• બુધવાર, 04 માર્ચ, 2026

રાજકોટમાં પર્વની ઉજવણી ઉપર પોલીસની પાબંદી !

ધુળેટી રમવા યુવાધનનું ‘ફેવરિટ’ રેસકોર્સને બંધ કરી દેવાતાં લોકોમાં વિરોધ સાથે રોષ

રાજકોટ, તા.3 : લોકશાહીમાં દેશના દરેક નાગરિકને પોતાની સંસ્કૃતિ, ધર્મ અને પરંપરા મુજબ પર્વ ઉજવવાની આઝાદી છે પરંતુ રાજકોટના પોલીસ તંત્ર દ્વારા દર વર્ષે શહેરના રેસકોર્સ મેદાનમાં ઉજવાતા ‘રંગપર્વ’ની ઉજવણી માટે પ્રજાજનો ઉપર જાણે પાબંધી મૂકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેમ મ્યુનિ.તંત્રની મદદ લઈને રેસકોર્સને બંધ કરી દેવાતાં લોકોમાં વિરોધ સાથે રોષ પણ ભભૂક્યો છે.

રેસકોર્સમાં દર વર્ષે બાલભવનના ગેઈટ નજીક રંગપર્વની જોરશોરથી ઉજવણી થાય છે જ્યાં શહેરનું યુવાધન એકઠું થાય છે અને કોઈપણ પ્રકારના છાકટાવેળા વગર રંગરસિયાઓ ધુળેટી પર્વની આનંદ ઉલ્લાસભેર ઉજવણી કરે છે. આજદિન સુધીમાં તેઓ કયારેય મર્યાદા ચૂક્યા હોવાનું કે કોઈ યુવતી કે, મહિલા સાથે છેડતી કે, દુર્વ્યવહાર થયો હોવાની કોઈ ફરિયાદ આવી નથી પરંતુ રાજકોટના પોલીસ અને મનપા તંત્રને જાણે શહેરીજનો આનંદ-ઉલ્લાસ  માફક ન આવ્યો હોય તેમ રેસકોર્સ સંકુલ સહિત ઈન્ડોર સ્ટેડિયમ તથા પ્રેમગલી સહિતના રસ્તાઓ ઉપર આડશો મૂકીને નો-એન્ટ્રી કરી દીધી છે.

તંત્રનું માનવું છે કે, તહેવારોમાં છાકટા બનતા યુવાનોની સાન ઠેકાણે લાવવા માટે આ કામગીરી હાથ ધરવામાં આવી છે ખરેખર એવું જ હોય તો પોલીસ તંત્ર ત્યાં બંદોબસ્ત વધારીને સુરક્ષા વ્યવસ્થા જાળવી શક્યું હોત, રેસકોર્સ આસપાસના રસ્તાઓ ઉપર ભીડ ઉમટતી હોય તો ટ્રાફિકનું વ્યસ્થાપન પણ તંત્ર કરી શક્યું હોત, માત્ર કાયદાની મર્યાદાનું બહાનું આગળ ધરીને લોકોના આનંદ-ઉલ્લાસ માટેનું વર્ષો જૂનું સ્થળ કે જ્યા દર વર્ષે ધુળેટીના દિવસે હજારોની સંખ્યામાં યુવાધન ઉમટી પડે છે તેને બંધ કરવું કેટલા અંશે વ્યાજબી છે ? તેવા સવાલો ઉઠયાં છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક