• સોમવાર, 06 એપ્રિલ, 2026

હિન્દુ યુવકોને ઢાલ બનાવીને કારસો રચતા આતંકી મોડયુલનો ભાંડાફોડ

યુપી અઝજએ ફોડયો ભાંડો : હિન્દુ નામ અને કોડવર્ડનો ઉપયોગ કરીને તપાસની નજરથી બચવાની યુક્તિ

 

નવીદિલ્હી,તા.પ: ઉત્તરપ્રદેશ એટીએસે મેરઠ અને આસપાસનાં વિસ્તારોમાં સક્રિય એક ખતરનાક આતંકવાદી નેટવર્કનો ભાંડો ફોડયો છે. જેનાં તાર સીધા સીમાપાર પાકિસ્તાની આતંકવાદીઓ સાથે જોડાયેલા છે એટલું જ નહીં પણ આ મોડયુલ હિન્દુ યુવકોને ઢાલ બનાવીને ગઝવા-એ-હિંદનાં ષડયંત્ર માટે કામ કરતાં હતાં.

આ તપાસમાં જે ખુલાસા થયા છે તેનાથી તપાસ એજન્સીઓનાં કાન સરવા થઈ ગયા છે. આ મોડયુલ માત્ર ભારત વિરોધી ગતિવિધિમાં જ સંડોવાયેલું નહોતું બલ્કે પકડાઈ જતાં બચવા માટે હિન્દુ રંગરૂપ અને કોડવર્ડનો ઉપયોગ પણ કરતું હતું.

તપાસમાં બહાર આવ્યું છે કે, પાકિસ્તાનમાં બેઠેલા તેનાં આકાઓએ પોતાનાં શાગિર્દોને સ્પષ્ટ સૂચના આપી હતી કે, સુરક્ષા એજન્સીઓની નજરથી બચવા માટે સ્થાનિક હિન્દુ યુવાનોની ભર્તી કરવી અને સંવેદનશીલ સ્થળોને રેકી કરવા માટે તેમનો જ આવરણ તરીકે ઉપયોગ કરવો.

આમાં પકડાયેલા મુખ્ય આરોપી શાકિબની પૂછપરછમાં બહાર આવ્યું છે કે, તે પાકિસ્તાનમાં બેઠેલા પોતાનાં હેંડલરનાં સીધા સંપર્કમાં હતો. શાકિબને ચેતવણી આપવામાં આવી હતી કે, જો ભારત હવે કોઈ ઓપરેશન કરવાની કોશિશ કરે તો આતંકીઓએ તૈયાર રહેવું પડશે. આ નવા કારસામાં શાકિબે વિકાસ અને લોકેશ નામક બે હિન્દુ યુવકોને લલચાવીને મોડયુલમાં સામેલ પણ કરી લીધા હતાં. ઓળખ છૂપાવવા માટે તેને કોડનેમ પણ આપવામાં આવ્યાં હતાં. લોકેશને સલીમ અને વિકાસને જાહીદ નામ આપવામાં આવ્યું હતું. શાકિબે લોકેશનો ઉપયોગ સંવેદનશીલ સ્થળોની રેકી કરવા માટે કર્યો હતો. આ મોડયુલનો મુખ્ય ઉદ્દેશ સૈન્ય ઠેકાણા અને મુખ્ય ધાર્મિક સ્થળોની જાણકારી એકત્ર કરવાનો હતો. આ લોકો પાકિસ્તાનમાં પોતાનાં ઉપરીઓને ગૂગલનાં લોકેશન આપતા હતાં. ત્યાર બાદ ત્યાંનાં વિડીયો પણ રેકોર્ડ કરતાં અને અને આનાં માટે તેમને વિદેશી માધ્યમોથી નાણા મળતા હતાં. જેનાં તાર દુબઈ સુધી જોડાયેલા નીકળ્યા છે.

----------------------------

આંધ્ર-યુપીમાં 12 શકમંદો પકડાયા

બિહાર, દિલ્હી, કર્ણાટક, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં દરોડામાં કાવતરું નિષ્ફળ

નવી દિલ્હી, તા. 5 : દેશમાં હિન્દુ યુવાનોને ઓનલાઈન કટ્ટરપંથી બનાવવાનું અને જેહાદી વિચારધારામાં જોડવાના કાવતરાંનો આંધ્રપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાંથી પર્દાફાશ?થયા છે.  તે ઉપરાંત બિહાર, દિલ્હી, કર્ણાટક, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં દરોડા પાડ્યા હતા અને આંધ્રપ્રદેશના ત્રણ સહિત 12થી વધુ શંકાસ્પદની ધરપકડ કરી હતી.

એક મીડિયા હેવાલ મુજબ,  આંધ્રપ્રદેશ પોલીસ અને ગુપ્તચર વિભાગે એક મોટા આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે, જેના વિદેશી હેન્ડલર્સ છે અને આઈએસઆઈએસ (ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયા) તેમજ અલ-કાયદા ઇન ધ ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ (એક્યુઆઈએસ) જેવા ઉગ્રવાદી સંગઠનો સાથે જોડાયેલા છે. આ મોડ્યુલનું મુખ્ય લક્ષ્ય ભારતમાં યુવાનોને ઓનલાઈન કટ્ટરપંથી બનાવવાનું અને જેહાદી વિચારધારા ફેલાવવાનું હતું.

પકડાયેલો મુખ્ય આરોપી રહેમતુલ્લાહ શરીફ અને તેના સાથીઓ વિદેશી કાર્યકરોના સંપર્કમાં હતા. તેઓ ઓનલાઈન વીડિયો દ્વારા યુવાનોને જેહાદ તરફ પ્રેરિત કરી રહ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ ઓસામા બિન લાદેન, ઈસરાર અહેમદ શેખ, ઝાકિર નાઈક અને અનવર અલ-અવલાકીના વીડિયો શેર કરી રહ્યા હતા. આ જૂથે મહિલા પાંખ બનાવીને મહિલાઓની ભરતી કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. આરોપીઓ 40થી વધુ   સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દ્વારા પાકિસ્તાન, અફઘાનિસ્તાન, સીરિયા અને બાંગ્લાદેશ સ્થિત હેન્ડલર્સ સાથે સંપર્કમાં હતા, જેમાં અલ-હકીમ શુક્રુર, મોહમ્મદ હુઝૈફા, નિન્જા, હેમરોક્સી, અબુ મુહરિબ અને અબુ બલુશીનો સમાવેશ થાય છે.

બીજી તરફ ઉત્તર પ્રદેશ એન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વોડએ મેરઠ અને આસપાસના વિસ્તારોમાં કાર્યરત એક ખતરનાક આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો, જેના તાર સરહદ પાર પાકિસ્તાન સાથે સીધા જોડાયેલા છે.

ધરપકડ કરાયેલા મુખ્ય આરોપી શાકિબે ખુલાસો કર્યો હતો કે, તે પાકિસ્તાન સ્થિત હેન્ડલર્સ સાથે સીધો સંપર્કમાં હતો. શાકિબને સૂચના આપવામાં આવી હતી કે, કોઈ પણ સંજોગોમાં મિશન અધૂરું ન રહેવું જોઈએ. હેન્ડલર્સે તેને ગઝવા-એ-હિંદ એજન્ડા પર કામ કરવા અને નેટવર્કને એવી રીતે વિસ્તૃત કરવા સૂચના આપી હતી કે જેથી સુરક્ષા એજન્સીઓ સતર્ક ન થાય.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક