• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

CJIના ઘરે વડાપ્રધાનની ગણેશપૂજાનો વિવાદ

થોડા દિવસો પહેલાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ધનંજય ચંદ્રચૂડને ત્યાં ગણેશ સ્થાપનની પૂજા માટે ગયા. હજી તો આ વિગત થોડી પણ જાહેર થઈ ત્યાં તો વિરોધ અને વિવાદ શરુ થઈ ગયો. બંધારણીય રીતે, કાયદાની દૃષ્ટિએ, તેમના હોદ્દાની ગરિમાના સંદર્ભે જો કંઈ ખોટું થયું હોય તો વાત અલગ છે પરંતુ આ વિરોધ તો કેટલો પ્રસ્તુત હતો તે જ પ્રશ્ન છે. ન્યાયમૂર્તિ અને ન્યાયપાલિકાની વિશ્વસનીયતા સામે વિપક્ષે સાંકેતિક પ્રશ્નો કર્યા છે અને તે સામાન્ય જનને પણ માન્ય રહે તેમ નથી.

વિપક્ષે નાકનું ટીચકું ચડાવ્યું તેની સામે ભાજપે વળતો તર્ક કર્યો અને કહ્યું કે મુખ્ય ન્યાયાધીશના ઘરે ગણેશપૂજામાં આરતી કરવી તેમાં વળી શું પાપ છે? રાહુલ ગાંધી વિદેશમાં કંઈ બોલે, ગણેશ પંડાલ પર દેશના વિભિન્ન હિસ્સામાં હુમલા થાય ત્યારે મૌન સેવનાર કોંગ્રેસ અને અન્ય વિપક્ષને આમાં કેમ વાંધો પડે છે? આ તો ન્યાયમૂર્તિ ને વડાપ્રધાન બન્નેનું અપમાન છે. સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર પણ ન્યાયતંત્ર નિષ્પક્ષ નથી તેવું સતત કહ્યા કરતા વિપક્ષી નેતાઓએ આ ઘટનાને મોટી કરી દીધી-અકારણ.

ઉદ્ધવ ઠાકરેએ તો ત્યાં સુધી કહ્યું કે શિવસેના કેસમાં અમને ન્યાય નહીં મળે. વિપક્ષો કહે છે ન્યાયતંત્ર મોદી સરકારનું છે. ન્યાયાધીશને ત્યાં પૂજામાં જવાથી ન્યાયતંત્ર કોઈ પક્ષનું કે સરકારનું થઈ જાય તેમ કહેનાર પોતે પોતાનું સ્તર છતું કરે છે. ન્યાયપાલિકા કે ચૂંટણીપંચ પર સરકારનું વર્ચસ છે તેવું કહેવાના અવસર વિપક્ષને વારંવાર મળતા રહેતા હોય છે. ગણેશોત્સવને એમાં નિમિત્ત ન બનાવ્યો હોત તો સારું થાત. આપણા જ દેશના પૂર્વ ઉચ્ચસ્તરીય નેતાઓ ક્યાંક ઈફતાર પાર્ટીમાં પણ ગયા હતા. ન્યાયતંત્ર, ન્યાયાધીશ સંપૂર્ણ સ્વતંત્ર, નિષ્પક્ષ હોવા જ જોઈએ તેમાં કોઈ ભિન્નમત નથી. પરંતુ વડાપ્રધાન ગણેશ ભગવાનની આરતી ઉતારવા ન્યાયમૂર્તિને ત્યાં જાય તેથી ન્યાયપાલિકા નિષ્પક્ષતા ગુમાવી દે તે મુદ્દો વધારે પડતો છે.

ઇ-પેપરના નવા શુલ્ક