બંગાળની ચૂંટણીમાં જેટલું જંગી મતદાન થયું હતું તેટલું ઊંચું ધો. 12ના સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવ્યું છે. હવે તો એવું છે કે વિદ્યાર્થીને નાપાસ થવા માટે પ્રયાસ કરવા પડે. રાજ્યમાં શિક્ષિત લોકોની સંખ્યા વધે તે આવકાર્ય છે. બોર્ડની અઘરી ગણાતી પરીક્ષામાં પરિણામ ઊંચા આવે તેનો પણ કંઈ વિરોધ થોડો હોય? સવાલ એ છે કે આટલાં સારાં પરિણામ ખરેખર શિક્ષણના સ્તર સાથે કેટલો સંબંધ ધરાવે છે. વિદ્યાર્થીના આઈક્યૂ- બૌદ્ધિક આંક સાથે તેને કોઈ સંબંધ છે કે નહીં? અભ્યાસક્રમમાં જે કંઈ હોય તે પરીક્ષાર્થી સમજ્યા હોય, આવડયું હોય તો જ આ પરિણામ આવે પરંતુ તેના ઉપરાંત જીવન શિક્ષણ, મૂલ્યશિક્ષણનું શું?
શિક્ષણમાં
સરકાર છેલ્લા ઘણા સમયથી પ્રયોગશીલ રહી છે. સેમેસ્ટર પદ્ધતિ, એમસીક્યુ પદ્ધતિ, ઓક્ટોબરને
બદલે જૂન માસમાં જ પુન: પરીક્ષા, જેથી વર્ષ બગડે નહીં. આવા અનેક પ્રયોગ શિક્ષણક્ષેત્રે
થયા. ધો. 10 અને 12ની પરીક્ષાનું પરિણામ છેલ્લા ઘણા સમયથી ઊંચું આવે છે. બોર્ડમાં પ્રથમ
દસ ક્રમની પદ્ધતિ પણ બદલાવીને પર્સેન્ટાઈલનું ધોરણ દાખલ કર્યું જેથી વિદ્યાર્થી ઉપર
સ્પર્ધાનું અકારણ દબાણ આવે નહીં. આ વર્ષનું પરિણામ સૌરાષ્ટ્ર માટે વધારે ઉલ્લેખનીય
છે કારણ કે એક એવી છાપ હતી કે સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં રસ લેતા નથી
અને તેથી પણ વધારે અગત્યનું એ છે કે અહીં વિજ્ઞાનનું
શિક્ષણ આપતી સંસ્થાઓ અમદાવાદ, વડોદરા, આણંદની સરખામણીમાં પછાત છે.
આ વર્ષે
સમગ્ર રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લો પ્રથમ છે. રાજકોટનું પરિણામ 93.36 ટકા,
ભાવનગરનું પરિણામ 92.65 ટકા આવ્યું છે. વિજ્ઞાન તરફનો અભિગમ વધે તે પણ રુડું છે. જો
કે નવી પદ્ધતિ અનુસાર હવે આ માર્કશીટનું મહત્વ ઓછું છે કારણ કે ગુજકેટ સહિતની અન્ય
પરીક્ષાઓ છે અને વિશિષ્ટ અભ્યાસક્રમમા તો તેના ગુણ ધ્યાને લેવાય છે. અન્ય એક બાબત એ
છે જેની ક્યાંય સાબિતી નથી છતાં બધા જાણે છે કે રાજકીય વગ કે વળગણવાળી શિક્ષણ સંસ્થાઓની
સંખ્યા બહુ વધી ગઈ છે. સેલ્ફ ફાયનાન્સ્ડ કોલેજ- સંસ્થાઓ ઘણી છે. આ બધીમાં બેઠકો ભરાય
તે પણ જરૂરી છે. આને આપણે ઊંચા પરિણામનું કારણ કહીએ તો તે આક્ષેપ ગણાય પરંતુ ઊંચા પરિણામને
લીધે સંસ્થાઓમાં બેઠક ભરાય તે વાસ્તવ છે. પુન: કહીએ કે બોર્ડની પરીક્ષાનું ઊંચું પરિણામ
રાજી થવાની જ વાત છે પરંતુ તેને લીધે સમાજમાં શિક્ષણનું પણ સ્તર ઊંચું આવ્યું છે કે
નહીં તેની તપાસ કરતા રહેવી પડે.