• સોમવાર, 06 એપ્રિલ, 2026

શમી અને પંતના સહારે સનરાઇઝર્સ સામે લખનઉનો વિજય રસાકસી બાદ 1 દડો બાકી રહેતા વિજય લક્ષ્યાંક આંબી લીધો

SRH: 20 ઓવર 9/156

LSG: 19.5 ઓવર 5/160

શમીની 9 રનમાં 2 વિકેટ અને કેપ્ટન પંતના અણનમ 68 રન

હૈદરાબાદ તા.પ: પહેલા અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમીની ઘાતક બોલિંગ અને બાદમાં ઋષભ પંતની અણનમ 68 રનની કેપ્ટન ઇનિંગની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રસાકસી પછી લખનઉ સુપર જાયન્ટસનો વિજય થયો હતો. 1પ7 રનનો વિજય લક્ષ્યાંક લખનઉ ટીમે 1 દડો બાકી રહેતા પ વિકેટે હાંસલ કરી સીઝનની પહેલી જીત નોંધાવી અને પોઇન્ટ ટેબલ પર ખાતું ખોલાવ્યું હતું. જયારે સનરાઇઝર્સના 3 મેચમાં આ બીજી હાર છે. એલએસજી કપ્તાન ઋષભ પંત પ0 દડામાં 9 ચોક્કાથી 68 રન કરી નોટઆઉટ રહ્યો હતો. તેણે મેચની અંતિમ ઓવરના પાંચમા દડે વિજયી ચોક્કો ફટકાર્યોં હતો. પ્લેયર ઓફ ધ મેચ શમીએ કાતિલ બોલિંગ કરીને 4 ઓવરમાં ફકત 9 રન આપી બે વિકેટ ઝડપી હતી. આથી સનરાઇઝર્સના 20 ઓવરમાં 9 વિકેટે 1પ6 રન જ થયા હતા.

1પ7 રનના વિજય લક્ષ્યનો પીછો કરતા લખનઉ સુપર જાયન્ટસે મિચેલ માર્શ (14)ની વિકેટ જલ્દીથી ગુમાવી હતી. જો કે એડન માર્કરમે 27 દડામાં 6 ચોક્કા-2 છક્કાથી 4પ રન કરી રન રફતાર જાળવી રાખી હતી. માર્કરમ (4પ), આયુષ બડોની (12) અને નિકોલસ પૂરન (1) ઉપરાઉપરી આઉટ થતાં મેચ રોચક બન્યો હતો. જો કે કેપ્ટન પંતે અણનમ 68 રન કરી મેચ ફિનિશ કર્યોં હતો. અબ્દુલ સમદે 14 રનનું યોગદાન આપ્યું હતું. મુકુલ ચૌધરી 2 રને નોટઆઉટ રહ્યો હતો. સનરાઇઝર્સ તરફથી હર્ષ દૂબેને 2 વિકેટ મળી હતી.

અગાઉ શમી પ્રારંભે જ ત્રાટકયો હતો. તેણે અભિષેક શર્મા (0) અને ટ્રેવિસ હેડ (7)ની વિકેટ ખેડવી લખનઉને સંગીન શરૂઆત આપી હતી. એક તબકકે સનરાઇઝર્સે 26 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી કલાસેન અને નીતિશ રેડ્ડીએ લખનઉના બોલર્સનો મકકમતાથી સામનો કરીને 63 દડામાં 116 રનની પાંચમી વિકેટમાં ભાગીદારી કરી હતી. રેડ્ડીએ 33 દડામાં 3 ચોક્કા-પ છક્કાથી પ6 અને કલાસેને 41 દડામાં પ ચોક્કા-2 છક્કાથી 62 રન બનાવ્યા હતા. લખનઉ તરફથી શમી ઉપરાંત પ્રિન્સ યાદવ અને આવેશ ખાનને 2-2 વિકેટ મળી હતી.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક