11મી સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે, જાહેરનામામાં 11 પાલિકાની ખાલી પડેલી 13 બેઠકની પેટા ચૂંટણીનો પણ સમાવેશ કરાશે
મનપા,
પાલિકા, પંચાયતોની આ ચૂંટણીમાં 9 નવી મનપામાં પ્રથમ ચૂંટણી કસોટી
(અમારા
પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, ગાંધીનગર તા.5: રાજ્યની અમદાવાદ સહિત 15 મહાનરગપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા અને
260 તાલુકા પંચાયતોમાં 26મી એપ્રિલે ચૂંટણી યોજાવાની છે. જેની સત્તાવાર જાહેરાત રાજ્ય
ચૂંટણી પંચ દ્વારા 1લી, એપ્રિલે કરી દેવામાં આવી છે પરંતુ હવે, 6ઠ્ઠી એપ્રિલના સોમવારે,
આ ચૂંટણી અંગેનું સત્તાવાર જાહેરનામુ પ્રસિધ્ધ કરાશે અને તેની સાથે જ ઉમેદવારી પત્રો
ભરવાની શરુઆત થશે. 11મી એપ્રિલ સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. જેની ચકાસણી 13મી એપ્રિલે
થશે. જ્યારે 15મી એપ્રિલ સુધીમાં ઉમેદવારી પરત ખેંચી શકશે ત્યાર બાદ આ ચૂંટણીઓમાં ક્યાં-કેટલાં
ઉમેદવારો ચૂંટણી મેદાન રહેશે, તેનું ચિત્ર સ્પષ્ટ થશે.હાલને તબક્કે સ્પષ્ટ થયું છે
કે, મહાનગરપાલિકાઓમાં 1044, નગરપાલિકાઓમાં 2632, જિલ્લા પંચાયતોમાં 1092 અને તાલુકા
પંચયાતોમાં 5271 મળીને કુલ 7241 વોર્ડમાં 10,039 બેઠકો માટે ચૂંટણી યોજાશે. જેમાં
11 નગરપાલિકાઓની ખાલી પડેલી અન્ય 13 બેઠકો પરની પેટા-ચૂંટણીની સંખ્યા ઉમેરાશે. આ ચૂંટણીમાં
16મીથી સત્તાવાર રીતે ચૂંટણી પ્રચારની શરુઆત થશે. જે 26મી, એપ્રિલે યોજાનારી ચૂંટણીના
48 કલાક એટલે કે 24મીના સાંજના 6 વાગ્યા સુધી અર્થાત રાજકીય પક્ષો કે ઉમેદવારો 9 દિવસ
સુધી જાહેરમાં ચૂંટણી પ્રચાર કરી શકશે. 28મી એપ્રિલ મત-ગણતરી થશે. ઈલેક્ટ્રોનિક વોટીંગ
મશીન-ઈવીએમથી ચૂંટણી થવાની હોવાથી મત-ગણતરી ઝડપથી થઈ શકશે પરંતુ સ્થાનિક સ્વરાજ્યની
સંસ્થાઓની બેઠકો તથા ઉમેદવારોની સંખ્યા 10,039 જેટલી હશે એટલે ચૂંટણી પરિણામોમાં પણ
સ્વાભાવિક રીતે જ રાત પડશે કાં તો 29મીની સવાર-બપોર સુધી તમામ પરિણામોની સત્તાવાર જાહેરાત
થઈ શકશે. આ વખતની ચૂંટણીની સૌથી મોટી વિશેષતા ઓબીસી અનામત બેઠકોનું નવું રોટેશન છે.
6ઠ્ઠીના સોમવારે જે સત્તાવાર જાહેરનામુ પ્રસિધ્ધ થશે. જે મુજબ, (1) રાજ્યની અમદાવાદ,
વડોદરા, સુરત, રાજકોટ, જૂનાગઢ, જામનગર, ભાવનગર અને ગાંધીનગર જેવી જૂની 8 મહાનગરપાલિકાઓ
ઉપરાંત નવી બનેલી 9 મહાનગરપાલિકાઓ મળીને રાજ્યમાં અસ્તિત્વમાં આવેલી કુલ 17 મ્યુનિસિપલ
કોર્પોરેશનોમાંથી જૂનાગઢ અને ગાંધીનગરને બાદ કરતાં 15માં ચૂંટણી યોજાશે. (2) 84 નગરપાલિકાઓમાં
નવી બનેલી 7 નગરપાલિકાઓનો સમાવેશ થશે. જ્યારે 14 નવી સીમાંકન સીમાઓ હેઠળ ફરીથી દોરવામાં
આવી છે. (3) કુલ 34 જિલ્લા પંચાયતોમાં ચૂંટણી યોજાશે. જેમાં નવા બનેલા વાવ-થરાદ જિલ્લાનો
પણ સમાવેશ થાય છે. (4) રાજ્યમાં કુલ 263 તાલુકા પંચાયતો છે જેમાંથી કપડવંજ, કઠલાલ અને
ગાંધીનગર એમ 3 તાલુકા પંચાયતોમાં અગાઉ ચૂંટણી થઈ ચૂકી હોવાથી 260 તાલુકા પંચાયતોની
ચૂંટણી માટેનું જાહેરાનામું પ્રસિધ્ધ થશે. (5) 11 નગરપાલિકાઓમાં 13 બેઠકો વિવિધ કારણોસર
ખાલી પડેલી છે, એમાં પેટા-ચૂંટણી યોજાશે.
4.40
કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે
ચૂંટણી
જાહેરાનામુ પ્રસિધ્ધ થયા બાદ ચૂંટણી પ્રક્રિયાનો સત્તાવાર પ્રારંભ થશે. આ વખતે સ્થાનિક
સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં પ્રથમવાર 27 ટકા ઓબીસી અનામતનો અમલ કરાશે. જેમાં 9
નવી બનેલી મહાનગરપાલિકાઓનો પણ સમાવેશ કરાશે. રાજ્યમાં કુલ 4.40 કરોડ મતદારો નોંધાયા
છે. જેમાંથી 15 મહાનગરપાલિકા વિસ્તારમાં 1.10 કરોડ અને 84 નગરપાલિકા વિસ્તારમાં 33.66
લાખ મતદારો રહેશે. પંચે કુલ 49,591 મતદાન મથકો નક્કી કર્યા છે. એક મતદાન મથક દીઠ સરેરાશ
1200 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.
કાયદો-વ્યવસ્થા
જાળવવા 2.61 લાખ પોલીસ તૈનાત રહેશે
સ્થાનિક
સ્વરાજ્યની સંસ્થાઓની આ ચૂંટણી પ્રક્રિયા માટે કુલ 2.61 લાખ પોલીસ સ્ટાફ તૈનાત કરાશે.
રાજ્યમાં 11,000 સંવેદનશીલ અને 3300 અતિ સંવેદનશીલ મતદાન મથકોની ઓળખ કરવામાં આવી છે.
ગ્રામ્ય વિસ્તાર માટે 53,000 બીયુ અને 48,000 સીયુ જ્યારે શહેરી વિસ્તાર માટે 4000
બીયુ અને 8000 સીયુની ફાળવણી કરવામાં આવી છે. મતદારો નિર્ધારિત 14 ઓળખ દસ્તાવેજોના
આધારે મત આપી શકશે.
નવી
9 મહાનગરપાલિકાઓમાં પ્રથમ ચૂંટણી કસોટી
9 નવી
મહાનગરપાલિકા બની છે ત્યાં પ્રથમ વખત કોર્પોરેશન સ્તરે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે.
જેમાં આણંદ-કરમસદ, ગાંધીધામ, મહેસાણા, મોરબી, નડિયાદ, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર,
અને વાપી શહેરનો સમાવેશ થાય છે.