• સોમવાર, 09 ફેબ્રુઆરી, 2026

ઈસ્લામ શાંતિનો ધર્મ કહેવાય છે પણ શાંતિ દેખાતી નથી : ભાગવત

સંઘના વડાએ કહ્યું, આપણને વાસ્તવિક ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મની જરૂર : સાવરકરને ભારતરત્ન અપાય તો સન્માનની પ્રતિષ્ઠા વધશે

મુંબઈ, તા.8 : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે રવિવારે યુનિફોર્મ સિવિલ કોડ- સમાન નાગરિક સંહિતા (યુસીસી) અંગે મોટું નિવેદન આપતાં કહ્યું હતું કે, યુસીસીની રચના દરેકને વિશ્વાસમાં લઈને થવી જોઈએ અને તેનાથી મતભેદ પેદા ન થવો જોઈએ.  તેમણે આગળ કહ્યું કે, ઇસ્લામને શાંતિનો ધર્મ કહેવામાં આવે છે, પરંતુ શાંતિ દેખાતી નથી. જો ધર્મમાં આધ્યાત્મિકતા ન હોય, તો તે પ્રભુત્વશાળી અને આક્રમક બની જાય છે. આજે ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મમાં જે જોવા મળી રહ્યું છે તે ઈસુ ખ્રિસ્ત અને મોહમ્મદ પયગંબરના ઉપદેશો અનુસાર નથી.  આપણને વાસ્તવિક ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મની જરૂર છે.

મોહન ભાગવત મુંબઈમાં આરએસએસના શતાબ્દી વર્ષ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. જ્યાં તેમણે સવાલ કરવામાં આવ્યો તો કે, શું ભાજપ સત્તામાં આવ્યા પછી સંઘના સારા દિવસો આવ્યા ? મોહન ભાગવતે કહ્યું, તે વિપરીત છે. આર.એસ.એસ. માટે સારા દિવસો ભાજપને કારણે નથી આવ્યા, પરંતુ સ્થિતિ તેનાથી સાવ વિપરીત હતી. અમે રામ મંદિર બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. જેમણે અમારું સમર્થન કર્યું છે તેમને ફાયદો થયો છે. આર.એસ.એસ. માટે અચ્છે દિન સ્વયંસેવકોની સખત મહેનત અને વૈચારિક નીતિઓ પ્રત્યેની પ્રતિબદ્ધતાને કારણે આવ્યા છે જ્યારે જરૂર પડે ત્યારે આરએસએસ સલાહ આપે છે. 

ભાગવતને પૂછવામાં આવ્યું હતું કે, ડાબેરીઓનો જનાધાર 100 વર્ષમાં કેમ વધ્યો નથી.  જેના જવાબમાં ભાગવતે કહ્યું કે જો તેઓ માગે તો સંઘ તેમને માર્ગદર્શન આપી શકે છે.

આ ઉપરાંત હિંદુત્વના વિચારક વીર સાવરકરને ભારત રત્ન આપવાની લાંબા સમયથી ચાલી રહેલી માગ પર ભાગવતે કહ્યું કે, જો સાવરકરને આ સન્માન આપવામાં આવશે તો તેનાથી સન્માનની પ્રતિષ્ઠા વધુ વધશે.

મોહન ભાગવતે કહ્યું હતું કે, દરેકને વિશ્વાસમાં લઈને યુસીસીની રચના થવી જોઈએ. કોઈ મતભેદ ન હોવો જોઈએ. ઉત્તરાખંડમાં ત્રણ લાખ સૂચન પ્રાપ્ત થયાં હતાં અને તમામ હિતધારકો સાથે ચર્ચા કર્યા બાદ આ કાયદો પસાર કરવામાં આવ્યો હતો. એક અન્ય સવાલના જવાબમાં આર.એસ.એસ. પ્રમુખે કહ્યું કે કોઈ બહુમતી કે લઘુમતી (સમુદાય) નથી આપણે બધા એક સમાજ છીએ. 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ઊંઝામાંથી ત્રણ કરોડના જીરૂની ચોરીમાં હાઇ કોર્ટનો વકીલ સૂત્રધાર February 09, Mon, 2026