સૌરાષ્ટ્રમાં
ઘટનાઓનો પ્રવાહ ફરી વેગીલો બન્યો છે. એક તરફ જૂનાગઢમાં સાધુઓ વચ્ચે વિવાદ છે તો બે
દિવસથી પટેલ સમાજના અગ્રણી પર થયેલા હુમલાની સતત ચર્ચા છે. જ્ઞાતિવાદ કે જ્ઞાતિગૌરવ
જે કંઈ પણ કહીએ તે, જ્ઞાતિસમીકરણોની અવગણના તો કરી શકાય નહીં. ચૂંટણી ન હોય તો પણ વિવિધ
સમાજ દ્વારા અનેક પ્રકલ્પો ચાલતા રહે છે. પ્રશ્ન ત્યારે સર્જાય જ્યારે કોઈ સમાજની સંસ્થા
સાથે સંકળાયેલી વ્યક્તિઓ કે વ્યક્તિગત જીવનની ઘટનાઓની અસર સમાજ- સંસ્થાની પ્રતિષ્ઠા
ઉપર પડે. સૌરાષ્ટ્રમાં અત્યારે આ થઈ રહ્યું છે. વિવાદ તો વ્યક્તિ વચ્ચે પણ હોય અને
ક્યારેક સંસ્થામાં પણ હોય પરંતુ તેનો ઉકેલ સત્વરે આવે તે સૌની નિસબત હોવી જોઈએ.
રાજકોટના
પુર્વ કોર્પોરેટર અને પાટીદાર આગેવાન જયંતી સરધારા પર બે દિવસ પહેલાં હુમલો થયો અને
પોલીસમાં ફરિયાદ નોંધાઈ હત્યાના પ્રયાસની. ઘટના ત્યાં સુધી સામાન્ય હતી. જાહેરજીવનમાં
રહેલા વ્યક્તિ પર હુમલો થાય તે બાબત સનસનાટી ભરી નહોતી. પરંતુ તેમણે નિવેદન એવું કર્યું
કે આ હુમલો ખોડલધામના પ્રણેતા નરેશ પટેલના કહેવાથી થયો છે. વિવાદ ત્યાંથી શરુ થયો.
એક પોલીસ ઈન્સપેક્ટર પર પણ ગંભીર આક્ષેપ થયા અને બુધવારે સાંજે તેઓ સસ્પેન્ડ થયા. આ
ઘટના પણ ઈચ્છનીય તો નથી જ પરંતુ સૌથી ઉલ્લેખનીય બાબત છે બનાવ દરમિયાન અને તે પછી થયેલા
નિવેદનો, આક્ષેપો.
જેમના
પર હુમલો થયો તે જયંતી સરધારા લેઉવા પટેલ સમાજની સંસ્થા ખોડલધામ સાથે પણ સંકળાયેલા
છે અને સમસ્ત પાટીદાર સમાજ દ્વારા સ્થાપિત અને સંચાલિત સરદારધામના ઉપપ્રમુખ છે. ઝઘડો
એ છે કે સરધારા ખોડલધામ માટે કરવું જોઈએ તેના કરતાં વધારે કામ સરદારધામ માટે કરે છે.
આ વિવાદ પણ કદાચ લાંબા સમયથી ચાલતો હતો જ. હુમલો થતાં વિગતો પ્રકાશમાં આવી. ખોડલધામ,
કડવા પટેલોની સંસ્થા ઉમિયાધામ કે બન્નેની સંયુક્ત સંસ્થા સરદારધામ આ ત્રણેયનું સામાજિક
યોગદાન ઓછું નોધપાત્ર નથી. તેમના વિવિધ પ્રકલ્પ, વિશેષત: તેમના દ્વારા વિદ્યાર્થીઓ-યુવાનો
માટે થતી પ્રવૃત્તિ ઘણી પ્રેરક છે. તમામ સંસ્થા જ્યારે કોઈ આયોજન કરે ત્યારે તેના દૃષ્ટાંત
અપાય છે. અન્ય જ્ઞાતિઓ આ આયોજનોમાંથી ઘણી વાર કંઈક શીખતી હોય છે.
જે
વિવાદ બહાર આવ્યો છે તે વ્યક્તિગત વધારે અને સંસ્થાગત ઓછો હોય તેવું લાગે છે. જે સ્થિતિ
હોય તે પરંતુ બન્ને સંસ્થાઓએ મળીને ત્વરિત ઉકેલ લાવવો જરુરી છે. કારણ કે સંસ્થાઓ જાણીતી
જ નહીં હવે પ્રખ્યાત છે. અને આવી બાબતને લીધે તેની પ્રતિષ્ઠા પર અસર પડે. વર્ષોથી થતી
પ્રવૃત્તિ કે સેવા એકાદ ઘટનાને કારણે કલંકિત બને તે યોગ્ય નહીં. સંસ્થાના મોભીઓએ પોતાની
સમજ, કુનેહનો ઉપયોગ કરવાનો આ સમય છે.