• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

દેવભૂમિમાં બાંગ્લાદેશી ઘૂસણખોરી, મસ્જિદનો વિવાદ

દેવભૂમિ શિમલામાં અનધિકૃત મસ્જિદ સામે હજ્જારો સ્થાનિક લોકો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે - મસ્જિદ ઉપરાંત મોટી સંખ્યામાં બાંગ્લાદેશી ઘૂસણખોરોની સમસ્યા મૂળમાં છે.

શિમલાના સંજૌલીમાં એક મસ્જિદના અનધિકૃત બાંધકામ પર નગર નિગમ આયુક્તની કોર્ટમાં 14 વર્ષથી પેન્ડિંગ રહેલા કેસને લઈ રાજ્યના બધા જિલ્લાઓમાં લોકોનો ભારે આક્રોશ જોવા મળ્યો છે. હિન્દુ સંગઠનોએ વિરોધ દેખાવો કર્યા છે અને માળખું તોડવાની માગ કરી છે. સંજૌલીમાં હિન્દુ સંગઠનોના ઉગ્ર વિરોધ દેખાવો દરમિયાન બેરિકેડ તોડવાનો પ્રયાસ થયો, જેને લઈ પોલીસે લાઠીચાર્જ અને પાણીનો મારો ચલાવ્યો. આમાં પાંચ પોલીસ કર્મચારી અને છ દેખાવકારો ઘાયલ થયા છે. વાત તો છેક બંધના એલાન સુધી પહોંચી ગઇ છે.

 રાજ્યના બાંધકામ ખાતાના પ્રધાન વિક્રમાદિત્ય સિંહે ખાતરી આપી છે કે બાંધકામ અનધિકૃત હશે તો તોડી પાડવામાં આવશે. મોડી રાત્રે સરકારે નગર નિગમના આર્કિટેક મહબૂબ અલી શેખની બદલી કરી નાખી છે. કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મુખ્ય પ્રધાન સુખવિન્દર સિંહ સુખુ પાસે રિપોર્ટ માગ્યો છે. સૌથી મોટો સવાલ એ છે કે જો કોઈ મસ્જિદનું અનધિકૃત બાંધકામ થઈ રહ્યું હતું તો તેને રોકવાની જવાબદારી લોકોની હતી? મુખ્ય પ્રશ્ન એ છે કે સરકારી જમીન ઉપર મસ્જિદ બાંધવાની પરવાનગી કોણે આપી? પંદર વર્ષમાં અદાલતનો ચુકાદો કેમ આવ્યો નહીં? બહુમતી વર્ગના સમૂહે જ્યારે વિરોધ દેખાવોનું આહ્વાન કર્યું હતું ત્યારે શાસને સાવધાન થઈ જવું જોઈતું હતું.

શાસનની આ પ્રાથમિક જવાબદારી છે કે તે સાંપ્રદાયિક તાણને વધવાથી રોકવા માટે દરેક સંભવ પ્રયાસ કરે, પરંતુ શાસનની ઉદાસીનતાએ સ્વયંભૂ વિરોધ જગાવ્યો છે. બાંધકામ અનધિકૃત હોય તો તેની વિરુદ્ધ સ્થાનિક શાસને ખુદે કાર્યવાહી કરવી જોઈએ. મસ્જિદના આર્કિટેકનું પણ કહેવું છે કે તેણે એક માળાની મસ્જિદની પ્રિન્ટ બનાવી હતી, પરંતુ વધુ ચાર માળા કેવી રીતે ચણાઈ ગયા તેની તેને ખબર નથી!

શિમલામાં આવી તંગદિલી ભયસૂચક ઘંટડી છે. હિન્દુ સંગઠનોનું કહેવું છે કે શિમલામાં ભારે પ્રમાણમાં રોહિંગ્યા અને બાંગ્લાદેશના લોકો ઘૂસી આવ્યા છે અને શિમલા જેવું દેશનું સુંદર-શાંત-શાલીન શહેર આવા લોકોનો અડ્ડો બની ગયો છે. બહારથી આવનારા સામે સરકારે સજાગ રહેવું જોઈએ. અમન-ચૈન-સામૂહિક જવાબદારી છે અને તેની સાથે રમત કરનારી કોઈપણ વ્યક્તિને સવલત આપવાથી દૂર રહેવું જોઈએ.

 

ઇ-પેપરના નવા શુલ્ક