10 દિવસનું અલ્ટીમેટમ પૂરું થાય તે પહેલાં જ દબાણ વધારતા અમેરિકી રાષ્ટ્રપતિ
નવીદિલ્હી,
તા.પ : અમેરિકા અને ઈરાનનાં યુદ્ધમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર
આક્રમક રુખ અપનાવી છે. તેમણે સોશિયલ મીડિયામાં બેહદ આકરી અને અભદ્ર ભાષામાં પોસ્ટ લખીને
ઈરાનને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલવાની ચેતવણી આપી છે અને કહ્યું છે કે, જો હવે હોર્મુઝ
ખોલવામાં નહીં આવે તો ઈરાન ઉપર મોટા હુમલા કરવામાં આવશે.
અમેરિકાના
રાષ્ટ્રપતિએ 6 એપ્રિલની નિર્ધારિત સમયમર્યાદાના એક દિવસ પહેલાથી જ ઈરાન ઉપર દબાણ વધારી
દીધું છે. તેમણે આજે એક અભદ્ર ભાષાની પોસ્ટમાં અપશબ્દો સાથે કહ્યું છે કે, મંગળવારે
ઈરાનમાં પાવર પ્લાન્ટ અને પુલોને નિશાન બનાવવામાં આવી શકે છે. ટ્રમ્પે આગળ કહ્યું હતું
કે, આ હુમલો એવો હશે જે અગાઉ ક્યારેય જોવા મળ્યો નથી. આ પહેલા 21 માર્ચે ટ્રમ્પે ધમકી
આપી હતી કે, જો ઈરાન હોર્મુઝ નહીં ખોલે તો તેનાં વીજમથકોને નષ્ટ કરી નાખવામાં આવશે
અને તેની શરૂઆત દેશનાં સૌથી મોટા વીજળી મથકથી થશે. જેમાં ઈરાનને નર્ક બનાવી નાખવામાં
આવશે.
દરમિયાન
ઈરાને અમેરિકાનાં બે સી-130 વિમાન અને બે બ્લેક હોક હેલિકોપ્ટરને તોડી પાડયાનો દાવો
કર્યો હતો. આ દાવો ટ્રમ્પે ઈરાનમાં તૂટી પડેલા લડાકૂ જેટના પાયલટને ઉગારવામાં આવ્યાનું
જણાવ્યા પછી કરવામાં આવ્યો હતો.
બહેરીનમાં
મુખ્ય ઈંધણ મથકને પણ ઈરાને ડ્રોનથી નિશાને લીધું હતું. જેનાં હિસાબે ત્યાં આગ લાગી
ગઈ હતી. યુએઈનાં કહેવા અનુસાર ઈરાને પેટ્રોકેમિકલ પ્લાન્ટ ઉપર કરેલા હુમલાઓનાં કારણે
અનેક ઠેકાણે આગ ભડકી હતી. સામે છેડે ઈરાન કહે છે કે, મહશહર પેટ્રોકેમિકલ ઝોનમાં અમેરિકાએ
કરેલા હુમલામાં પાંચ લોકોનાં મૃત્યુ થયાં છે અને 170 ઘવાયા છે. યુદ્ધ શરૂ થવાથી અત્યાર
સુધીમાં ઈઝરાયલ અને અમેરિકાએ 30 જેટલી યુનિવર્સિટીને પણ નિશાન બનાવી છે.
-------------------------------
અમેરિકાએ
ઈરાનમાં ફસાયેલા બીજા પાયલટને કર્યો રેસ્કયૂ !
અમેરિકાના
બે હેલીકોપ્ટર અને એક સી-130 વિમાન તોડી પાડયાનો ઈરાનનો દાવો
નવી
દિલ્હી, તા. 5 : અંદાજીત પાંચ અઠવાડિયા પહેલા શરૂ થયેલા યુદ્ધમાં ઈરાનની વાયુ રક્ષા
પ્રણાલીએ એક અમેરિકી યુદ્ધ વિમાન તોડી પાડયાનો દાવો કર્યો હતો. શુક્રવારે દક્ષિણી ઈરાન
ઉપર દુર્ઘટનાગ્રસ્ત બનેલા એફ-15ઈ સ્ટ્રાઈક ઈગલના બે ક્રૂને શોધવા માટે અમેરિકા અને
ઈરાન બન્ને તરફથી ભારે પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ દરમિયાન અમેરિકાએ દાવો કરી દીધો
છે કે બન્ને પાયલટને સુરક્ષિત રેસ્કયૂ કરી લેવામાં આવ્યા છે. બીજી તરફ ઈરાન તરફથી દાવો
થયો છે કે પાયલટને રેસ્કયૂ કરવાના અભિયાન દરમિયાન બે અમેરિકી હેલીકોપ્ટર અને એક સી-130
વિમાન તોડી પડાયું છે.
દુર્ઘટનાગ્રસ્ત
વિમાનના એક પાયલટને તરત જ બચાવી લેવાયો હતો. જ્યારે બીજાને શોધવા માટે પુરી કવાયત કરવામાં
આવી હતી. પુરી રાત ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. બાદમાં અમેરિકી બચાવ દળ અને ઈરાની
સેના વચ્ચે ભીષણ ગોળીબાર થયો હતો. એક અહેવાલ પણ સામે આવ્યા હતા કે રેસ્કયૂ ટીમ અને
ક્રૂ મેમ્બર હજી પણ ઈરાની ક્ષેત્રમાં જ છે અને ઓપરેશન ચાલી રહ્યું છે.
અમેરિકી
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તો જાહેરાત કરી દીધી હતી કે બન્ને પાયલટને સુરક્ષિત ઈરાનમાંથી
બહાર લાવવામાં આવ્યા છે. એક સીનિયર અમેરિકી અધિકારીએ કહ્યું હતું કે કલાકો સુધી ચાલેલા
ઓપરેશનમાં રિયલ ટાઈમ ટ્રેકિંગ કરવામાં આવ્યું હતું અને પછી જોખમનો સામનો કરતા ફસાયેલા
અમેરિકી કર્નલને બચાવવામાં આવ્યા હતા. ઓપરેશન વચ્ચે ઈરાન તરફથી દાવો થયો હતો કે ઈરાની
સશત્ર દળની યુનિફાઈડ કમાન્ડે બે બ્લેક હોક હેલીકોપ્ટરને તોડી પાડયા છે. આ ઉપરાંત સી-130
વિમાન પણ દુર્ઘટનાગ્રસ્ત કરી દીધું છે.