક-2026 રજૂ કરીને પસાર કરાશે. 25 માર્ચ બુધવારે સત્રનો આખરી દિવસ હશે અને ત્યારે સત્તાધારી પક્ષના ધારાસભ્ય તરફથી છેલ્લા દિવસનો પ્રસ્તાવ રજૂ કરાશે.

ઇ-પેપરના નવા શુલ્ક