• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

ઉચ્ચ સ્તરીય પરીક્ષાઓના સ્તર સામે પ્રશ્નાર્થ

દેશમાં ઉચ્ચ શિક્ષણની પરીક્ષાઓમાં થઈ રહેલા છબરડા સતત ચર્ચામાં છે. સરકાર કે નેશનલ ટેસ્ટીંગ એજન્સી સામે સવાલ ઊઠે, આક્ષેપ થાય, લોકો નારાજ થાય તે બધું જ સ્વાભાવિક છે પરંતુ ત્યાં જ આખી વાત એટલા માટે નથી અટકતી કે આ કોઈ રાજકીય મુદ્દો નથી કે તેની અસર જનસામાન્યને સીધી ન થાય. એક તરફ સૌથી વધારે યુવાશક્તિ ધરાવતો આપણો દેશ તેવું ગૌરવ લઈએ છીએ અને બીજી તરફ આટલા બધા યુવાનો જ અહીં નારાજ થાય અને નિરાશ થાય તે બન્ને એકસાથે કેમ બની શકે?

‘નેટ’ કે ‘નીટ યુજીસી’. ‘નીટ પીજી’ પ્રવેશ પરીક્ષા રદ થાય તેના પેપર લિક થાય તે ઘટના સામાન્ય નથી. કોઈ નેતાના કૌભાંડ કે કોઈ યોજનામાં થયેલા ગોટાળાની અસર દેશ પર કદાચ ન થાય તેટલી ગંભીર અસર આ પરીક્ષા ગેરરીતિની થાય. ‘નીટ’ની પરીક્ષા, ‘નેટ’ના પેપર ચર્ચામાં છે. ગુજરાતમાં ‘ટેટ’ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે. આ કોઈ રાજકીય સંગઠન પ્રેરિત આંદોલન નથી. વિદ્યાર્થીઓને પોતાનું ભાવિ જોખમમાં લાગી

રહ્યું છે.

મહિનાઓ સુધી પરીક્ષા માટે પરિશ્રમ વિદ્યાર્થી-પરીક્ષાર્થી કરે. સંખ્યાબંધ વિદ્યાર્થી કોઈ નાનો વ્યવસાય કે નોકરી કરતાં કરતાં આવી પરીક્ષા આપે. માતા-પિતા તે પરીક્ષાઓ માટે ફી ભરે, સંતાનોના ઉજ્જવળ ભાવિ માટેના સપના જોવે અને પરીક્ષા અચાનક કેન્સલ થાય. ગ્રેસના માર્ક્સ અપાય અને મેરિટ ઊંચું જાય. પેપર લીક થઈ જાય.

જેટલી જરુર અન્ય પ્રકારની સુરક્ષાઓની છે તેટલી જ જરુર પરીક્ષાનું આ માળખું સુધારવાની છે. વિદ્યાર્થીઓનો વર્તમાન સુનિશ્ચિત કર્યા વગર તેમને ભવ્ય ભૂતકાળ કે ભવિષ્ય ભણાવવાનો અર્થ સરશે?

‘નીટ’ પેપર લીકના બનાવની તપાસ ‘સીબીઆઈ’ કરી રહી છે. સરકારનું આ તપાસ સોંપવાનું પગલું આવકાર્ય છે. ટેસ્ટીંગ એજન્સી સામે પણ કાર્યવાહી થાય તો સારું. દેશના યુવાનને આશા, અપેક્ષા છે કે તેમના પરિશ્રમ, તેમના સ્વપ્નો સાથે જેઓ રમે છે તેમને શિક્ષા થાય.

ઇ-પેપરના નવા શુલ્ક