યુદ્ધ લાંબું ખેંચાશે તો આયાત-નિકાસ ખોરવાતાં સ્થિતિ ડામાડોળ થવાની ગુજરાતના વેપારીઓમાં ભીતિ : કન્ટેઇનરોના ભાડાં વધી ગયા
રાજકોટ,
અમદાવાદ, સુરત, તા.3 (ફૂલછાબ ન્યૂઝ) : ઈરાન પર ઇઝરાયેલ અને અમેરિકા દ્વારા કરાઈ રહેલા
હુમલાથી વૈશ્વિક સ્તરે વેપારમાં અસ્થિરતાની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. પશ્ચિમ એશિયામાં
યુદ્ધથી ગુજરાત સહિત દેશ અને વિદેશના વેપાર-ઉદ્યોગને કમરતોડ ફટકો પડશે તેવું નિષ્ણાતો
માને છે. ભારતની કુલ નિકાસમાં ગુજરાતનું યોગદાન સૌથી વધુ છે. 40 ટકા જેટલો માલ ગુજરાતના
બંદરો દ્વારા નિકાસ થાય છે.
આયાત-નિકાસ
ખોરવાશે અને કાચા માલની અછત વર્તાશે, એકંદરે સ્થિતિ ડામાડોળ થવાની દહેશતથી વેપારીઓમાં
હાલ ફફડાટ વ્યાપ્યો છે. ગુજરાતના નિકાસ આધારિત પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, એન્જિનિયારિંગ
ગુડ્ઝ, ટેક્સટાઇલ્સ, કેમિકલ્સ, સિરાાિમક, જેમ્સ અને જ્વેલરી, કૃષિ અને ફાર્મા ક્ષેત્રને
માઠી અસર પડી શકે છે. નિષ્ણાતોના મતે હજુ પખવાડિયામાં સ્થિતિમાં સુધારો થશે તો વધુ
ફરક નહીં પડે પરંતુ યુદ્ધ લાંબું ખેંચાશે તો રાજ્યના ઉદ્યોગોને ફટકો પડશે અને મંદીના
વાદળો ઘેરાતાં જોવા મળશે.
ગાંધી
કેમિકલ્સના નિખિલ ગાંધીએ જણાવ્યું કે, ક્રૂડ ઓઇલ મોંઘું થાય તો કેમિકલ્સના ઉત્પાદન
પર પ્રતિકૂળ અસર પડી શકે છે. કાચા માલનો ભાવ વધવાથી ઉત્પાદન કિંમત પણ વધતાં ભાવમાં ઉછાળો જોવા મળશે. પ્રવર્તમાન સ્થિતિજોતા યુએસ
પાસેથી ક્રૂડનો પુરવઠો મળવામાં વિલંબ થવાની સંભાવના છે જેથી ભારત ફરી રશિયા પાસેથી
ક્રૂડ ઓઇલ લેવાનું શરૂ કરવા વિચારી શકે છે.
ટેક્સટાઇલ્સમાં
ચીન પછી ભારત બીજા ક્રમે છે. ખાડી દેશોમાં બુરખા તથા સલવાર કમીઝનું કાપડ ગુજરાતના સુરતમાંથી
મોકલવામાં આવે છે. જે વાયા દુબઈથી 45 જેટલાં દેશોમાં રવાના કરાય છે. અત્યારે યુદ્ધની
સ્થિતિને લીધે ત્યાંના જેબલ અલી બંદર પરથી તમામ શાપિંગ સ્થગિત કરવાની ફરજ પડી છે.
ભારત
ઈરાન અને મધ્યપૂર્વના દેશોમાંથી મોટાપાયે ઓઇલ અને ગેસની આયાત કરે છે. ગુજરાતના મોરબી
સ્થિત સિરામિક ઉદ્યોગ તથા રાજ્યના અન્ય ઉદ્યોગોમાં ગેસનો પુરવઠો ખૂબ મહત્ત્વ ધરાવે
છે. જે ખોરવાતા ઉદ્યોગ પર નકારાત્મક અસર પડી શકે છે. મોરબીની કુલ નિકાસમાં 40 ટકા જેટલો
હિસ્સો અખાતી દેશોનો છે.
મોરબી
સિરામિક એસો.ના કહેવા પ્રમાણે જો સપ્લાય ચેઇન વધારે વિક્ષેપિત થાય તો સરકાર ઘરેલુ અને
વાણિજ્યિક ઉપયોગ માટે ગેસ અનામત રાખશે. આવી સ્થિતિમાં અમારે કેટલાક યુનિટોને થોડાં
દિવસ બંધ રાખવાની ફરજ પડી શકે. અત્યારે 60 ટકા યુનિટ પ્રોપેન ગેસ આધારિત છે. મોરબી
રોજ સાડા પાંચ હજાર ટન જેટલો પ્રોપેન વાપરે છે.
ઇઝરાયેલ
અને અમેરિકા દ્વારા ઈરાન પર મિસાઈલ હુમલાઓ કરાતા સંખ્યાબંધ દેશોએ એરસ્પેસ પણ અચોક્કસ
મુદત માટે બંધ કરી છે. એરકાર્ગો સેવા પણ ખોરવાઈ હોવાથી નિકાસકારોના જીવ તાળવે ચોંટયા
છે.
દુબઇ
વ્યાપાર માટે હબ ગણાય છે, ત્યાં પણ વાતાવરણ ડહોળાતા નવો વેપાર કરવામાં ખચકાટ છે તેમ
રાજકોટ એન્જાનિયરીંગ એસોસીએશનના પ્રમુખ નરેન્દ્ર પાંચાણીએ કહ્યું હતું. તેમણે કહ્યું
કે, ઇરાનની હાર્મોન સ્ટ્રીટ બંધ થઇ ગઇ છે જ્યાંથી મોટાંભાગના શીપમેન્ટ પસાર થતા હોય
છે, ત્યાં પણ અત્યારે અલ્પવિરામ છે. એન્જાનિયરીંગનો ઘણો માલ નિકાસ થતો હોય છે તેમાં
રૂકાવટ આવશે.
ઈરાન
પર ઇઝરાયેલ-યુએસના હવાઈ આક્રમણોથી પરિસ્થિતિ વણસી છે. તણાવ વચ્ચે દરિયાઈ માર્ગે માલ
પરિવહન કરતી શાપિંગ કંપનીઓએ નૂર ભાડાંમાં 400%નો વધારો ઝીંક્યો છે.
અમદાવાદના
એન્કર લાઇન્સના ડાયરેક્ટર અને અમદાવાદ કસ્ટમ્સ બ્રોકર એસોસિએશનના ચેરમેન દેવાંગભાઈ
એ. જોશીએ જણાવ્યું હતું કે, હાલમાં વધુ સુચના ના મળે ત્યાં સુધી રેડ સીમાં મધ્યપૂર્વ
તરફની કાર્ગો સેવા સ્થગિત કરવામાં આવી છે. હોર્મુઝની સામુદ્રધૂનીમાં થઈને મધ્યપૂર્વ
તથા યુરોપિયન દેશોમાં થતી માલની હેરફેર સંપૂર્ણ અટકાવી દેવામાં આવી છે. એક શિપમાં આશરે
5000-5500 કન્ટેઈનરો હોય છે જેથી માલ અને ક્રૂ સભ્યોની સલામતી મહત્ત્વપૂર્ણ છે.
20
ફૂટના ડ્રાય કન્ટેઈનરનું ભાડું અગાઉ 250 યુએસ ડોલર હતું જે 1100-1200 યુએસ ડોલર કરાયું
છે. જ્યારે 40 ફૂટના કન્ટેઈનર પર ભાડું
350-400 ડોલરથી વધીને 2000 યુએસ ડોલર થયું છે. યુએસમાં મોકલાતો કાર્ગો પણ સુએઝ
કેનાલ બ્લોક થવાથી પ્રભાવિત થયો છે. અગાઉ કાર્ગોનું 21 દિવસમાં પ્લાઈંગ થતું હતું જેનો
ગાળો અત્યારે વધીને 35-40 દિવસ થયો છે. રમઝાન માસ ચાલતો હોય ફળો અને મીટ જેવી ચીજો
રેફ્રીજેટેડ કન્ટેઈનરમાં મોકલવામાં આવે છે. આફ્રિકાના કેપ ઓફ ગુડ હોપથી માલ પરિવહન
કરાતા રૂટ લાંબો થઈ ગયો છે. આ પરિસ્થિતિમાં ઝડપથી સુધારો નહીં થાય તો ફ્રેઈટ રેટમાં
વધુ વધારો થઈ શકે છે તેમ તેમણે ઉમેર્યું હતું.
ભારતની
કુલ નિકાસમાં ગુજરાત 26.6% હિસ્સા સાથે અગ્રેસર રહ્યું છે. મૂલ્યની દ્રષ્ટિએ ગુજરાતમાંથી
2024-25માં 9.83 લાખ કરોડ રૂપિયાના માલસામાનની નિકાસ થઈ હતી. ગુજરાતમાંથી અમેરિકા,
યુએઈ, યુરોપ તથા વિશ્વના વિવિધ દેશોમાં ફાર્મા, ટેક્સટાઇલ્સ, એન્જિનિયારિંગ ગુડ્ઝ,
જેમ્સ એન્ડ જવેલરી, કૃષિ કોમોડિટી સહિતની મોટાપાયે નિકાસ થાય છે.