• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

ઉજજડ જગ્યાઓમાં હવે એરંડાનું વાવેતર

કપાસ-કઠોળ બગડયા હોય તેવી અને ખાલી રહેલી જમીનોમાં એરંડા વવાય છે : મગફળી ખૂબ પાકશે

રાજકોટ, તા.5: (ફૂલછાબ ન્યૂઝ) કપાસની છૂટીછવાઇ આવકથી મુહદ્નર્ત શરૂ થયાં ને હવે વરસાદ પોરો ખાઇ અને થોડાં દિવસ તાપ પડે તો આગોતરી મગફળી પણ દેખાશે. જોકે ખરીફ પાકોના વાવેતરની સીઝન હજુ ચાલુ છે. અલબત્ત હવે ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન કહેવત અનુસાર માત્ર ઉજ્જડ જગ્યાઓમાં એરંડાનું વાવેતર ચાલુ છે. એરંડા અને તેલ ભલે અખાદ્ય છે પણ ગુજરાતના અર્થતંત્ર અને કિસાનોની આવકમાં મોટું યોગદાન છે એટલે વાવણી પર સૌની નજર હોય છે.

ગુજરાતમાં એરંડાનું વાવેતર અંતિમ ચરણમાં છે અને સપ્ટેમ્બરના આરંભ સુધીમાં 5,28,444 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. જે પાછલા વર્ષના 6,69,646 હેક્ટર કરતા 22 ટકા ઓછું છે. હજુ દસેક દિવસ વાવેતર થવાનું છે પણ અંતે 15-20 ટકાનો ખાંચો વાવેતરમાં પડશે એ નક્કી છે. એરંડાના ઉત્પાદનમાં બીજા ક્રમે આવતા રાજસ્થાનમાં પણ વાવેતર ઓછું છે. કિસાનોને અપૂરતા ભાવ મળ્યા છે અને બે વર્ષથી પોસાણ ન થતાં ખેડૂતોએ વાવેતર ઘટાડયું છે. દિવેલની નિકાસ ખૂબ સારી છે પણ વાવેતરને તેનો ફાયદો મળ્યો નથી.

એરંડાનું વાવેતર ગુજરાતમાં સરેરાશ 6.50થી 7 લાખ હેક્ટર વચ્ચે થતું આવ્યું છે. જે આ વર્ષે 6 લાખ હેક્ટરની અંદર સમેટાઇ જાય એવી સંભાવના અત્યંત છે. એરંડાનું વાવેતર હાલ કપાસ કે કઠોળ વરસાદને લીધે બગાડ બાદ ખાલી પડેલી જમીનોમાં થઇ રહ્યું છે. જોકે ખેડૂતો એરંડા પોસાણક્ષમ ન ગણીને રાયડા માટે પણ ઘણા વિસ્તારોમાં તૈયારી કરી રહ્યા છે.

બીજી તરફ સમગ્ર ગુજરાતમાં ખરીફ વાવેતર 3 ટકાના ઘટાડામાં 82.34 લાખ હેક્ટર થયું છે. મગફળીનું વાવેતર ખૂબ સારું 19.10 લાખ હેક્ટરમાં થયું છે. પાકની સ્થિતિ વરસાદ પછી પણ ઘણી સારી છે જે મબલક અને અણધાર્યા ઉત્પાદનના સંકેત આપે છે. બીજી તરફ કપાસનો વાવેતર વિસ્તાર ખાસ્સો 12 ટકા જેટલો ઘટયો છે. વાવેતર 23.62 લાખ હેક્ટર સુધી સિમિત રહ્યું છે. કઠોળમાં તુવેર, મઠ અને અડદના વાવેતર સારાં છે. જોકે વરસાદથી માલને અસર થઇ છે. પાકમાં બગાડ પણ દેખાય છે. તલના વાવેતર 49,192 હેક્ટર રહ્યા છે. જે 25 ટકા કરતા ઓછાં થઇ ગયા છે. એવામાં વરસાદથી બગાડના પણ સમાચાર છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીના સેમિ ફાઇનલમાં ભારતની આજે દ. કોરિયા સામે ટક્કર લીગ રાઉન્ડમાં કોરિયાને હાર આપનાર ભારત આ ટીમને હળવાશથી લેવાની ભૂલ કરશે નહીં September 16, Mon, 2024