સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ઓઇલ ટેન્કરોનો જામ : 700 જહાજ અટવાયાં
માર્ચની
શરૂઆતથી જ હોર્મુઝમાંથી જહાજોનું પરિવહન ધીમું : ઈરાનની હુમલા કરવાની ધમકી પછી હોર્મુઝમાંથી
ઓઇલ અને માલ પરિવહન ઠપ
નવીદિલ્હી,
તા.3 : અમેરિકા સામેનાં યુદ્ધમાં ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બંધ કરી નાખતાં દુનિયામાં
ક્રૂડ ઓઇલની ભયંકર અછત સર્જાવાનો તખ્તો ગોઠવાઈ ગયો છે. આ યુદ્ધ પહેલા માર્ચની શરૂઆતથી
જ હોર્મુઝમાં ઓઇલ ટેન્કરોનું આવાગમન 80 ટકા જેટલું ઘટી ગયું હતું. હવે જ્યારે આ સામુદ્રધુનીને
બંધ કરી નાખવામાં આવી છે ત્યારે આ જળમાર્ગમાં સેંકડો ઓઇલ ટેન્કરોનાં થપ્પા લાગી ગયા
છે અને ટ્રાફિક જામ જેવી
હાલત
છે.
પ્રાપ્ત
અહેવાલો અનુસાર 1 માર્ચે માત્ર ત્રણ ઓઇલ ટેન્કર જ હોર્મુઝમાંથી પસાર થયા હતા. તેમાં
28 લાખ બેરલ ઓઇલ હતું. 2 માર્ચે માત્ર એક નાનું ટેન્કર અને એક નાનું કાર્ગો જહાજ ત્યાંથી
પસાર થયેલા. જાણકારી અનુસાર અત્યારે આશરે 706 જેટલા બિન ઈરાની ટેન્કર સ્ટ્રેટની બન્ને
બાજુ ફસાયેલા છે. આમાંથી 334 ટેન્કરમાં ક્રૂડ ઓઇલનું પરિવહન થાય છે જ્યારે 109 ડર્ટી
પ્રોડક્ટ અને 263 ક્લીન પ્રોડક્ટનાં ટેન્કરો છે.
ઊર્જા
વિશ્લેષણ કંપની રિસ્ટેડ એનર્જીએ કહ્યું છે કે, પ્રતિદિન આશરે 1.પ કરોડ બેરલ એટલે કે
વૈશ્વિક પુરવઠાનું આશરે 20 ટકા ઓઇલ હોર્મુઝમાંથી પસાર થતું હોય છે. આ ઓઇલ માર્ગ વિશ્વનો
સૌથી મહત્ત્વનો ચેક પોઇન્ટ કે સાંકડો વ્યૂહાત્મક માર્ગ છે. હોર્મુઝના ઉત્તરમાં ઈરાન છે અને સાઉદી
અરબ, કુવૈત, ઈરાક, કતાર, બહેરીન, યુએઇ અને ઈરાનનું ઓઇલ અને ગેસ નિકાસ ત્યાંથી જ થાય
છે.
હોર્મુઝમાંથી
હવે કોઈપણ જહાજ પસાર થાય તો હુમલા કરવાની ઈરાનની ધમકી બાદ પશ્ચિમ એશિયાના દેશોમાંથી
વિશ્વના અન્ય ભાગોમાં ઓઇલની આપૂર્તિ ધીમી કે ઠપ થઈ શકે છે.
જેની
સીધી વિપરિત અસર ભારતને પણ થવાની છે. પેટ્રોલિયમ મંત્રાલયે કહ્યું છે કે, સ્થિતિ ઉપર
તેની ચાંપતી નજર છે અને ઊર્જાની ઉપલબ્ધતા અને વાજબી ભાવ સુનિશ્ચિત કરવા માટે આવશ્યક
તમામ પગલાં લેવામાં આવશે. ભારત પાસે વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડાર 74 દિવસ માટે છે.