• બુધવાર, 04 માર્ચ, 2026

શું વડાપ્રધાન કોઈ દેશનાં રાષ્ટ્રાધ્યક્ષની હત્યાને સમર્થન કરે છે? : રાહુલ ગાંધી

ઈરાન યુદ્ધ મુદ્દે ભારત સરકારનાં મૌન સામે કોંગ્રેસનાં નેતાનો સણસણતો સવાલ

નવી દિલ્હી, તા.3: ઈરાનમાં અમેરિકા અને ઈઝરાયલનાં આક્રમણમાં અયાતુલ્લા અલી ખામેનીનાં મૃત્યુ મુદ્દે ભારત સરકારનાં મૌન મુદ્દે વિપક્ષે આક્રમકતા અખત્યાર કરી લીધી છે. લોકસભામાં વિપક્ષનાં નેતા અને કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ પણ હવે આ મુદ્દે કેન્દ્ર સરકારને ખામેનીની હત્યા મુદ્દે વલણને નૈતિક રૂપે સ્પષ્ટ કરવા કહીને સરકારનાં મૌન સામે પ્રશ્ન ઉઠાવ્યો છે.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જવાબ આપવો જોઈએ કે શું તેઓ કોઈ રાષ્ટ્રાધ્યક્ષની હત્યાનું સમર્થન કરે છે? ભારત સરકાર અને વડાપ્રધાનનાં મૌનગથી દુનિયાભરમાં ભારતની શાખ ગબડી રહી છે.

રાહુલે સોશિયલ મીડિયામાં એક પોસ્ટમાં લખ્યું હતું કે, અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતી શત્રુતા એક સંવેદનશીલ ક્ષેત્રને વ્યાપક ઘર્ષણમાં ધકેલી રહી છે. આશરે એકાદ કરોડ ભારતીયો સહિત કરોડો લોકો અનિશ્ચિતતામાં ઘેરાઈ ગયા છે. સુરક્ષા સંબંધિત ચિંતાઓ વાસ્તવિક છે અને સંપ્રભુતાનું ઉલ્લંઘન કરતાં હુમલા સંકટને ઓર વધારશે. ઈરાન ઉપર એકતરફ હુમલાની સાથોસાથ અન્ય પશ્ચિમ એશિયાઈ દેશો ઉપર ઈરાનનાં હુમલાની નિંદા થવી જોઈએ. હિંસામાંથી હિંસા જ પેદા થાય છે. સંવાદ અને સંયમ જ શાંતિનો એકમાત્ર માર્ગ છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક