મૂડીઝે અનુમાન ઘટાડીને 6 ટકા કરી નાખ્યું : મોંઘવારી પણ વધશે
નવીદિલ્હી,તા.પ:
પશ્ચિમ એશિયાનાં તનાવની ભારતનાં અર્થતંત્ર ઉપર પણ માઠી અસરો થવાની છે. મૂડીઝ રેટિંગ્સ
દ્વારા ભારતનાં આર્થિક વૃદ્ધિદરનું અનુમાન ઘટાડીને નાણાકીય વર્ષ 2026-27 માટે 6 ટકા
કરી દીધું છે. જે પહેલા 6.8 ટકા આંકવામાં આવ્યું હતું.
મૂડીઝ
દ્વારા પોતાનાં રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પશ્ચિમ એશિયાનાં યુદ્ધથી ભારતની
આર્થિક ગતિ પ્રભાવિત થશે અને મોંઘવારીનું જોખમ પણ વધશે. એલપીજીની આપૂર્તિમાં અવરોધ
અને ઈંધણનાં ભાવમાં વધારાથી ઘરેલુ અસર જોવા મળી શકે છે. આનાથી પરિવહનની પડતર વધશે અને
ખાદ્ય મોંઘવારી ઉપર પણ દબાણ આવશે કારણ કે ભારત ખાતર માટે પણ આયાત ઉપર નિર્ભર છે. મૂડીનાં નવા રિપોર્ટમાં સરેરાશ મોંઘવારી દર 4.8
ટકા રહેવાનું અનુમાન લગાડવામાં આવ્યું છે. જે વર્ષ 202પ-26નાં 2.4 ટકા કરતાં વધુ છે.
ભૂરાજકીય જોખમોનાં કારણે મોંઘવારીનું દબાણ વધશે. આમાં આગળ કહેવામાં આવ્યું છે કે, વધતી
મોંઘવારી અને સ્થિર આર્થિક વૃદ્ધિ વચ્ચે નીતિગત વ્યાજદરોને સ્થિર રાખી શકાશે કે નહીં
કે પછી ધીમે-ધીમે વધારી શકાશે એ તો યુદ્ધ કેટલો સમય ચાલશે તેનાં ઉપર જ નિર્ભર રહેશે. એજન્સીનાં કહેવા અનુસાર વ્યક્તિગત ખપતમાં
ઘટાડો,
ઔદ્યોગિક ગતિવિધિમાં નરમી અને ઉંચી પડતરનાં કારણે રોકાણની ગતિ પણ મંદ પડી શકે છે. જેના
હિસાબે વિકાસદર પ્રભાવિત થશે. આ ઉપરાંત તેમાં
કહેવામાં આવ્યું છે કે,ઓઈલ, ગેસ, ખાતરનાં ઉંચા ભાવથી સરકારી સબસિડીનો ભાર વધશે અને
મહેસૂલી આવક ઘટશે. જેનાં હિસાબે કર વસૂલાત ઉપર પણ દબાણ વધી શકે છે.