• બુધવાર, 23 ઑક્ટોબર, 2024

આંતરરાષ્ટ્રીય એરપોર્ટ: રાજકોટથી વિદેશ ઉડવાનું સપનું હવામાં !

પરદેશની ફલાઇટ હમણા શરૂ થવાના કોઇ એંધાણ નથી: ટર્મિનલનું બાંધકામ અધૂરું, ઇમિગ્રેશન- કસ્ટમની સુવિધા નથી

રાજકોટ, તા. 10:  જામનગર રોડ પરથી દાયકાઓ જુના રાજકોટના ડોમેસ્ટિક એરપોર્ટનું સ્થળાંતર શહેરથી 35 કિલોમીટર દુર હિરાસર ખાતે ‘આંતરરાષ્ટ્રીય એરપોર્ટ’ના નામે કરવામાં આવ્યું છે. હિરાસર ખાતે નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ 1400 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામ્યું છે. જેને શરૂ થયાને એક વર્ષ થવા આવ્યું છે. આમ છતાં હજુ સુધી અહીંયા આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ થઈ શકી નથી, અને નજીકના ભવિષ્યમાં વિદેશી વિમાનો સંચલિત થાય એવી સંભાવના પણ ન હોવાનું જાણીને સૌરાષ્ટ્રના લોકોને ધક્કો લાગ્યો છે.

રાજકોટ એરપોર્ટથી જ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સમાં સવાર થઈ વિદેશ જવાનું સૌરાષ્ટ્રવાસીઓનું સપનું ચકનાચૂર થતું જણાય છે કારણ કે વિદેશની ફ્લાઇટ શરૂ થવામાં હજુ વર્ષો લાગી જશે. એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોના જણાવ્યા અનુસાર રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હાલમાં કાર્ગો વિમાન માટે ઉભા કરાયેલા ટર્મિનલમાં કામચલાઉ ધોરણે ડોમેસ્ટિક ફ્લાઈટ ઓપરેટ થઈ રહી છે. ઈન્ટરનેશનલ ફ્લાઈટનું ટર્મિનલ નિર્માણ થવું બાકી છે. વધુમાં ઈન્ટરનેશનલ ફ્લાઈટ માટે ઈમિગ્રેશન, કસ્ટમ, એરલાઈન ઓફિસ અને પેસેન્જરોની અલાયદી વિશેષ સુવિધા જરૂરી હોય છે. જેના ઠેકાણા નથી.

શરૂઆતમાં જ્યારે આ એરપોર્ટ કાર્યરત થયું ત્યારે એમ કહેવાતું હતું કે અહીંયાથી દુબઈ, ચીન, મલેશીયા વગેરે દેશો માટે વિમાની સેવા શરૂ થઈ શકે છે. પરંતુ હકિકત એ છે કે હજુ સુધીમાં એકપણ એરલાઈન્સે ઈન્ટરનેશનલ ઓપરેશન શરૂ કરવાની તૈયારી નથી દાખવી. જે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે ઓળખાય છેં તે હજુ સુધી ડોમેસ્ટિક એરપોર્ટ જ છે. અહીં ઇન્ટરનેશનલ ફ્લાઇટ હજુ 2થી 3 વર્ષમાં ઉડાન ભરે તેવી શક્યતાઓ દેખાઈ રહી નથી. ઓગસ્ટ મહિનાના મધ્યમાં એક ટર્મિનલનું કામ પુરું થવાની શક્યતા છે, પરંતુ ત્યાં ડોમેસ્ટિક ફ્લાઈટ જ ઉડાન ભરશે.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની કવાયત

સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ આ પરિસ્થિતિ ધ્યાને રાખીને આયોજન કરવા બેઠકો યોજવી શરૂ કરી છે અને ભવિષ્યમાં એક નવા જ ટર્મિનલનુ નિર્માણ કરીને ત્યાં બધી સુવિધાઓનો ઉમેરો કરીને બાદમાં ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવે, એવું આયોજન ઘડી કાઢવા વિચારણા ચાલી રહી છે.

એક વર્ષથી એરપોર્ટ ડેવલપમેન્ટ કમિટીની નથી મળી બેઠક

રાજકોટ એરપોર્ટ ડેવલપમેન્ટ કમિટી દ્વારા એરપોર્ટને લગતી જનસુવિધા સંબંધિત પ્રવૃત્તિઓ, ચર્ચા-વિચારણા અને સલાહ સુચનો થતા રહેતા હોય છે. જોકે રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ શરૂ થયું ત્યારથી અત્યાર સુધી કમિટીનીં બેઠક મળી નથી. માટે કમિટીના સભ્યો એરપોર્ટ ઓથોરિટીના આયોજન, પ્રગતિ અને અન્ય બાબતોથી દુર રહ્યા છે પરિણામે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ કરવા બાબતે તેઓ રજૂઆત પણ કરી શકતા નથી.

સોશિયલ મીડિયા પર સતત પ્રતિક્રિયા

હીરાસર એરપોર્ટ પરથી ઇન્ટરનેશનલ ફલાઇટ નહીં શરૂ થાય તેવા સમાચાર જાહેર થતાં જ સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટ ફોર્મ પર સામાન્ય લોકોથી માંડીને સેલિબ્રિટીઝ દ્વારા પ્રતિક્રિયા વ્યકત થવા લાગી હતી. આના કરતાં જૂનું એરપોર્ટ શું ખોટું હતું ? શહેરની વચ્ચે જ એરપોર્ટ હતું તેમાં શું વાંધો હતો ?  એવી કોમેન્ટ સતત ચાલુ રહી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક