આ
વર્ષે દૂધમાં સાતત્યપૂર્વક અને વારંવાર ભાવવધારાના ઊભરા આવ્યા છે. નવેમ્બર મહિનાના
દસેક દિવસમાં દેશભરની મુખ્ય સરકારી તથા ખાનગી ડેરીઓએ દૂધના લિટરદીઠ ભાવમાં બે રૂપિયાથી
લઈને છ રૂપિયા જેટલો વધારો ઝીંક્યો છે, એક અંદાજ મુજબ છેલ્લાં બાર વર્ષમાં દૂધના ભાવમાં
68 ટકા જેવો વધારો નોંધાયો છે. સામાન્યપણે, શિયાળામાં દૂધની આવક વધતી હોય છે, પણ અનિયમિત-અપૂરતા
વરસાદને કારણે આ વખતે પશુચારો મોંઘો થયો છે. વળી, પૅકાજિંગ મટિરિયલ, કૉલ્ડ સ્ટૉરેજ
તથા ઈંધણના વધેલા ખર્ચનો બોજ પણ ખરો અને પશુપાલન પાછળ થતાં ખર્ચમાં વૃદ્ધિની ઝાળ દૂધના
ભાવને લાગી છે. દૂધ દરેક ઘરમાં અનિવાર્ય અને આવશ્યક વસ્તુ હોવાથી તેના દરોમાં થતો વધારો
નાગરિકો મૂગાં મોઢે સહન કરી લેતા હોય છે.ચિંતાની વાત એ છે કે, દૂધના વધી રહેલા ભાવ
ઓછા થવાનાં પણ કોઈ એંધાણ નથી અને આગામી એપ્રિલ-મે સુધીમાં લિટરદીઠ સો રૂપિયા સુધી જવાની
શક્યતા પણ વર્તાવાઈ રહી છે. આમ છતાં, દૂધના ભાવવધારાનો સીધો લાભ ખેડૂતોને કે પશુપાલકોને
મળતો નથી, એ વાસ્તવિકતા છે.
પહેલા
વર્ષે એકાદ વાર દૂધના ભાવમાં વધારો થતો અને લોકો પણ તે ચલાવી લેતાં. અમૂલનો જ દાખલો
લઈએ તો 2024ના જૂન મહિનામાં અમૂલે દૂધના દરમાં બે રૂપિયાનો વધારો કર્યા પછી છેક
2025ના મે મહિનામાં ફરી દરમાં વૃદ્ધિ કરી હતી.જોકે, 2024 પહેલાંનો વધારો ફેબ્રુઆરી,
2023માં આવ્યો હતો. 2026માં મે અને નવેમ્બર આ ગાળમાં બે વાર વધારો થયો છે અને મહારાષ્ટ્રની
કેટલીક સહકારી ડેરીઓના ભાવ તો વિવિધ તબક્કે ત્રણ વાર વધ્યા છે. ખાદ્યસામગ્રીમાં ભેળસેળ
સામે ફૂડ ઍન્ડ ડ્રગ્સ અૉથોરિટી (એફડીએ)એ શરૂ કરેલી કાર્યવાહીને પગલે તથા ખાસ તો એનોલોગ
પનીર પર મુકાયેલા પ્રતિબંધને કારણે પનીર બનાવવા માટે દૂધની માગ વધી છે, એવું એક કારણ
આગળ કરાઈ રહ્યું છે. આ ઉપરાંત ગુજરાત-મહારાષ્ટ્રમાં દુકાળ જેવી પરિસ્થિતિ તથા વરસાદમાં
ઘટને કારણે પશુચારાનો પુરવઠો ઓછો થતાં ભાવમાં 15થી 20 ટકા જેવો વધારો થયો છે.મોટી દૂધ
ડેરીઓની માગ છે કે, સરકાર 45 કિલોની પશુચારાની ગૂણીદીઠ રૂા.500 તથા લિટરદીઠ પાંચ રૂપિયાની
સબસિડી આપે તો દૂધના ભાવ સ્થિર થાય. જોકે, સરકારી આંકડા દૂધના ઉત્પાદનમાં ઘટાડાને સમર્થન
આપતા નથી, આથી આ માગ પૂરી થશે કે કેમ એ વિશે અસમંજસની સ્થિતિ છે. દૂધના વધતા દરોની
અસર મધ્યમવર્ગીય ઘરો પર સૌથી વધુ થવાની શક્યતા રહે છે, એ જોતાં આ દિશામાં સમયસર પગલાં
નહીં લેવાય તો ઉનાળો આવે ત્યાં સુધીમાં તો ભાવવધારાનો તાપ ઓર વધી જશે.