• શનિવાર, 19 એપ્રિલ, 2025

રાજકોટમાં ટ્રાફિક સિગ્નલે અંધાધૂંધ દોડતી સિટી બસે અનેકને કચડયા: ચારનાં મૃત્યુ

બસ, હવે બસ!

કયાં સુધી દબાવશો, છૂપાવશો, નકારશો ઘોર અને ઘાતક બેદરકારીનાં ‘તથ્ય’ ?

            7 ઘાયલ: અન્યને નાના-મોટી સામાન્ય ઈજા, હોસ્પિટલમાં ખસેડાયા

            અકસ્માત બાદ રોષે ભરાયેલા ટોળાએ બસમાં કરી તોડફોડ:પોલીસે કર્યો બળપ્રયોગ

            ચાલક સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો : સમગ્ર રાજ્યમાં અરેરાટી

મૃતકોને 15 લાખ અને ઈજાગ્રસ્તોને 2 લાખની સહાય

રાજકોટ તા.16: રાજકોટના 150 ફૂટ રીંગરોડ પર આવેલા ઈન્દિરા સર્કલ પાસેના ટ્રાફિક સિગ્નલ પાસે મહાનગરપાલિકા સંચાલિત સિટિ બસના ડ્રાઈવરની ગુનાઈત બેદરકારીથી સર્જાયેલા અકસ્માતમાં ચાર નિર્દોષ નાગિરકોના મૃત્યુ થયાં હતા, ચાર વ્યક્તિ ઘાયલ થયા હતા. આવી તદ્દન અધણારી દુર્ઘટનાના પ્રત્યાઘાત સ્વાભાવિક રીતે ઘેરા પડયા છે. સાથે જ ચર્ચા એ શરુ થઈ છે કે કોઈ વાંક વગર પ્રશાસનની બેદરકારી અને ભ્રષ્ટાચારને લીધે ક્યાં સુધી માણસો મરતા રહેશે. મોરબીનો ઝૂલતો પુલ કે રાજકોટનો ટીઆરપી અગ્નિકાંડ કે વડોદરાનો હરણીબોટનો બનાવ કે પછી કોઈ એપાર્ટમેન્ટમાં લાગતી આગ, ડીસાની ફટાકડાની ફેક્ટરીમા લાગેલી આગ...આવા બનાવ સતત બન્યા કરે છે. માણસોના લોહીની જાણે કોઈ કિંમત નથી તેમ તેઓ મર્યા કરે છે. સામાન્ય માણસોની સહનશક્તિની હદ આવી ગઈ છે. રાજકોટના આજના અકસ્માત પછી મહાનગરપાલિકાએ મૃતકોના પરિવારને સહાય જાહેર કરી છે. પરંતુ ગયેલી જિંદગી પરત થોડી આવશે. કોઈ પણ દુર્ઘટના થાય, એસઆઈટી બને, પછી એસઓપી જાહેર થાય. મૂળ દુર્ઘટનાના કારણો છૂપાવવા પ્રયાસ થાય. આરોપી બચી જાય, નાના માણસોના અવાજ દબાઈ જાય અને કંઈ થયું નથી તેવી વાત જાહેર થઈ જાય. લોકો કહે છે બસ, હવે બસ.

રાજકોટમાં સૌથી વધુ ધમધમતા 150 ફૂટ રીંગ રોડ પરના ઈન્દિરા સર્કલ પર આજે સવારે સીટી બસના ચાલકે એક્સીલેટર પર પગ મૂકી દઈ પુરપાટ ઝડપે બસ ચલાવી સાતેક વાહનોને હડફેટે લઈ ચાર ઝીંદગીને મૃત્યુને ઘાટ ઉતારી દિધા હતાં. આ ધટનામાં લોકોને 50 ફૂટ સુધી ઢસડી છેક સામેના ભાગે કાળમુખી બસ ઉભી રહી હતી. અકસ્માતનો ભોગ બનનારના પેટ અને માથાનો ભાગ ચિરાઇ ગયાં હતાં અને લોહીના ખબોચિયા ભરાઈ ગયાં હતાં. આ ઘટનાથી શહેરભરમાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને લોકોના ટોળે ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યાં હતાં.

શહેરમાં સવાર પડતાની સાથે જ લોકો પોત પોતાના કામ ધંધે નીકળી પડ્યા હતા. તે અરસામાં ઇન્દિરા સર્કલ ખાતે પહોંચેલા લોકો સિગ્નલ બંધ હોવાથી સિગ્નલ ખુલવાની રાહ જોઇ રહ્યા હતા.ત્યારે ઇન્દિરા સર્કલ નજીક ટ્રાફિક સિગ્નલ ખુલતાની સાથે જ પાછળથી માતેલા સાંઢ માફક આવતી સિટીબસના ચાલકે એક સાથે બે રીક્ષા તેમજ પાંચથી છ જેટલા ટુ વહીલર વાહનોને અડફેટે લીધા હતા. એક પછી એક 3-4 લોકો પર બસના તોંતીગ વ્હીલ ફરી વળ્યા હતા. જે ઘટનાથી ભારે હાહાકાર મચી ગયો હતો. ઇન્દિરા સર્કલ ચોકમાં ત્રણ મૃતદેહો લોહીથી લથબથ પડ્યા હતા. જેમાં રાજુભાઈ મનુભાઇ ગીડા (ઉ.વ.35, રહે સત્યમ પાર્ક), સંગીતાબેન ધનરાજભાઇ ચૌધારી (ઉ.વ.40 રહે.સ્વામિનારાયણ મંદિર સામે અક્ષર માર્ગ) અને ચિન્મયભાઈ ઉર્ફે લાલો હર્ષદભાઇ ભટ્ટ (ઉ.25 હાથીખાના શેરી નં.2)ના હોવાનું સામે આવ્યું હતું. બીજી તરફ કિરણબેન કકકડ, સુરજ ધર્મેશભાઇ રાવલ, વિશાલ રાજેશભાઇ મકવાણા, વિરાજબા મહાવીરાસિંહ ખાચર સહિતનાઓને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. તેમાં ગંભીર રીતે ઘવાયેલા કિરણબેન ચંદ્ર  શભાઇ કકકડ (ઉ.47 રહે એસઆઇજી કાલાવડ રોડ કોટેચા ચોક)નું ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આમ, આ કાળમુખા અકસ્માતમાં ચાર લોકોની જીંદગી હોમાઇ ગઇ હતી.

અકસ્માત સર્જી બસ સામેની સાઇડ સુધી પહોંચ્યા બાદ અટકી ગઇ હતી. જેથી એકઠા થયેલા ટોળાએ સીટી બસ ચાલક શીશુપાલાસિંહને બસમાંથી કાઢી ઢોર માર માર્યો હતો. ટોળું બેકાબુ બન્યું હોય જેથી ગાંધીગ્રામ પોલીસ મથક અને ટ્રાફીક શાખાનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ત્યાં સૌ પ્રથમ બસના ચાલકને ટોળા પાસેથી મુક્ત કરાવ્યો હતો. પરંતુ માર મારવાના કારણે ઇજાઓ થતા તેને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત અને મૃતદેહો જોઇને રોષે ભરાયેલા ટોળાએ બસ પર પથ્થર મારો શરૂ કર્યો હતો. બાદ કાચ ફોડી નાખ્યા હતા. આમ, સ્થિતિ ઉગ્ર બનતા પોલીસના વધુ કાફલાને સ્થળ પર બોલાવ્યો હતો. તેમાં યુનિવર્સિટી અને માલવીયાનગર પોલીસ મથકના કાફલાને તૈનાત કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-2 જગદીશ બાંગરવા પણ સ્થળ પર પહોંચી ગયા હતા. તેઓએ સ્થિતિની થાળે પાડવા કમાન સંભાળી હતી. મૃતકોના પરિવારજનો સ્થળ પર આવી પહોંચતા તેઓએ પણ ગંભીર વિરોધ નોંધાવ્યો હતો. જ્યાં સુધી સીટીબસ ચાલકો સામે કડક પગલા લેવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ ઉઠાવવા દીધો ન હતો. અનેક વખત સમજાવવા છતાં પણ મૃતકના પરિવારજનો પોલીસની વાત સાંભળવા તૈયાર ન હતા. ત્યારે પોલીસે યોગ્ય તપાસની ખાતરી આપતા મૃતદેહ સિવાકીરવામાં આવ્યા હતા. તો 150 ફુટ રીંગ રોડ અને યુનિવર્સિટી રોડ ચક્કાજામ થઇ ગયો હતો. આથી પોલીસ દ્વારા ટોળાને વિખેરવા માટે બળપ્રયોગ કરવો પડ્યો હતો. તેની સામે પણ લોકોએ નારાજગી વ્યકત કરી હતી. તેમજ પોલીસે સીટી બસ ચાલક વિરુધ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે તથા અકસ્માત સર્જનાર બસના ડ્રાઈવર શિશુપાલાસિંહ રાણાને તાત્કાલિક અસરથી ટર્મિનેટ કરવામાં આવ્યો છે. આ બધા વચ્ચે મહાનગપાલિકાના કમિશ્નર અને પદાધિકારીઓ પણ સ્થળે દોડી ગયા હતા.મનપા દ્વારા મૃતકોને રૂપિયા 15 લાખ અને ઇજાગ્રસ્તોને કુલ રૂપિયા 2 લાખની સહાય જાહેર કરવામાં આવી છે.

એક તરફ સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ચાલકે નશાની હાલતમાં અકસ્માત સર્જયો હતો. જયારે ચાલક શિશુપાલાસિંહ ઝાલાએ રટણ કર્યું હતું કે, તે નશામાં ન હતો પણ એકાએક બ્રેક નહિ લાગતા આ દુર્ઘટના બની હતી. ત્યારે વાસ્તવિકતા જાણવા પોલીસે એફએસએલની મદદ લીધી હતી. એફએસએલની ટીમે ઘટનાસ્થળે જઈ તેમજ બસનો કબ્જો મેળવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. બીજી બાજુ પોલીસે વિડીયોગ્રાફી આધારિત પંચનામું કર્યું હતું.

 

ઇ-પેપરના નવા શુલ્ક