• ગુરુવાર, 21 સપ્ટેમ્બર, 2023

દલિતદમન, સતત ચાલતી રહેતી દાસ્તાન

મણિપુરમાં એક માસથી ચાલી રહેલી હિંસા આપણને થથરાવે છે. કોલ્હાપુરમાં ઔરંગઝેબના વખાણ સોશિયલ મીડિયા પર થયા બાદ લોકોના ટોળાં રસ્તા પર ઉતરી આવ્યા તે જોઈને આપણને સવાલ થાય છે કે આવું તે કંઈ હોય? આ સવાલ થવો જ જોઈએ, પરંતુ ઘરઆંગણે પાટણ વિસ્તારમાં દલિત પરિવાર પર થયેલા અત્યાચારના સમાચારથી લોકોને બહુ અસર થઈ હોય એવું લાગતું નથી. એક યુવકના હાથનો અંગૂઠો તલવારથી કપાઇ ગયો હોવાની ઘટના પછી પણ તેના પ્રત્યાઘાત બહુ પડયા નથી તે ચિંતન અને ચિંતાનો વિષય છે. 

પાટણના કાકોશીમાં એક મેદાનમાં ક્રિકેટ રમી રહેલા કેટલાક યુવકોએ દલિત બાળકને દડો આપવાનું કહ્યું અને તેણે ન આપતાં વાત વણસી, બેટ મૂકી, હથિયારો લઈ તેમણે એ પરિવારના સભ્યો પર હુમલો કર્યો. બાળકના પિતાએ સ્વબચાવ માટે હાથ ઉપર કર્યો અને વિંઝાયેલી તલવારે તેના હાથનો અંગૂઠો કાપી નાંખ્યો. દડો ન આપવો તે એવડો મોટો ગુનો છે ? ના, પરંતુ કદાચ તેમની જ્ઞાતિ એ એમનો અપરાધ છે. દલિત અત્યાચારની આ ઘટના નવી નથી, પહેલીવાર નથી બની. આવા બનાવ પ્રગતિશીલ ગણાતા આપણા રાજ્યમાં બનતા રહે છે. ગાંધીજી, ડો. ભીમરાવ આંબેડકર, ઠક્કરબાપા જેવા લોકોએ આ દિશામાં કામ કર્યું. આ સૌરાષ્ટ્રની ધરતી પરથી આ વરણના ભેદ મટાડવાનું કામ નરાસિંહ મહેતાએ આદર્યું હતું તેવું કોઈ કહે તો માનવામાં પણ ન આવે તેવી ઘટનાઓ અહીં બનતી રહે છે. 

2016માં ઉનામાં બનેલી ઘટના હોય કે તે પહેલાં અને પછીના બનાવો હોય, ગ્લોબલ બનેલા આપણે અસ્પૃશ્યતા બાબતે હજી જૂના સમયમાં જીવી રહ્યા છીએ. 2012માં દલિતો પર હુમલા થવાના 1028 બનાવ નોંધાયા હતા. 2013માં 1190, 2016માં 1322 કિસ્સા બન્યા હતા. 2019માં 1416 બનાવો બન્યા હતા. આ સિલસિલો સતત ચાલી રહ્યો છે. આપણે ત્યાં સામાજિક અને રાજકીય રીતે આ બાબત ઉપેક્ષિત છે. પોલીસ એટ્રોસિટી એક્ટ નીચે ફરિયાદ નોંધી લે છે પરંતુ તપાસ કરીને દોષિતોને સજા અપાવવાની તેની પણ માનસિકતા ઘણીવાર હોતી નથી.

દલિત પર થતા અત્યાચાર ફક્ત દલિત રાજકીય નેતા કે સામાજિક અગ્રણીની જવાબજદારી નથી. અસ્પૃશ્યતા ગઈકાલે પણ સામાજિક કલંક હતું, આજે પણ છે. વિશ્વ સાથે આપણે માધ્યમો દ્વારા વાતો કરી રહ્યા છીએ ત્યારે આપણા દેશમાં, આપણા રાજ્યમાં આજે પણ માનવનો જ એક વર્ગ આમ હડધૂત થતો રહે તે આપણને કેમ ગમે છે ? આપણે ક્યા મોઢે આપણને વિકાસશીલ કે વિકસિત ગણાવી રહ્યા છીએ તેવો સવાલ સજાગ માણસોને તો સતાવવો જોઈએ.