કાંઠલો પકડી કહ્યું “સમાજ સેવા કરવા ગયો તો જાનથી મારી નાખીશ’’
ગોંડલ,
તા.4: ગોંડલ તાલુકાનાં ખડવંથલી ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પરાજીત મહિલા ઉમેદવારના
સસરાએ વૃધ્ધ ખેડૂતને ગાળો આપી તારી સમાજ સેવાના લીધે જ મારી પેનલ ચૂંટણી હારી ગઇ છે
કહી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે પોલીસે ગુનો નોંધ્યો છે. ખડવંથલી ગામે રહેતા
વૃદ્ધ ખેડૂત ગોકળભાઇ હંસરાજભાઇ વેકરીયા (ઉ.વ.67)એ ગોંડલ તાલુકા પોલીસમાં નોંધાવેલી
ફરિયાદમાં આરોપી તરીકે પોપટ બાબુ કતબાનું નામ આપ્યું છે.
ફરિયાદમાં
જણાવ્યું હતું કે, ગઇ તા.22/6/2025ના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી હોય જેમાં ગામના પોપટભાઇ
બાબુભાઇ કતબાના દીકરાની પત્ની જલ્પાબેન યગ્નેશભાઇ કતબા પેનલમાં સભ્ય તરીકે ઉમેદવાર
હતા. ફરિયાદીની પેનલ જીતી અને જલ્પાબેન કતબા તથા તેની પેનલ હારી ગઇ હતી. દરમિયાન ગઇ
તા.26-6 ના રોજ ફરિયાદી સવારે ગામના બસ સ્ટેન્ડે
આંટો મારવા ગયા હતાં ત્યાં લક્ષ્મણભાઇ મારકણ પાસે ઉભા હતાં. દરમિયાન પોપટભાઇએ
ગાળ દઇને વૃધ્ધને બોલાવ્યા હતા. જેથી તેઓ જતા કાંઠલો પકડીને ધક્કો મારી પછાડી દઇ ગાળો
આપી કહ્યું હતું કે, તું અને તારા છોકરા ગામમાં અને સમાજમાં સેવા કરીને મને નીચુ દેખાડવાનું
કરો છો, તમારી સમાજ સેવાને લીધે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મારી પેનલ જીતી શકેલ નથી.
હવે પછી તું ગામમાં ક્યાંય સમાજ સેવા કરવા ગયો તો તને જાનથી મારી નાખીશ તેમ ધમકી આપી
હતી. બનાવ અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.