• બુધવાર, 04 માર્ચ, 2026

પહલગામ આતંકી હુમલાના તાર ચીન તરફ ફંટાયા

આતંકીઓએ ઉપયોગમાં લીધેલો ગોપ્રો કેમેરો ચીનથી મગાવ્યો હતો, પહેલો યુઝર પણ ચીનનો : NIAએ ચીન પાસે મદદ માગી

 

નવી દિલ્હી, તા. 3 : રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)એ 22 એપ્રિલ 2025ના થયેલા ઘાતક આતંકવાદી હુમલાની તપાસને આગળ વધારવા માટે ચીન પાસેથી ન્યાયીક સહાય માગી છે. આ હુમલામાં એક નેપાળી નાગરિક સહિત 26 પર્યટકોએ જીવ ગુમાવ્યો હતો. તપાસ એજન્સી હુમલાની સાજીશ સાથે જોડાયેલા ગોપ્રો કેમેરાના ખરીદદાર અને અંતિમ યુઝરની શોધ કરવાની કોશિશ કરી રહી છે.

તપાસ દરમિયાન એનઆઈએને ગોપ્રો કેમેરા સહિત ઘણા ઈલેક્ટ્રોનિક ઉપકરણ મળ્યા હતા. આ કેમેરો આતંકીઓ દ્વારા હુમલા પહેલા રેકી, ગતિવિધિની પેટર્ન અને ઓપરેશનલ તૈયારી માટે સ્થાપિત કરવા મુદ્દે મહત્ત્વનો પુરાવો માનવામાં આવે છે. આ મામલે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા હેઠળ મોકલવામાં આવેલી નોટિસના જવાબમાં નિર્માતા કંપની ગોપ્રો બીવીએ કહ્યું હતું કે ડિવાઈસ ચીનની વિતરક કંપની એઈ ગ્રુપ ઈન્ટરનેશનલ લિમિટેડ દ્વારા સપ્લાઈ કરવામાં આવ્યો હતો. કેમેરો 30 જાન્યુઆરી 2024ના ચીનના ઔદ્યોગિક શહેર ડોંગગુઆનમાં એક્ટિવ કરવામાં આવ્યો હતો. કંપનીએ સ્પષ્ટ કહ્યું હતું કે તેની પાસે આગળની લેવડદેવડ કે ડિવાઈસના અંતિમ યુઝર અંગે કોઈ જાણકારી નથી. તેવામાં હવે કેમેરાનો પ્રારંભિક ઉપયોગ ચીનમાં થયો હોવાથી ત્યાંના અધિકારીઓની મદદ અનિવાર્ય છે. આ મામલે બીજી માર્ચે જમ્મુની વિશેષ અદાલતે એનઆઈએની અરજી સ્વીકારી હતી, જેમાં ચીનની ન્યાયીક  સહાય માગવાની મંજૂરી માગવામાં આવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક