• ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2026

PM મોદી ડિગ્રી કેસ : યુનિ. યોગ્ય કાર્યવાહી વગર ખાનગી માહિતી જાહેર ન કરી શકે : કોર્ટ

કેજરીવાલ અને સંજય સિંહે પ્રેસ કોન્ફરન્સ યોજીને યુનિવર્સિટીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો : સોલિસીટર જનરલ

(અમારા પ્રતિનિધિ તરફથી) 

અમદાવાદ, તા. 16: ડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી જાહેર કરવાના મામલે ગુજરાત હાઈકોર્ટમાં મહત્ત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં અગાઉ સિંગલ જજની બેન્ચે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરાવિંદ કેજરીવાલ પર 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો, જેની સામે કેજરીવાલે ડબલ જજની બેન્ચ સમક્ષ અપીલ કરી છે.

આ મામલે સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ગુજરાત યુનિવર્સિટીનો પક્ષ રજૂ કરતા આકરા વલણ સાથે દલીલો કરી હતી. કોર્ટે કહ્યું હતું કે, યોગ્ય કાર્યવાહી વગર યુનિવર્સિટી ખાનગી માહિતી જાહેર ન કરી શકે. વધુ સુનાવણી 21 સપ્ટેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે, માહિતીના અધિકાર (આરટીઆઇ) હેઠળ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીની ડિગ્રી જાહેર કરી શકાય કે કેમ તે મોટો પ્રશ્ન છે. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન એક બંધારણીય પદ પર છે અને તેમની ડિગ્રી જાહેર કરવામાં યુનિવર્સિટીને કોઈ વાંધો ન હોઈ શકે. જોકે, માત્ર ડિગ્રી બતાવવાનો માહોલ ઉભો કરવો તે બદઈરાદાપૂર્વકનું પગલું છે. જો સિંગલ જજના હુકમ બાદ કેજરીવાલને ખરેખર ડિગ્રીમાં રસ ન હોત, તો તેઓ રિવ્યૂ અરજી દાખલ કરત નહીં. તુષાર મહેતાએ ઉમેર્યું કે, જો આ પ્રકારે ડિગ્રીઓ જાહેર કરવાની માગણીઓ આવતી રહેશે, તો શૈક્ષણિક સંસ્થાઓ આવી અરજીઓથી ઉભરાઈ જશે.

કોર્ટે પણ આ સમગ્ર મામલે નોંધ્યું હતું કે, સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન (સીઆઇસી) એ આ કેસમાં ડહાપણપૂર્વક વર્તવાની જરૂર હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, યોગ્ય કાર્યવાહી કર્યા વગર યુનિવર્સિટી કોઈપણ સંજોગોમાં ખાનગી માહિતી જાહેર કરી શકે નહીં. સોલિસિટર જનરલે જણાવ્યું હતું કે, કેજરીવાલ અને સંજય સિંહે પ્રેસ કોન્ફરન્સ યોજીને યુનિવર્સિટીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો, જે અંગે યુનિવર્સિટીએ મેજિસ્ટ્રેટ કોર્ટમાં બદનક્ષીની ફોજદારી ફરિયાદ પણ નોંધાવી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક