• બુધવાર, 04 માર્ચ, 2026

ઉત્પાત પછી રક્તપાત

ઈરાનમાં અત્યાર સુધીમાં અમેરિકા અને ઈઝરાયલનાં હુમલાઓમાં 787 લોકોનાં મૃત્યુ :

ઈરાને ખાડી દેશોમાં અમેરિકાનાં હિતો ઉપરાંત ઓઈલની સુવિધાઓ ઉપર હુમલા વધાર્યા : સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી કોઈ જહાજ પસાર થાય તો હુમલો કરવાનો ધમકી : લેબનોનમાં ઈઝરાયલનો ભૂમિગત હુમલો શરૂ : ઈઝરાયલને ધણધણાવવાનું ચાલુ રાખતું ઈરાન

નવી દિલ્હી, તા.3: અમેરિકા, ઈઝરાયલ અને ઈરાનનું યુદ્ધ દિવસ અને કલાકો વધુને વધુ આક્રમક અને તીવ્ર બની રહ્યું છે. આ દરમિયાન આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી(આઈએઈએ) દ્વારા સેટેલાઈટ ઈમેજનાં આધારે ઈરાનનાં ભૂગર્ભ નતાંઝ અણુ મથકમાં ઈઝરાયલ અને અમેરિકાનાં હુમલાથી નુકસાન થયાને પુષ્ટિ આપવામાં આવી છે. આ અણુમથકનાં મુખ્ય પ્રવેશ પાસે સારુ એવું નુકસાન થયું હોવાનું કહેવાય છે. જો કે, આમાં રેડિએશનનો ખતરો હોવાનું હજી સુધી કહેવાયું નથી. અમેરિકા અને ઈઝરાયલનાં આ આક્રમણમાં ઈરાન લોહીલુહાણ થઈ ગયું છે. અત્યાર સુધીમાં ઈરાન ઉપર નોંધાયેલા હુમલાની સંખ્યા 1039 થઈ ગઈ છે. દેશનાં 153 શહેરોમાં અમેરિકા અને ઈઝરાયલે ખાનાખરાબી મચાવી છે. કુલ 504 જેટલા સ્થળોએ કરવામાં આવેલા આ હુમલામાં અત્યાર સુધીમાં 787 લોકોનાં મૃત્યુ થયા છે.

અમેરિકા અને ઈઝરાયલનાં આ હુમલા પછી વીફરેલા ઈરાને કરો યા મરોની લડાઈ હોય તેવી રીતે ઈઝરાયલ અને ખાડી દેશોમાં અમેરિકી દળો અને હિતોને નિશાન બનાવીને ધાણીફૂટ હુમલાઓ ચાલુ રાખ્યા છે. બીજીબાજુ ઈઝરાયલે હવે લેબનોનમાં આક્રમણની તીવ્રતા વધારી દીધી છે. જેમાં લેબનોનનાં દક્ષિણી વિસ્તારોમાં ઈઝરાયલે ભૂમિગત અભિયાન પણ શરૂ કરી દીધું છે.

સાઉદી પ્રશાસન તરફથી રિયાદમાં અમેરિકી દૂતાવાસ ઉપર બે ડ્રોનથી હુમલો થયો હોવાનું જણાવવામાં આવ્યું છે.

આ હુમલામાં દૂતાવાસની ઈમારતમાં સામાન્ય નુકસાન અને આગ પણ લાગી હતી.

ઈરાન તરફથી ચાલુ થયેલી સજ્જડ જવાબી કાર્યવાહીનાં પગલે અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વધુ ભડકેલા છે. તેમણે આજે કહ્યું હતું કે, ઈરાનમાં આ કાર્યવાહી ચારેક સપ્તાહ સુધી ચાલી શકે છે. તેમણે આગળ કહ્યું હતું કે, તેહરાનની મિસાઈલ અને પરમાણુ ક્ષમતાઓને નષ્ટ કરવા માટે અમેરિકા જે કરવું પડશે તે કરશે.

ઈરાને ખાડી દેશોમાં ક્રૂડ ઓઈલનાં માળખાઓને નિશાન બનાવવા માંડયા છે. જેને પગલે દુનિયામાં ઓઈલ અને ગેસનાં ભાવમાં આગ લાગી ગઈ છે. કતારની શાસન હસ્તકની પેટ્રોલિયમ કંપનીની બે રિફાઈનરી ઉપર હુમલા થયા બાદ કંપનીનું એલએનજી ઉત્પાદન અટકાવી દેવામાં આવ્યું છે.

આ સીવાય ઈરાનની સેના રિવોલ્યુશ્નરી ગાર્ડે જ્યાંથી દુનિયાનાં પાંચમાં ભાગનું ઓઈલ પરિવહન થાય છે તેવી સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો માર્ગ બંધ કરી દીધો છે. જેને પગલે ત્યાં ટેન્કરોનો જામ લાગી ગયો છે. ઈરાને ધમકી આપી છે કે, હોર્મુઝમાંથી કોઈપણ જહાજ પસાર થવાનો પ્રયાસ કરશે તો તેનાં ઉપર હુમલો કરવામાં આવશે.

ઈઝરાયલે ખાડી દેશો ઉપર ઈઝરાયલમાં પણ હુમલાનો સિલસિલો ચાલુ રાખ્યો છે. પશ્ચિમ યેરુસલેમ, તેલ અવીવ અને ઈલાટમાં ઈઝરાયલની વાયુરક્ષા પ્રણાલીએ મિસાઈલનાં હુમલાને આંતરીને વિફળ બનાવ્યા હોવાનું પણ જાણવા મળે છે. ઈઝરાયલમાં અત્યાર સુધીમાં ઈરાનનાં તાબડતોબ હુમલામાં 10 જેટલા લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે.

યુએઈનાં સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, તેમનાં દેશ તરફ 186 મિસાઈલ ઈરાને દાગી હતી અને તેમાંથી 172ને નષ્ટ કરી નાખવામાં આવી હતી. એક મિસાઈલ તેની હદમાં ખાબકી હતી. આ સીવાય ઈરાને 812 ડ્રોન દાગ્યા હતાં અને તેમાંથી 755ને આંતરી લેવામાં આવ્યા હતાં.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક