• ગુરુવાર, 25 એપ્રિલ, 2024

ડ્રગ્સ કારોબાર ખતમ ક્યારે થશે?

કન્ટ્રોલ બ્યૂરોએ દેશમાં લગભગ 15,000 એલએસડી બ્લોટ્સનો અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો પકડી પાડયાનો દાવો કર્યો છે. ‘ડાર્ક નેટદ્વારા સંચાલિત કૅફી દ્રવ્યોની દાણચોરી કરતી એક ટોળીનો પર્દાફાશ કરી છ જણની ધરપકડ કરી છે. જપ્ત કરવામાં આવેલા જથ્થાની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 10 કરોડ રૂપિયાથી પણ અધિક છે.

દેશમાં સિક્રેટ ઇન્ટરનેટ (ડાર્ક નેટ) આધારિત ઍપ અને ડબલ્યુઆઈસીકેઆર જેવી મૅસેન્જર સેવા દ્વારા ગેરકાયદે ડ્રગ્સનો વેપાર ચાલી રહ્યો છે. એલએસડી કે લિસર્જિક ઍસિડ ડાઈએથિલેમાઈડ વાસ્તવમાં સિન્થેટિક રસાયણ આધારિત એક માદક પદાર્થ છે, જેને સ્ટૅમ્પ પેપરના અડધા આકારના બ્લોટ્સ પર પેઇન્ટ કરીને તેની દાણચોરી કરવામાં આવે છે અને તેને ચાટવાનું કે ગળી જવાનું હોય છે. જપ્ત એલએસડી પૉલેન્ડ અને નેધરલૅન્ડથી દાણચોરી દ્વારા લાવવામાં આવ્યું હતું.

એલએસડી સ્વાસ્થ્ય માટે ગંભીર છે, ખાસ કરીને ન્યૂરો અને હાર્ટ સંબંધી. એનએસબીના જણાવ્યા પ્રમાણે 0.1 ગ્રામ એલએસડી (લગભગ છ બ્લોટ)ની જપ્તીથી વ્યક્તિ વિરુદ્ધ માદક પદાર્થ રોકવા સંબંધી એનડીપીએસ કાયદા હેઠળ કડક કાર્યવાહી થઈ શકે છે. આર્યન ખાનના કેસ પછી દેશમાં ડ્રગ્સની ભયાનક્તા સામે આવી હતી કે કેવી રીતે ધનાઢ્ય પરિવારનાં સંતાનો ડ્રગ્સના નશાની જાળમાં ફસાતા જાય છે.

અફઘાનિસ્તાન, પાકિસ્તાન, મ્યાનમાર અને નેપાળથી હેરોઈન, કૅફિન અને મોર્ફિન ભારતના માર્ગે દુનિયાભરમાં સપ્લાય કરવામાં આવે છે. દુનિયાભરમાં નશાના કારણે દર વર્ષે બે લાખ મોત થાય છે. દેશના 2.1 ટકા લોકો ગેરકાયદે કૅફી પદાર્થોનું સેવન કરે છે. ભારતમાં સિન્થેટિક ડ્રગ્સ ઉપરાંત ગાંજો, ચરસ, અફીણ વગેરેની દાણચોરી પણ ભારે પ્રમાણમાં થાય છે.

એક અનુમાન અનુસાર ભારતમાં નશાનો વર્ષનો ગેરકાયદેસર કારોબાર લગભગ 10 લાખ કરોડ રૂપિયાનો છે. નેશનલ ક્રાઈમ બ્યૂરો (એનસીબી)ના નશા સંબંધી આંકડા અનુસાર ભારતમાં રોજ ડ્રગ્સ કે શરાબના પગલે 10 મોત કે આત્મહત્યા થાય છે. બધા પ્રકારના નશા વિરુદ્ધ વ્યાપક અભિયાન અને આકરી કાર્યવાહીની આવશ્યક્તા છે. એનસીબી સતત પોતાનું કામ કરી રહી છે, પરંતુ તેને બહુ અસરકારક બનાવવાની જરૂર છે. પર્યાપ્ત તાલીમબદ્ધ મૅન પાવરથી લઈ સંસાધન સુધ્ધાં એનસીબીને ઉપલબ્ધ કરાવવાની જરૂર છે. દેશમાં ડ્રગ્સના કારોબારની કમર તોડવી અનિવાર્ય છે. આમ છતાં ડાર્ક નેટથી ડ્રગ્સ સિન્ડિકેટને તોડવાનું એનસીબીનું કામ પ્રશંસનીય છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક