સુરક્ષાથી સેમિકન્ડક્ટર સુધી બન્ને દેશ સાથે મળી કામ કરશે
કુઆલાલમ્પુર,
તા.8 : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મલેશિયા મુલાકાત અંગે વિદેશ મંત્રાલયે કુઆલાલમ્પુરમાં
એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. દરમિયાન વિદેશ મંત્રાલયના સચિવ પી. કુમારને
જણાવ્યું હતું કે આ મુલાકાત મહત્ત્વપૂર્ણ છે કારણ કે આ 2015 માં પ્રધાનમંત્રીની છેલ્લી
મલેશિયાની સત્તાવાર મુલાકાતના લગભગ એક દાયકા પછી આવી રહી છે.
તેમણે
વધુમાં કહ્યું કે બંને પ્રધાનમંત્રીઓએ વેપાર, રોકાણ, સંરક્ષણ, સુરક્ષા, સેમિકન્ડક્ટર,
ડિજીટલ ટેકનોલોજી, નાણાકીય ટેકનોલોજી, સંસ્કૃતિ, પર્યટન અને લોકો-થી-લોકોનાં આદાન-પ્રદાન
સહિત અમારી ભાગીદારીના સંપૂર્ણ સ્પેક્ટ્રમમાં દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરી.
ભારત
અને મલેશિયા વચ્ચેના મુખ્ય કરારોમાં ઓડિયો-વિઝ્યુઅલ સહ-ઉત્પાદન કરાર, આપત્તિ વ્યવસ્થાપનમાં
સહયોગ, ભ્રષ્ટાચાર સામે લડવા અને અટકાવવામાં સહયોગ, સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષામાં
સહયોગ, સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં સહયોગ અંગે નોંધોનું આદાનપ્રદાન, આંતરરાષ્ટ્રીય બિગ
કેટ્સ એલાયન્સ પર ફ્રેમવર્ક, ભારતના કર્મચારી રાજ્ય વીમા નિગમ અને મલેશિયાના સામાજિક
સુરક્ષા વચ્ચે વીમાધારક વ્યક્તિઓ તરીકે સામાજિક સુરક્ષા કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ
પર સહકાર, વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમમાં સહયોગ, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ વચ્ચે સુરક્ષા
સહયોગ પર નોંધોનું આદાનપ્રદાન, આરોગ્ય અને તબીબી ક્ષેત્રમાં સહયોગ પર નોંધોનું આદાનપ્રદાન
વગેરે સામેલ છે.
આતંકવાદ
પર બેવડાં ધોરણો નહીં : મોદી
ક્વાલાલામ્પુર,
તા. 8 : મલેશિયા પ્રવાસના બીજા દિવસે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ. મલેશિયાના
વડાપ્રધાન અનવર ઇબ્રાહિમ સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. આ ચર્ચા દરમ્યાન મોદીએ કહ્યું
હતું કે, આતંકવાદ પર ભારતનું વલણ સાવ સ્પષ્ટ છે. અમારા કોઇ બેવડા માપદંડ નથી. કોઇ જાતની બાંધછોડ નથી. ભારત અને મલેશિયા
સાથે મળીને આતંવાદ વિરુદ્ધ કામ કરશે, તેવું કહેતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, તમિળ
ભાષા પ્રત્યે સહિયારો પ્રેમ બન્ને દેશને જોડે છે. મને પૂરો વિશ્વાસ છે કે, આજે થયેલી
દૃશ્ય-શ્રાવ્ય સમજૂતી સાથે ફિલ્મો અને સંગીત આપણા દિલોને વધુ નિકટ લાવશે તેવું બોલતા
મોદીએ મલેશિયાના વડાપ્રધાનને પોતાના મિત્ર લેખાવ્યા હતા. વડાપ્રધાન મોદીએ 10માં ભારત-મલેશિયા
સીઇઅઓ ફોરમ દરમ્યાન રવિવારે મલેશિયાના ચાર મુખ્ય ઉદ્યોગપતિ સાથે વાતચીત કરી હતી.