• શનિવાર, 21 સપ્ટેમ્બર, 2024

માલવિકા વધુ એક ઉલટફેર કરી ચાઇના ઓપનનાં ક્વાર્ટર ફાઇનલમાં

સુપર 1000 ટૂર્નામેન્ટના ક્વાર્ટરમાં પહોંચનાર ભારતની ત્રીજી મહિલા ખેલાડી

ચાંગઝોઉ (ચીન), તા.19: ભારતની યુવા બેડમિન્ટન ખેલાડી માલવિકા બંસોડએ તેનું ચમત્કારી ફોર્મ ચાલુ રાખીને ચાઇના ઓપન સુપર 1000 ટૂર્નામેન્ટના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. માલવિકાએ આજે દુનિયાની 43મી નંબરની સ્કોટલેન્ડની ખેલાડી કિસ્ટી ગિલમુરને એક કલાકથી વધુની ટક્કર બાદ 21-17, 19-21 અને 21-16થી હાર આપી વધુ એક અપસેટ સર્જી ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી. સાઇના નેહવાલ અને પી.વી. સિંધુ પછી સુપર 1000 ટૂર્નામેન્ટના ક્વાર્ટરમાં પહોંચનાર માલવિકા ભારતની ત્રીજી મહિલા બેડમિન્ટન ખેલાડી છે.

22 વર્ષીય માલવિકાની આ એક મોટી ઉપલબ્ધિ છે. તેણી કેરિયરમાં પહેલીવાર કોઈ પ્રતિષ્ઠિત સુપર-1000 બેડમિન્ટન ટૂર્નામેન્ટના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. નાગપુરની આ ખેલાડીએ તેની સફળતાનો શ્રેય આકરી મહેનતને આપ્યો છે. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે ચાઇના ઓપનના પહેલા રાઉન્ડમાં માલવિકાએ પેરિસ ઓલિમ્પિકની કાંસ્ય ચંદ્રક વિજેતા ખેલાડી અને ટોચની 10 ખેલાડીમાં સામેલ ઇન્ડોનેશિયાની ખેલાડી ગ્રેગ્રોરિયાને ત્રણ સેટની લડત બાદ હાર આપી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક