• રવિવાર, 06 જુલાઈ, 2025

સુરતમાં શેર બજારમાં ઉંચા વળતરની લાલચે ઠગાઈ કરતી ગેંગનો પર્દાફાશ

રાજકોટ-અમરેલીની ત્રિપુટી પાસેથી 40 લાખની મતા કબજે

(ફૂલછાબ ન્યુઝ)

સુરત, તા. 5: સુરતમાં શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી કરોડો રૂપિયાની છેતરાપિંડી કરતી આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો સુરત સાયબર ક્રાઈમ પોલીસે પર્દાફાશ કર્યો છે. આ ગેંગે 235 કરોડથી વધુના બેંક ટ્રાન્ઝેક્શન અને અંદાજિત 100 કરોડના આંગડિયા વ્યવહાર દ્વારા લોકો સાથે છેતરાપિંડી કરી હોવાનુ સામે આવ્યુ છે. જે બેંક એકાઉન્ટ મળ્યા છે તેની સામે દેશભરના 26 રાજ્યોમાં ફરિયાદો નોંધાઈ છે. જેથી પોલીસે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરત સાયબર ક્રાઈમ પોલીસે બાતમી આધારે ઉત્રાણ વીઆઈપી સર્કલ પાસે આવેલી આઈવી ટ્રેડની ઓફિસ નંબર 914, બિલ્ડિગ બી,  પર દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન ગુનાહિત પ્રવૃત્તિઓ જણાતા, રાજકોટ શીતલ પાર્ક ચોક, સ્કાય ગ્રોથ વેલ્થ મેનેજમેન્ટ ની ઓફિસ નંબર 1123, 11મા માળ, ધ સ્પાયર-2 પર પણ દરોડો પાડયો હતો. આ તપાસમાં જાણવા મળ્યુ હતુ કે આ ગેંગ આઈવી ટ્રેડ અને સ્કાય ગ્રીથ વેલ્થ મેનેજમેન્ટ જેવી બોગસ કંપનીઓ ઊભી કરી દુબઈથી નેટવર્ક ચલાવી લોકોને શેરબજારમાં રોકાણ કરવાથી ઉંચુ વળતર મળશે તેવી લોભા મણી વાતો કરી રોકાણકારોને દર મહિને 7 થી 11 ટકા જેટલુ રીટર્ન આપવાની લાલચ આપતા હતા. આ સ્કીમમાં ઓછામાં ઓછા 18 મહિના સુધી રોકાણ કરવુ ફરજિયાત હતુ. કુલ 11 હજાર લોકો આ સ્કીમ સાથે       જોડાયેલા છે. છેતરાપિંડીનો મૂળભૂત પાયો મલ્ટિ-લેવલ માર્કાટિંગપિરામિડ સ્કીમ પર આધારિત હતો. જે ગ્રાહકો અન્ય નવા ગ્રાહકોને આ કંપનીમાં રોકાણ કરવા માટે આકર્ષિત કરતા, તેઓને કંપની તરફથી તેમના રેન્ક મુજબ બોનસની લાલચ આપવામાં આવતી. જેમાં બ્રોન્ઝમાં 25 હજાર ડોલર (અંદાજે રૂ. 20.85 લાખ)નુ રોકાણ, સિલ્વરમાં 50 હજાર ડોલર (અંદાજે રૂ. 41.70 લાખ)નુ રોકાણ, ગોલ્ડમાં 1 લાખડોલર (અંદાજે 83.40 લાખ)નુ રોકાણ, પ્લેટિનમમાં 2.5 લાખ ડોલર (અંદાજે 2.08 કરોડ)નુ રોકાણ કરાવવમાં આવતુ હતુ.

સાયબર ક્રાઈમ પોલીસે અત્યાર સુધીમાં ત્રણ મુખ્ય આરોપીઓ ડેનીશ ઉર્ફે હેમલ નવીનચંદ્ર દયાલાલ ધાનક (ઉં.38,  રહે.રાજકોટ, મૂળ રહે. ભાવનગર), જયસુખભાઈ રામજીભાઈ જાદવભાઈ પટોળીયા(ઉ.44, ધંધો-એજન્ટ, રહે. સુરત, મૂળ રહે. અમરેલી), યશ કુમાર કાળુભાઈ રામજીભાઈ પટોળીયા (ઉ.25, ધંધો-વેપાર, રહે. સુરત, મૂળ રહે. અમરેલી)ની ધરપકડ કરી સુરત અને રાજકોટથી કુલ રૂ.36,87,289(આશરે રૂ.40 લાખ જેમાં મળી આવેલી રોકડ અને અન્ય જપ્ત કરેલી સામગ્રીનો સમાવેશ)નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રોએ  જણાવ્યુ હતુ કે મુખ્ય આરોપી ડેનિશ તેના પિતા નવીનભાઈ અને ભાઈ દિપેન નવીનચંદ્ર ધાનક સાથે મળીને આ ધંધો ચલાવતો હતો. હાલમાં, અલ્પેશ લાલજીભાઈ વઘાસીયા, દિપેન નવીનચંદ્ર ધાનક, નવીન ચંદ્ર દયાલાલ ધાનક, ઝરીત હિતેશભાઈ ગોસ્વામી, સૌરવ જયેશભાઈ સાવલીયા, હરીશ મકવાણા, વિપુલકુમાર કાંતિભાઈ સાવલીયા, તરૂણભાઈ, વિશાલ ગૌરાંગ ભાઈ દેસાઈ, બંટી પરમાર અને મયુર સોજીત્રા સહિતના આરોપીઓ ફરાર છે. જયસુખ પટોળીયા અને યશ રામજીભાઈ પટોળીયા ડમી એકાઉન્ટ ખોલાવીને લોકો પાસેથી કરોડો રૂપિયા મેળવતા હતા.

નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર તપાસ કરતા આ બેંક એકાઉન્ટ્સ પર દેશના 26 જેટલા રાજ્યોમાં ફરિયાદો નોંધાઈ છે, જેમાં બિહાર, હરિયાણા, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, કર્ણાટક, મહારાષ્ટ્ર, તેલંગણા, દિલ્હી, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, કેરલા, મણિપુર અને મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે. આરોપીઓના વિવિધ બેંક ખાતાઓમાં કુલ રૂ. 235 કરોડના ટ્રાન્ઝેક્શનો થયા હોવાનુ માલૂમ પડ્યુ છે. આ ઉપરાંત આંગડિયા મારફતે આશરે રૂ. 100 કરોડની આસપાસના નાણાકીય વ્યવહારો પણ મળી આવ્યા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક