• શનિવાર, 13 જુલાઈ, 2024

વરસાદ નબળો રહેતા મગફળી અને કપાસ સહિતના પાકના વાવેતર ઘટયાં કઠોળમાં પણ તુવેર સહિતના પાકના વાવેતર ખૂબ નબળા

રાજકોટ,તા.8: (ફૂલછાબ ન્યૂઝ) ચોમાસાની પ્રગતિ છતાં ગુજરાતમાં ખરીફ પાકના વાવેતરમાં ખાધ દેખાઇ છે. વરસાદનું આગમન પંદરેક દિવસથી થયું છે પણ અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદનો અભાવ રહ્યો છે એની અસરે બધા પાકનો વિસ્તાર પાછલા વર્ષ કરતા ઓછો રહ્યો છે. મગફળી, કપાસ અને કઠોળ એમ તમામ પાકના વાવેતર વિસ્તારમાં 23 ટકા જેટલો ખાસ્સો ફરક પડી ગયો છે.

ગુજરાતના કૃષિ ખાતાએ જાહેર કરેલા તાજા આંકડા પ્રમાણે રાજ્યમાં 40.26 લાખ હેક્ટરમાં વાવણી થઇ છે. જે પાછલા વર્ષે 10 જુલાઇના દિવસે 52.32 લાખ હેક્ટર સુધી રહી હતી. વાવેતર 23 ટકા જેટલું ઘટી ચૂક્યું છે.કપાસના વાવેતરમાં સૌથી મોટો ઘટાડો થયો છે. તલ, બાજરી, મકાઇ અને ડાંગરના પાકમાં મોટું ગાબડું છે. કઠોળમાં તુવેરને બાદ કરતા તમામ પાકના વાવેતરમાં ગાબડાં છે.

ગુજરાતનો મુખ્ય પાક અને ખેડૂતોની જીવાદોરી સમા કપાસના પાકનું વાવેતર 18.60  લાખ હેક્ટરમાં થયું છે. અગાઉના વર્ષમાં 23.75 લાખ હેક્ટર થઇ ગયું હતુ. વાવેતર પાંચ લાખ હેક્ટર જેટલું ઓછું દેખાય છે. ટકાવારી ઘટાડો 22 ટકા જેટલો દેખાય છે. વરસાદ ચાલુ સપ્તાહમાં થઇ જાય તો બાકી રહી ગયેલા વિસ્તારોમાં વાવેતર થશે પણ કપાસનું વાવેતર ઘટશે એવી ખેડૂતો અને વેપારીઓની ગણતરી સાચી ઠરે એવી શક્યતા વધી ગઇ છે. 20-25 જુલાઇ સુધીમાં વાવણીમાં રિકવરી નહીં આવે તો વાવેતર વિસ્તાર 10-20 ટકાની વચ્ચે ઘટી શકે છે.

મગફળીના વાવેતર આરંભે ઉત્સાહથી થયા હતા. જોકે સરકારી ચોપડે તેનું પ્રતાબિંબ પડતું નથી. મગફળીનું વાવેતર ગુજરાતમાં 15.60 લાખ હેક્ટરમાં થયું છે. જે પાછલા વર્ષે 10મી જુલાઇએ 20.16 લાખ હેક્ટરમાં થયું હતુ. સૌરાષ્ટ્ર વિસ્તાર મગફળીના વાવેતર માટે મોખરે રહ્યો છે.

તલના વાવેતરમાં ધરખમ ઘટાડો થયો છે. ગુજરાતભરમાં ફક્ત 7100 હેક્ટર જેટલું પરચૂરણ વાવેતર થયું છે. પાછલા વર્ષમાં આ સમયે 32 હજાર હેક્ટરમાં વાવણી થઇ હતી. તેલિબિયાં પાકમાં એરંડાનો વિસ્તાર 2200 હેક્ટર છે, જે પાછલા વર્ષમાં 25 હજાર હેક્ટર સુધી હતો.

ધાન્ય પાકોમાં ડાંગરનું વાવેતર 47,900 હેક્ટર, બાજરીનું 24,800 હેક્ટર અને મકઇનું 8,100 હેક્ટરમાં વાવેતર છે. બધા જ પાકમાં ઘટાડો છે. કઠોળ વર્ણના પાકમાં તુવેરનો વિસ્તાર 58,800 હેક્ટર સાથે ટોચ પર છે. જોકે મગનું માત્ર 5 હજાર અને અડદનું 8 હજાર હેક્ટરમાં વાવેતર થઇ શક્યું છે.

ગુજરાતમાં સોયાબીનનો વાવેતર વિસ્તાર પાછલા વર્ષના 2 લાખ હેક્ટર સામે અત્યાર સુધીમાં 1.56 લાખ હેક્ટરમાં વાવેતર છે. શાકભાજીનું વાવેતર 99,600 હેક્ટર અને ઘાસચારાનું વાવેતર 2.50 લાખ હેક્ટર સુધી પહોંચી ગયું છે. જે પાછલા વર્ષ કરતા ઓછું છે.

વરસાદે ખરાં ટાણે વિરામ લીધો છે એટલે ખેડૂતોના જીવ ઉચ્ચક થઇ ગયા છે. ઘણા વિસ્તારોમાં નામપૂરતા વરસાદમાં વાવણી કરવામાં આવી છે ત્યારે હવે શ્રીકાર અને સાર્વત્રિક વરસાદ પડે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક