• સોમવાર, 09 ફેબ્રુઆરી, 2026

સોમનાથ મંદિર પરિસર અને પ્રભાસપાટણ ગામ વચ્ચે સંપર્ક તૂટયો

યાત્રાળુઓનો ગામમાં પ્રવેશ અટકી જતાં સ્થાનિક વેપાર - પરંપરાગત ધંધાઓ પર સીધી અસર

 

વેરાવળ, તા.8 : સોમનાથ મંદિરના દિગ્વિજય દ્વાર તેમજ મહારાણી અહલ્યાબાઈ હોલ્કર નિર્મિત જૂના સોમનાથ મંદિર સાથે પ્રભાસ પાટણ ગામને જોડતા સદીઓ જૂના જાહેર રસ્તાઓને સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા કોઈ પ્રકારની આગોતરી જાણ કે સૂચના વિના રાતોરાત સિમેન્ટની દીવાલો અને આડશો ઉભી કરી બંધ કરી દેવાતા સમગ્ર પ્રભાસ પાટણ ગામમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ મામલે પ્રભાસ પાટણ ગામના નાગરિકોનું પ્રતિનિધિત્વ કરતી પ્રભાસ હિત રક્ષક સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન આપી મંદિર ટ્રસ્ટ દ્વારા મનસ્વી રીતે બંધ કરાયેલા બન્ને રસ્તાઓ તાત્કાલિક ખુલ્લા કરાવવા માગ કરવામાં આવી છે.

પ્રભાસ હિત રક્ષક સમિતિના પ્રમુખ હેમલચંદ્ર ભટ્ટ, ઉપપ્રમુખ બાલાભાઈ શામળા સહિતના આગેવાનોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે, પ્રભાસ પાટણ ગામ સદીઓથી વસેલું છે અને ચારથી પાંચ પેઢીથી ગ્રામજનો અહીં વસવાટ કરે છે જ્યારે ગામ વસ્યું ત્યારે સોમનાથ મંદિર જર્જરિત અવસ્થામાં હતું અને અહલ્યાબાઈ હોલ્કર દ્વારા નિર્મિત જૂનું મંદિર હાજર હતું. તે સમયથી પ્રભાસ પાટણ ગામની મુખ્ય બજારથી દિગ્વિજય દ્વાર સુધીનો ખુલ્લો રસ્તો ગ્રામજનો તથા યાત્રાળુઓ માટે જીવનરેખા સમાન રહ્યો છે. આ રસ્તાઓ માત્ર અવરજવર માટે નહોતા પરંતુ પ્રભાસ પાટણ ગામ માટે ધોરીનસ સમાન હતા.

ગ્રામજનો માટે આ રસ્તાઓ ધાર્મિક આસ્થા, સામાજિક સંસ્કાર, આર્થિક પ્રવૃત્તિ અને આપત્તિ સમયે જીવ બચાવવાના માર્ગ રહ્યા છે. ભગવાન શ્રી સોમનાથજીના નિયમિત દર્શન, અંતિમ યાત્રા સમયે ધ્વજાજીના દર્શન, તાત્કાલિક સારવાર માટે એમ્બ્યુલન્સ તથા આગના બનાવોમાં ફાયર ફાઇટર પહોંચાડવા માટે આ રસ્તાઓ અનિવાર્ય રહ્યા છે પરંતુ કોઈ આગોતરી જાણ, જાહેરનામું કે વૈકલ્પિક વ્યવસ્થા વિના ટ્રસ્ટ દ્વારા આ રસ્તાઓ બંધ કરાતા પ્રભાસ પાટણ ગામ અને સોમનાથ મંદિર પરિસર વચ્ચે જાણે દીવાલ ઊભી કરી દેવામાં આવી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પરિણામે યાત્રાળુઓનો ગામમાં પ્રવેશ અટકી ગયો છે, જેનાં કારણે સ્થાનિક વેપાર, હોટલ, રેસ્ટોરન્ટ, વણાટકામ, દરજીકામ જેવા પરંપરાગત ધંધાઓ પર સીધી અસર પડી છે.

સિટી સર્વે રેકોર્ડ અનુસાર 1922થી 1926 દરમિયાનથી આ રસ્તાઓ સરકારી જાહેર રસ્તા તરીકે અસ્તિત્વમાં છે અને 100 વર્ષથી વધુ સમયથી જાહેર ઉપયોગમાં છે. ઇન્ડિયન ઇઝમેન્ટ એક્ટ મુજબ ગ્રામજનોના કાયદેસર ઇઝમેન્ટ રાઇટ હોવા છતાં તે અધિકારો રાતોરાત છીનવી લેવામાં આવ્યા છે. ઉપરાંત પ્રભાસ પાટણ વેરાવળ-પાટણ સંયુક્ત પાલિકાની હદમાં આવતું હોવા છતાં નગરપાલિકાની કોઈ મંજૂરી કે જાહેર પ્રક્રિયા વગર રસ્તા બંધ કરાયા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.

ગ્રામજનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક રસ્તાઓ ખુલ્લા નહીં કરાય તો આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે. આ ઘટના માત્ર રસ્તા બંધ કરવાની નથી પરંતુ પ્રભાસ પાટણના નાગરિક અધિકારો, ધાર્મિક આસ્થા અને માનવ સુરક્ષાના મૂળભૂત પ્રશ્નને લઈને ઊભી થયેલી ગંભીર ચેતવણી છે.

આ મામલે જિલ્લા કલેક્ટર એન. વી. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, પ્રભાસ હિત રક્ષક સમિતિની રજૂઆત મામલે તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ સોમનાથ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયાસિંહ ચાવડાએ આ મુદ્દે મીડિયા સમક્ષ કંઈપણ બોલવા ઇનકાર કર્યો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ઊંઝામાંથી ત્રણ કરોડના જીરૂની ચોરીમાં હાઇ કોર્ટનો વકીલ સૂત્રધાર February 09, Mon, 2026