નવીદિલ્હી, તા.8 : અમેરિકા સાથે વેપાર સંધિમાં ભારત આગામી પાંચ વર્ષમાં અમેરિકાથી 500 અબજ ડોલરની ખરીદી કરવા સહમત થયું હોવાના અહેવાલે ચર્ચા છેડી છે કે, શું ખરેખર ભારત આટલી મોટી ખરીદશક્તિ ધરાવે છે ? આ બારામાં હવે વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું છે કે, ભારત માટે આગામી પાંચ વર્ષમાં અમેરિકા પાસેથી 500 અબજ ડોલરની ચીજવસ્તુઓ ખરીદવી કોઈ મુશ્કેલ કામ નથી. આ આંકડાને ખૂબ નાનો ગણાવતા તેમણે કહ્યું હતું કે, ભારતની ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાને જોતાં આયાતની જરૂરિયાત આના કરતા ઘણી વધારે હોઈ શકે છે. ગોયલના જણાવ્યા અનુસાર, ભારતની કુલ આયાત માંગ આગામી પાંચ વર્ષમાં લગભગ 2 ટ્રિલિયન ડોલર સુધી પહોંચશે, જે યુએસ કંપનીઓ માટે વિશાળ તકો ખોલશે, જો તેઓ સ્પર્ધાત્મક રહેશે.
ગોયલે જણાવ્યું હતું કે ભારત
પહેલેથી જ વિશ્વભરમાંથી આશરે 300 અબજ ડોલરની ચીજવસ્તુઓની આયાત કરી રહ્યું છે, જે અમેરિકાથી
પણ મેળવી શકાય છે. આવનારા વર્ષોમાં આ આયાત 2 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી શકે છે. ભારતમાં
માગની કોઈ અછત નથી પરંતુ વિદેશી કંપનીઓએ કિંમત અને ગુણવત્તાની દૃષ્ટિએ સ્પર્ધાત્મક
બનવું પડશે. ઝડપથી વધી રહેલો વપરાશ, માળખાગત
સુવિધાઓ અને ઉદ્યોગોનું વિસ્તરણ આયાતને નવી ઊંચાઈઓ પર લઈ જશે.
ગોયલે કહ્યું કે, ભારત દર વર્ષે
અમેરિકાથી લગભગ 45થી 50 અબજ ડોલરના માલની આયાત કરે છે. આ આયાત મુખ્યત્વે એવા વિસ્તારોમાં
થાય છે જ્યાં સ્થાનિક ઉત્પાદન મર્યાદિત હોય છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે, 500 અબજ
ડોલરના લક્ષ્યાંકમાં હાલની આયાતને પણ આવરી લેવામાં આવી છે અને તે કોઈ નવી કે અસામાન્ય
બાબત નથી, પરંતુ પહેલેથી જ ચાલી રહેલી પ્રક્રિયાનું વિસ્તરણ છે.
વાણિજ્ય મંત્રીએ જણાવ્યું હતું
કે, ભારત માટે ઉડ્ડયન ક્ષેત્ર આગામી વર્ષોમાં સૌથી મોટું આયાતવર્ધક બનશે. ભારતને નવા વિમાનો, તેના એન્જિન અને સ્પેરપાર્ટ્સની
સખત જરૂર છે. ભારતે પહેલેથી જ માત્ર બોઇંગ પાસેથી આશરે 50 અબજ ડોલરના વિમાનોના ઓર્ડર
આપેલા છે અને એન્જિન માટે અલગ ઓર્ડર. આગામી પાંચ વર્ષમાં ઉડ્ડયન ક્ષેત્રમાં કુલ ઓર્ડર
80થી 90 અબજ ડોલર સુધી પહોંચી શકે છે અને આ આંકડો 100 અબજ ડોલરથી પણ વધુ થઈ શકે છે.
સ્ટીલ ઉદ્યોગના ઝડપી વિસ્તરણ
તરફ ધ્યાન દોરતા ગોયલે જણાવ્યું હતું કે જ્યારે ભારતનું સ્ટીલ ઉત્પાદન 30 કરોડ ટન સુધી
પહોંચશે ત્યારે દર વર્ષે આશરે 30 અબજ ડોલરના કોલસાની જરૂર પડશે. તેમણે એમ પણ કહ્યું
હતું કે, કોલસા અને અન્ય કાચા માલની આયાત નવી નથી અને અગાઉની સરકારોના સમયથી આ પ્રક્રિયા
ચાલી રહી છે. ટેકનોલોજી, એઆઇ અને 30 ટ્રિલિયન ડોલરનું સપનું વપરાશ સાથે ઝડપથી આગળ વધી
રહ્યું હોવાથી, ભારતને અદ્યતન ટેકનોલોજી અને મશીનરીની પણ ખૂબ જ જરૂર પડશે. ડેટા સેન્ટર્સ,
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્વોન્ટમ કમ્પ્યાટિંગ અને ક્રિટિકલ મેન્યુફેક્ચારિંગનો ઉલ્લેખ
કરતા ગોયલે જણાવ્યું હતું કે આ ક્ષેત્રોમાં ઉચ્ચ ગુણવત્તાની મશીનરી, આઇસીટી ઉત્પાદનો
અને એનવીડીયા જેવી અદ્યતન ચિપ્સની માગમાં વધારો થશે. અમેરિકાને આ ટેકનોલોજીમાં વૈશ્વિક
નેતા ગણાવતા તેમણે કહ્યું કે ભારત માટે 500 અબજ ડોલરની આયાતનું લક્ષ્ય ખૂબ ઓછું છે,
જેનું લક્ષ્ય 30 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવાનું છે.