• શનિવાર, 21 સપ્ટેમ્બર, 2024

તિરુપતિ પ્રસાદ વિવાદ : કેન્દ્રનું કડક વલણ, રિપોર્ટ માગ્યો

આંધ્રપ્રદેશની સરકારને તાત્કાલિક અહેવાલ આપવા તાકીદ, દોષિતો સામે નિયમાનુસાર થશે ફરિયાદ

લાડુમાં પશુની ચરબીની પુષ્ટિ થયા પછી આ પ્રકરણ પહોંચ્યું સુપ્રીમ કોર્ટમાં : તાત્કાલિક હસ્તક્ષેપની માગણી

નવી દિલ્હી, તા.20: દેશનાં પ્રમુખ શ્રદ્ધાનાં કેન્દ્રો પૈકી એક તિરુપતિ મંદિરમાં મળતા પ્રસાદનાં લાડુમાં ઘીનાં બદલે માછલીનું તેલ અને પશુની ચરબી જેવી માંસાહારી ચીજો મળ્યાની પુષ્ટિ થતાં દેશમાં રોષ ભભૂકી ઉઠયો છે. આ મામલે હવે કેન્દ્ર સરકાર હરકતમાં આવી ગઈ છે અને આંધ્રપ્રદેશની ચંદ્રાબાબુ નાયડુ સરકાર પાસેથી રિપોર્ટ પણ માગ્યો છે. બીજીબાજુ આ પ્રકરણ હવે સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચી ગયું છે અને ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા(સીજેઆઈ)ને વકીલ સત્યમ સિંહ એક પત્રનાં રૂપમાં અરજી મોકલી છે. જેમાં તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ(ટીટીડી) ટ્રસ્ટ સંબંધિત આ પ્રકરણમાં તાત્કાલિક હસ્તક્ષેપની માગણી કરવામાં આવી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તિરુપતિનાં લાડુ વિવાદમાં આંધ્રપ્રદેશની સરકાર પાસેથી રિપોર્ટ માગ્યો હોવાનું સ્વાસ્થ્ય મંત્રી જે.પી.નડ્ડાએ જણાવ્યું હતું. નડ્ડાનાં કહેવા અનુસાર તેમણે રાજ્ય સરકાર પાસેથી રિપોર્ટ માગ્યો છે. આ રિપોર્ટ મળ્યા બાદ તપાસ કરવામાં આવશે અને દોષિતો સામે એફએસએસએઆઈનાં માપદંડો અનુસાર કાર્યવાહી પણ કરવામાં આવશે. જો કે હાલનાં તબક્કે માત્ર રિપોર્ટ માગવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.

બીજીબાજુ સુપ્રીમ કોર્ટમાં તિરુપતિ મંદિરમાં દેવતાને ચઢાવવામાં આવતાં પ્રસાદમાં પશુની ચરબીનાં ઉપયોગ સંબંધિત અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે, આ કૃત્ય હિન્દુ ધાર્મિક રીત-રિવાજોનું ઉલ્લંઘન કરે છે અને અસંખ્ય ભક્તોની ભાવનાઓને ગંભીર ઠેસ પહોંચાડે છે. આ કૃત્યમાં ભારતીય સંવિધાનનાં અનુચ્છેદ 2પનું ઉલ્લંઘન થાય છે. આ અરજીમાં સુપ્રીમ કોર્ટનાં અનેક નિર્ણયોનો હવાલો પણ આપવામાં આવ્યો છે અને આવશ્યક ધાર્મિક પ્રથાઓની રક્ષાનાં મહત્ત્વ ઉપર પણ તેમાં જોર મૂકવામાં આવ્યું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક