• શનિવાર, 21 સપ્ટેમ્બર, 2024

જૂનાગઢ જિલ્લા ભાજપમાં શિસ્તનું ચીરહરણ જવાબદાર કોણ?: પ્રદેશ મોવડી મંડળનું મૌન ભાજપના સિનિયર આગેવાનોએ પણ મૌન તોડી મામલો શાંત પાડવાની જરૂર

જૂનાગઢ, તા.20: જૂનાગઢ જિલ્લા ભાજપમાં હવે શિસ્તના લીરા ઉડયા છે અને એક બીજા ઉપર કાદવ ઉછાળતા પક્ષની પ્રતિષ્ઠાને ઝાંખપ લાગી રહી છે. રાજ્યના પૂર્વ કેબીનેટ મંત્રી જવાહર ચાવડાની સંગઠનમાં ઉપેક્ષા થતા તેઓ ભાજપ નેતાઓની પોલ ખોલવા મેદાને ઉતર્યા છે. જિલ્લા ભાજપ કાર્યાલય, જિલ્લા ભાજપ પ્રમુખના ક્રિષ્ના આર્કેડના બાંધકામ ગેરકાયદે હોવાનો છ વર્ષ પહેલા જિલ્લાના સત્તાવાળાઓને પત્ર પાઠવી જાણ કરી હતી. હવે જવાહરભાઇએ પોતે પક્ષના ઉમેદવાર હોવા છતાં જિલ્લાના પક્ષ પ્રમુખ સહિતના કેટલાંક આગેવાનોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કર્યાનો આક્ષેપ કર્યો છે.

એટલું જ નહી કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૂંટણી લડયો ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખએ મને જીતાડવા પક્ષ વિરોધ પ્રવૃત્તિ કર્યાનો જવાહર ચાવડાએ ખુલ્લો આક્ષેપ કર્યો છે આ ઉપરાંત જિલ્લા ભાજપના સિનિયર આગેવાનો કનુભાઇ ભાલાળા, માધાભાઇ બોરીચા, કડવાભાઇ દોમડીયા સહિતના હવે મૌન તોડી જિલ્લા ભાજપ પ્રમુખની નીતિ રીતિ સામે નારાજગી વ્યકત કરવા લાગ્યા છે.

પક્ષના સિનિયર આગેવાનો જ પક્ષના જિલ્લા પ્રમુખ સામે ભરતીમાં ભ્રષ્ટાચારના ખુલ્લા આક્ષેપ કરવા લાગ્યા છે. માર્કેટીંગ યાર્ડ અને જિલ્લા સહકારી બેંકની ભરતીમાં ભ્રષ્ટાચારની ફરિયાદમાં કડવાભાઇ દોમડીયા ઉઘાડા પડયા છે પણ ડિરેકટ્રો સમસમીને બેઠા છે. પક્ષ પ્રમુખ સામે આટલીના રાજગી પાછળ ક્યાંક સિનિયરોની ઉપેક્ષા થયાનું મનાય છે.

સોરઠ ભાજપમાં જવાહરભાઇ ઉઘાડા  ઉઠયા તેને પગલે ભાજપના સિનિયર આગેવાનોએ મૌન તોડવાની હિંમત કરી, તેમ છતાં પ્રદેશ મોવડી મંડળ મૌન સેવી રહી છે. પગલા ભરવામાં ક્યાંક ભાંઠે ભરાઇ જવાનો ડર કદાચ સતાવી રહ્યાની શકયતા નકારી શકાતી નથી.

જવાહરભાઇના લેટર બોંબ વચ્ચે જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ પટેલે પત્રકાર પરિષદ બોલાવી માત્ર તેમા માત્ર બન્ને બિલ્ડીંગો મુદે જવાબ આપ્યો હતો. પત્ર બોંબ અંગે કશું કહેવાનો ઇન્કાર કર્યો હતો તે જ બતાવે છે કે પક્ષમાં શિસ્ત કેવી છે ? ઘરનો મામલો ઘરમાં શાંત ન થતા ઉઘાડો થયો છે.

જિલ્લા ભાજપ પ્રમુખએ જિલ્લામાં પક્ષની પ્રતિષ્ઠા વધ્યાનો દાવો કર્યો છે. વિસાવદર વિ. સભા ચૂંટણીમાં 35 હજારની લીડનો દાવો કર્યો છે. સંગઠન આટલું મજબુત હોય તો ચૂંટણી ટાણે રાત ઉજાગરા, તડજોડની રમત શા માટે કરવી પડે ?

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનું અસ્તિત્વ ન હોવાની ભાજપના આગેવાનો, કાર્યકરો ડંફાસ મારે છે છતાં કોંગ્રેસના ઉમેદવાર સાડા ચાર લાખથી વધુ લઇ જાય તે જ બતાવે છે કે કોંગ્રેસની સ્થિતિ ભાજપ માને તેવી નથી. આજે ભાજપના આગેવાનો જ સામ સામે કાદવ ઉછાળવા લાગ્યા તેની જનમાનસ ઉપર અસર પડી શકે ત્યારે ભાજપ મોવડી મંડળીએ મૌન તોડી મામલો શાંત પડવાની જરૂર છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક