કોલકતા, તા.3 : ટી-20 વિશ્વ કપના પ્રથમ સેમિ ફાઇનલમાં અહીંના ઇડન ગાર્ડન સ્ટેડિયમ પર દ. આફ્રિકા અને ન્યુઝીલેન્ડ ટીમ આમને-સામને હશે ત્યારે બે અલગ અલગ એપ્રોચની ટીમ વચ્ચે ટક્કર જોવા મળશે. ન્યુઝીલેન્ડ ટીમની ખાસિયત એ છે કે તે દબાણમાં રસ્તો કાઢી આગળ વધે છે. આ સામે દ. આફ્રિકા ટીમ આઇસીસી ટૂર્નામેન્ટમાં વારંવાર ચોકર્સ સાબિત થઈ છે. તે દબાણમાં વિખેરાઈ જાય છે. જો કે આફ્રિકા ટીમે આ લેબલ ગયા વર્ષે દૂર કર્યું છે. આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં મજબૂત ઓસ્ટ્રેલિયાને હાર આપી બે દશક પછી આઇસીસી ખિતાબ કબજે કર્યો હતો. હવે ટી-20 વર્લ્ડ કપના ફાઇનલમાં પહોંચવા માટે એડન માર્કરમની ટીમે તેનું હાલનું શાનદાર ફોર્મ જાળવી રાખી કિવિઝ ટીમ પર હાવી થવું પડશે.
પ્રોટિયાજ
(આફ્રિકી ટીમ) વર્તમાન વર્લ્ડ કપમાં સૌથી સારો દેખાવ કરવામાં સફળ રહી છે. ખરા અર્થમાં
આફ્રિકી ટીમ બ્રાંડ ક્રિકેટ રમી છે. જેમાં ટોપ ઓર્ડરમાં ડિસિપ્લિન્ડ અને ફાસ્ટ બોલિંગમાં
સમજદાર આક્રમકતાનો સમન્વય કર્યો છે. તેની આ રણનીતિ સફળ રહી છે અને અહીં સુધી અપરાજિત
રહી પહોંચી છે. દરેક મેચમાં માર્કરમની ટીમનો એપ્રોચ ઢીલો-પોચો નહીં, પ્રભાવશાળી રહ્યો
છે. જે આ ટૂર્નામેન્ટમાં ભારત-ઇંગ્લેન્ડ સહિતની અન્ય કોઇ ટીમ કરી શકી નથી.
બીજી
તરફ બ્લેક કેપ (ન્યુઝીલેન્ડ) ટીમે ચૂપચાપ અને મજબૂત અભિયાન સાથે સેમિ ફાઇનલમાં જગ્યા
બનાવી છે. મિચેલ સેંટનરની ટીમ ગેમ એવરનેસ પર વધુ ભરોસો કરી રહી છે. આ ટીમ ક્યારે પણ
ગભરાતી નથી. નોકઆઉટ મેચમાં આ મિજાજ મહત્ત્વનો બની રહે છે. સુપર-8 રાઉન્ડના નિર્ણાયક
મેચમાં વિજય નજીક પહોંચી કિવિઝ ટીમ ઇંગ્લેન્ડ સામે હારી હતી. આથી તેનો સેમિ ફાઇનલ પ્રવેશ
મઝધારમાં ફસાયો હતો. અંતમાં પાક.ની શ્રીલંકા સામે પ રનની જીત પછીના સમીકરણ તેના પક્ષમાં
રહ્યા અને અંતિમ-4માં જગ્યા બનાવી હતી. કિવિઝ ટીમ હવે આ મોકાનો લાભ લેવા વધુ એક ચોંકાવનારો
દેખાવ કરવા ઉત્સુક છે.
ઇડન
ગાર્ડનની પીચ પર પહેલાની જેમ બાઉન્સ અને શોર્ટને વેલ્યૂ મળે છે. પાવરપ્લેમાં સચોટ ઝડપી
બોલિંગને પણ ઇનામ મળે છે. સાંજના સમયે ઝાકળની ભૂમિકા મહત્ત્વપૂર્ણ બને છે. અહીં ટોસ
જીતનાર ટીમ પહેલા બોલિંગ પસંદ કરે છે. જો કે આફ્રિકા અને ન્યુઝીલેન્ડ ટીમની રણનીતિ
આ મામલે એકસમાન છે. તેઓ ટોસ જીતવાની સ્થિતિમાં બેટિંગ કરી બાદમાં લક્ષ્યનો બચાવ કરવાનું
પસંદ કરી શકે છે.
કોઈપણ
સેમિ ફાઇનલ મુકાબલામાં કૌશલની સાથે કિસ્મતની જરૂર પડે છે. ટી-20 ફોર્મેટમાં ખાસ કારણ
કે આ ફોર્મેટમાં એક ઓવર કે એક વિકેટમાં ચિત્ર ફરી જતાં વાર લાગતી નથી. આથી આફ્રિકા-ન્યુઝીલેન્ડની
હાર-જીત તેમની આવડત સાથે નસીબ પણ નક્કી કરશે.