રાજકોટમાં
બસ દુર્ઘટનાને પગલે લોકરોષ ચરમસીમાએ !
રાજકોટ,
તા.16 : શહેરના ઈન્દિરા સર્કલ પાસે આજે સિટી બસના ચાલકે બેફરાઈથી અકસ્માત સર્જીને એક
સાથે 4-4 માનજિંદગીનો ભોગ લઈ લેતા જનતાનો રોષ ચરમસીમાએ છે. શહેરમાં હિટ એન્ડ રનથી આ
સૌથી ભયાનક દુર્ઘટના છે જેમાં માત્ર બસ ચાલક જ નહીં પરંતુ કોર્પોરેશનની સમગ્ર સિસ્ટમે
પણ પોતાની જવાબદારીનું સ્ટીયરીંગ ગુમાવ્યું હોવાનું પુરવાર થયું છે. ઈન્દિરા સર્કલે
આજે સવારે ઘટેલી બસ દુર્ઘટના જે કહેર
વરસાવ્યો તેમાં 4 લોકો મૃત્યુને ભેટયાં તેમજ અનેક લોકો ઘાયલ થયાં. રોડ ઉપર ક્ષત-વિક્ષત
થયેલા મૃતદેહો જોઈને ભલભલા કોમળ હૈયાઓ હચમચી ઉઠયાં હતાં. સ્થળ ઉપર ટોળેટોળા એકઠા થઈ
ગયાં હતાં અને ટ્રાફિક જામ સર્જાયો હતો. લોકોને કાબૂમાં લેવા માટે પોલીસને લાઠીચાર્જ
કરવા સુધીની નોબત આવી પડી હતી છતાં લોકોનો રોષ શમ્યો ન હતો.
જનતાના
રોષે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું અને અકસ્માત સર્જનારા બસ ચાલક શિશુપાલસિંહને બસમાંથી
બહાર કાઢીને તેના ઉપર ટોળું તૂટી પડયું હતું. અર્ધમૂર્છિત થયેલા બસ ડ્રાઈવરને ઢીંકા-પાટુંનો
માર મારતા એ ટોળાના વિખેરવા માટે ફરી પોલીસ ઉતરી પડી હતી અને ટોળામાંથી બચાવીને તેને
હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો. ઘટનામાં પોતાના પરિવારના સભ્યને ગુમાવનારા
સ્વજનો રોડ ઉપર પડેલી ‘ડેડબોડી’ લેવા તૈયાર ન હતાં, બસ તેઓ માત્ર અને માત્ર ન્યાય ઈચ્છતાં
હતાં તેઓમાંથી કોઈકએ એવું પણ કહ્યું કે, જો આ જ દુર્ઘટના કોઈ નેતા કે મંત્રીના પરિવાર
સાથે ઘટી હોત તો શું તંત્ર આક્રમક પગલા ન
લેત
? આ દુર્ઘટનાના પડઘા ચોરે અને ચોકે પડયાં હતાં. સોશિયલ મીડિયાથી લઈને શાકમાર્કેટમાં
બકાલુ લેવા આવેલી મહિલાઓએ પણ બસ ચાલકની બેદરકારી તેમજ કોર્પોરેશનની બેજવાબદારીની આકરા
શબ્દોમાં ટીકા કરી હતી. ચોતરફથી તંત્ર ઉપર ફિટકાર વરસ્યો હતો. સ્થળ ઉપર સહાનુભૂતિના
બે શબ્દો કહેવા આવેલા નેતાઓને પણ લોકોએ આડેહાથ લીધા હતાં, એમાયે જ્યારે આ નેતાએ ડ્રાઈવરની
તબીયત પૂછવા હોસ્પિટલે પહોચ્યાં તેમજ 15 લાખની સહાય ચૂકવણી વખતે તેઓના હસતા મોઢા નજરે
ચડયાં ત્યારે તેમના ઉપર ટીકાઓનો વરસાદ વરસ્યો હતો.
બેફામ
દોડતી સિટી બસોએ છેલ્લા 4 માસમાં 4 અકસ્માત સર્જ્યા છે
અનેક
માનવજિંદગી હોમાઈ છતાં માનવતાવિહીન મનપાએ ક્યારેય કોઈ આક્રમક પગલા લીધા નથી !
એજન્સીને
ટર્મીનેટ કરવામાં તંત્ર મોડું કેમ કરે છે ?
રાજકોટ,
તા.16 : શહેરમાં માસ ટ્રાન્સપોર્ટેશનને પ્રાધાન્ય આપવા માટે મ્યુનિ.તંત્ર દ્વારા શહેરના
70થી વધુ રૂટો ઉપર 200થી વધુ સીટી બસો દોડાવવામાં આવી રહી છે જેનું સંચાલન રાજકોટ રાજપથ
પ્રા.લી દ્વારા સંભાળવામાં આવી રહ્યું છે. આ સિટી બસોના ડ્રાઈવરોની ગેરશિસ્ત અને બેદકારીને
લીધે છાશવારે અકસ્માતોની વણઝાર સર્જાય છે ત્યારે ફરી એક વખત સિટી બસ યમદૂત બની હતી
અને ઈન્દિરા સર્કલે વાહનોને અડફેટે લેતા 4 માનવ જિંદગી કાળમાં હોમાઈ ગઈ હતી. છેલ્લા
4 માસમાં આવા 4 બનાવો સામે આવ્યાં છે. જનતામાં રોષ ભભૂકી ઉઠયો છે. ચોરે અને ચોકે માત્ર
આ એક જ વાતની ચર્ચાઓ ચાલી છે છતાં એજન્સીને ટર્મીનેટ કરવામાં મનપા પાછીપાની કરી રહી
છે.
આજથી
ચારેક માસ પૂર્વે રૂટ નં.8ની લાભુભાઈ ત્રિવેદી એન્જિનિયરિંગ કોલેજથી ગ્રીનલેન્ડ ચોકડી
રૂટની સિટી બસના ચાલક જયવીન ભરતભાઈ દવેએ કણકોટના પાટિયા પાસે બેફીકરાઈથી બસ ચલાવી રોડની
સાઈડમાં જઈ રહેલા માતા-પુત્રને અડફેટે લેતા માતા હેતલબેન ગોયલની નજર સામે જ તેના સાત
વર્ષના પુત્ર રાજવીરનું મૃત્યુ નિપજ્યું હતું. બીજી ઘટનામાં રેલનગર વિસ્તારમાં સિટી
બસના વયોવૃદ્ધ ચાલક પુરુષોત્તમભાઈ બારૈયાને ચાલુ બસે હૃદયરોગનો હુમલો આવતાં તેમનું
મૃત્યુ નિપજ્યું હતું અને બસ બેકાબૂ બનતાં 3 વાહન અને એક રાહદારીને અડફેટે લેતા સંગીતાબેન
માંકડિયા નામની મહિલાનું પણ મૃત્યુ નિપજ્યું હતું.
આ બન્ન
ઘટનાની હજુ શાહી સુકાઈ નથી ત્યાં તો આજે ઈન્દિરા સર્કલ પાસે પૂરપાટ ઝડપે દોડતી સીટી
બસે 6 લોકોને અડફેટે લીધા હતાં જેમાં બે મહિલા સહિત 4 વ્યક્તિના મૃત્યુ નિપજ્યાં છે.
આજના દિવસે જ કિશાનપરા ચોક પાસે પણ સિટી બસે એક પીજીવીસીએલની ગાડી સાથે અકસ્માત સર્જ્યે
છે. આ તમામ અકસ્માતો તાજેતરના છે. પૂરપાટ દોડતી બીઆસટીએસ બસો પણ અકસ્માતો સર્જે છે.
ભૂતકાળમાં અનેક વખત નાના-મોટા અકસ્માતો સર્જયા છે, માનવ જિંદગીઓ હોમાઈ છે, પરિવારનો
કોઈ મોભી કે કંધોતર છીનવાયો છે પરંતુ મનપા તંત્રમાં જાણે માનવતા મરી પરીવરી હોય તેમ
બેફામ બસો દોડાવતા બસચાલકોને ટર્મીનેટ કરવા તેમજ એજન્સીને દંડ ફટકારીને મામલો રફેદફે
કરી દેવામાં આવે છે.
આ લખાઈ
રહ્યું છે ત્યાં સુધી મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ એજન્સીને ટર્મીનેટ કરવા માટે કોઈ
નિર્ણય લીધો ન હોવાનું જાણવા મળ્યું છે.
સાંસદ,
ધારાસભ્ય, કોર્પોરેટરોને લોકોના સવાલ
બેફામ
દોડતી સિટી બસના નિયંત્રણ માટે કોઈ નેતા-પદાધિકારીએ ફરિયાદ કરી ?
સ્કૂલ
બસ અને સિટી બસની સ્પીડ લિમિટ બાંધવાનું ક્યારેય કહ્યું?
સિટી
બસ અંગે25065339 પર અનેક ફરિયાદો આવી તો તે અંગે પગલા લેવાનું કહ્યું?
ટ્રાફિક
સમસ્યા ચારે બાજુ પણ પાર્કિંગની કોઈ વ્યવસ્થા નથી તો શું પગલા લેવાયા?
ટ્રાફિકના
નિયમોનો ભંગ કરનારાઓને પકડવા કોઈ સર્વેલન્સ ટેકનોલોજીની વ્યવસ્થા ખરી?
પ્રજા
પાસેથી આકરા દંડના નામે કરાયેલા ઉઘરાણાના ઉપયોગ માટે શું યોજના છે ?
પ્રજા
આકરો દંડ ભરે છતાં રસ્તા બદતર અને સલામતી જોખમમાં તો જવાબદાર કોણ ?
ટ્રાફિક
પોલીસ અને વોર્ડન દરેક ચોકમાં માત્ર ઉઘરાણા માટે જ હોય તેવા આક્ષેપો વારંવાર થાય છે
છતાં કોઈ નિરાકરણ કેમ નહી?
નેતાઓ
આવે ત્યારે રસ્તા સીધા-સપાટ, ટ્રાફિક વ્યવસ્થા શિસ્તબદ્ધ ગોઠવી દેવાય, પ્રજાને આવી
સુવિધા કેમ નહીં ?
વોર્ડનનું
કામ માત્રને માત્ર ટ્રાફિક નિયમનનું છે તો દંડ ઉઘરાવા માટે વાહનો રોકવાની જવાબદારી
કે સત્તા વોર્ડનને કોન આપે છે ?
દરેક
મુખ્ય ચોકમાં રિક્ષાઓ સહિતના મુસાફર વાહનો આડેધડ ઉભા રહે છે, આ સમસ્યાના નિરાકરણ માટે
કોઈ વ્યવસ્થા કેમ નહી ?
સ્કૂટરમાં
3 સવારી, બાઈક-મોપેડમાં કર્કશ હોર્ન આમ બાબત બની છે પણ છઝઘ, છખઈ, પોલીસે ટ્રાફિક સિગ્નલો
ઉપર શું ઉકાળ્યું ?
કોર્પોરેટરો
પોતાના વિસ્તારમાં ક્યારેય ચક્કર મારે છે ?
મૃતક
રાજુભાઈ મનુભાઈ ગીડા
- મહાપાલિકાના
ઓડિટ વિભાગમાં ક્લાર્ક
સવારે
પુત્રને તેડવા રોઝરી સ્કૂલે ઘરેથી નીકળ્યા હતા ત્યારે બોટાદથી વેકેશન કરવા માટે આવેલી
ભાણેજ વિરાજબા પોતાને સાથે આવવા માટેનું કહેતા બાઇકમાં બેસાડી જતા હતા ત્યારે બસે પાછળથી
ઠોકર મારતા રાજુભાઈ (ઉં.વ.35) જમણી બાજુ પડી જતા બસનું વ્હીલ ફરી વળ્યું હતું. મૃતક
એક ભાઈ એક બહેનમાં નાના હતા અને સંતાનમાં સાત વર્ષનો પુત્ર છે.
કિરણબેન
ચંદ્રેશભાઈ કક્કડ
સવારે
પુત્રવધૂ નેહાબેન સાથે યુનિવર્સિટીના સ્વામિંગ પુલએ સ્વામિંગમાં જતા હતા ત્યારે પાછળથી
આવેલી બસે એક્ટિવાને ઠોકર મારતા કિરણબેન (ઉં.વ.47) અને પુત્રવધૂ રોડ પર પટકાતા બન્નેને
સીનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કિરણબેનને માથામાં ઈજા થતા મૃત્યુ થયું
હતા. મૃતકના પતિ ચંદ્રેશભાઈ બિઝનેસમેન છે. સંતાનમાં એક દીકરો દીકરી છે.
ચિન્મય
ઉર્ફે લાલો હર્ષદભાઈ ભટ્ટ
-સૌરાષ્ટ્ર
યુનિવર્સિટીમાં ક્લાર્ક
સવારે
નિત્યક્રમ મુજબ ઘરેથી બાઈક લઈને નોકરીએ જવા માટે નીકળ્યા હતા. ઇન્દિરા સર્કલ ચોક પાસે
પહોંચતા બાઇકને પાછળથી બસે જોરદાર ઠોકર મારતા બનાવ બન્યો હતો. ચિન્મય (ઉં.વ.25) એક
બહેનમાં નાનો અને પરિવારનો આધાર સ્તંભ હતો. તેના પિતાનું એક મહિના પહેલા જ અવસાન થયું
હતું. એકના એક પુત્રના મૃત્યુથી પરિવારમાં ઘેરો કલ્પાંત સર્જાયો હતો.
સંગીતાબેન
ધનરાજભાઈ ચૌધરી
-બ્યુટી
પાર્લરમાં નોકરી
સંગીતાબેન
(ઉં.વ.40) ઇન્દિરા સર્કલ પાસે આકૃતિ બ્યુટી પાર્લરમાં નોકરી કરતા હોવાથી નિત્યક્રમ
સવારે કૌટુંબિકભાઈ સૂરજ રાવલની બાઇકમાં બેસી નોકરીએ જતા હતા ત્યારે પાછળથી બસે ઠોકર
મારતા સૂરજને ઈજા થઇ હતી જ્યારે સંગીતાબેન દૂર સુધી ફંગોળાતા મૃત્યુ થયું હતું. મૃતક
મૂળ નેપાળના વતની હતા અને વિસેક વર્ષથી રાજકોટમાં રહેતા હતા, પતિનું દશેક વર્ષ પહેલા
અવસાન થયું છે.